15 July, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શેખર સુમન, શ્રુહદ ગોસ્વામી, અંકિત સાખિયા અને જય વ્યાસ
‘શેખર ટુનાઇટ સ્પેશિયલ્સ’ના તાજેતરમાં પ્રસારિત થયેલા એપિસોડમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની આખી ટીમ ખાસ મહેમાન તરીકે જોવા મળી હતી. આ એપિસોડમાં અભિનેતા શ્રુહદ ગોસ્વામી, ફિલ્મના નિર્દેશક અંકિત સાખિયા અને નિર્માતા જય વ્યાસે શેખર સુમન સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી. તેમણે ‘લાલો’ ફિલ્મ બનાવવાથી લઈને તેની ઐતિહાસિક સફળતા સુધીની રસપ્રદ સફર વિશે અનેક વાતો શેર કરી હતી. માત્ર ૧ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ સાથે ‘લાલો’ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની હતી. આ એપિસોડમાં દર્શકોને ફિલ્મની સફળતા પાછળની ઘણી અજાણી અને રસપ્રદ વાતો પણ જાણવા મળી હતી.
‘લાલો’ ફિલ્મની શરૂઆત વિશે વાત કરતાં અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ એક રસપ્રદ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘લાલો’ પહેલાં તેમની ટીમ બીજી એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને તેઓ લગભગ ત્રણથી ચાર વર્ષ સુધી અલગ-અલગ નિર્માતાઓને મળ્યા હતા. તેઓ સતત પ્રોડ્યુસર્સને ફિલ્મ બનાવવા માટે મનાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ અનેક પ્રયાસો છતાં તે ફિલ્મ બની શકી નહોતી. ત્યારબાદ ટીમે નવી દિશામાં વિચાર કરીને ‘લાલો’ પર કામ શરૂ કર્યું હતું, જે આગળ જઈને મોટી સફળતા સાબિત થઈ હતી.
ફિલ્મના નિર્દેશક અંકિત સાખિયાએ જણાવ્યું હતું કે, બીજી ફિલ્મ અટકી ગયા બાદ ટીમે કંઈક નવું કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વિચાર્યું હતું ક। ઓછી કિંમતમાં એક સરળ ફિલ્મ બનાવવી જોઈએ. જેમાં માત્ર એક કેમેરો, એક લોકેશન અને એક જ મુખ્ય કલાકારની જરૂર પડે. વાર્તા લખતા-લખતા ભગવાન શ્રીકૃષ્ણના પાત્રનો વિચાર આવ્યો હતો. ટીમને લાગ્યું હતું કે જો વાર્તામાં ભગવાન આવે તો ફિલ્મ વધુ રસપ્રદ બની શકે. પછી સૌની નજર અભિનેતા શ્રુહદ ગોસ્વામી પર ગઈ હતી અને તેમને ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ જ વિચાર આગળ જઈને ‘લાલો’ ફિલ્મની સૌથી મોટી ખાસિયત બન્યો હતો.
અંકિત સાખિયાએ જણાવ્યું હતું કે, જે ફિલ્મ ક્યારેય બની જ નહોતી તેના માટે શ્રુહદ ગોસ્વામીએ લાંબા વાળ વધાર્યા હતા. પછી જ્યારે ‘લાલો’ની વાર્તા બની ત્યારે એ જ લુક ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે એકદમ યોગ્ય સાબિત થયો હતો. અંકિતે કહ્યું હતું કે, એવું લાગ્યું જાણે આ બધું પહેલેથી જ નક્કી થયું હોય. તેમણે ઉમેર્યું હતું કે આખી ટીમે દિલથી મહેનત કરીને આ ફિલ્મ બનાવી હતી અને આજે તેની સફળતા સૌની સામે છે.
અંકિતે ક્લાઇમેક્સના શૂટિંગ દરમિયાન બનેલી એક ખાસ ઘટના પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેક્સના શૂટિંગ દરમિયાન ગાયોની જરૂર હતી, પરંતુ લોકેશન પર એક પણ ગાય મળી રહી નહોતી. ટીમે નક્કી કર્યું હતું કે હવે જે થશે તે ભગવાનની ઇચ્છા મુજબ જ થશે. થોડા સમય બાદ અચાનક એક ગોવાળિયો ગાયો લઈને ત્યાં પહોંચી ગયો હતો. તેણે ટીમને કહ્યું હતું, "તમે શૂટિંગ કરો, હું તો રોજ અહીં આવું છું." આ ઘટના જોઈને આખી ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અંકિતે જણાવ્યું હતું કે તેઓ તેને ચમત્કાર નથી કહેતા, પરંતુ જે વસ્તુની જરૂર હતી તે યોગ્ય સમયે મળી ગઈ હતી.
વર્ષો સુધી પ્રોડ્યુસર્સના ઇનકાર, અટકેલા પ્રોજેક્ટ્સ અને શૂટિંગ દરમિયાન બનેલી આવી અણધારી ઘટનાઓએ ‘લાલો’ની સફરને વધુ ખાસ બનાવી હતી. ટીમની આ ખુલ્લી વાતચીતે દર્શાવ્યું હતું કે કેવી રીતે નાનકડા બજેટથી શરૂ થયેલી ફિલ્મ આગળ જઈને ગુજરાતી સિનેમાના બોક્સ ઓફિસના ઇતિહાસને બદલનારી ફિલ્મ બની હતી.