બૅકસાઇડ નેકલેસ

07 May, 2025 07:07 AM IST  |  Mumbai | Rajul Bhanushali

ફૅશન-જગતની આ ક્લાસિક સ્ટાઇલ નવેસરથી ટ્રેન્ડમાં

કરિશ્મા તન્ના

થોડા વખત પહેલાં યોજાયેલા આઇફા અવૉર્ડ્‍સમાં કરિશ્મા તન્નાએ નેકપીસ પીઠ પર પહેરેલો એટલે કે બૅકલેસ બ્લાઉઝ પહેરીને પીઠ તરફ નેકપીસ પહેર્યો હતો. થોડાક વખત પહેલાં આ સ્ટાઇલથી સોનમ કપૂરે પણ લૉકેટ પહેર્યું હતું, પણ આ સ્ટાઇલ સૌપ્રથમ વખત લેડી ડાયનાએ કરી હતી. લેડી ડાયના પાછળથી ડીપ હોય એવા ડ્રેસ પહેરતી ત્યારે આવી રીતે બૅક પર પર્લ્સ પહેરતી. હવે થોડાક જ દિવસમાં આ ટ્રેન્ડ જોરદાર વાઇરલ થઈ જવાનો છે એમાં બેમત નથી. આ વિશે અમે પાર્લાનાં જ્વેલરી-ડિઝાઇનર કૃતિ ચતવાણી સાથે વાત કરી.  કૃતિ કહે છે, ‘આ એક ભવ્ય ટ્રેન્ડ છે. પીઠ પાછળ હાર એટલે કે બૅકસાઇડ નેકલેસ પહેરવાની ફૅશને આજે ફૅશન-જગતમાં તહલકો મચાવી દીધો છે. હાર ગળા પર પહેરવાના બદલે જ્યારે પીઠ પર પહેરવામાં આવે છે ત્યારે એક અલગ અને ભવ્ય લુક ક્રીએટ થાય છે. આ ટ્રેન્ડ ભલે આજકાલ ટ્રેન્ડી લાગે, પણ એનો ઇતિહાસ જૂનો છે. બ્રિટનના રૉયલ્સથી લઈને હૉલીવુડ સુધી અનેક જાણીતી હસ્તીઓ બૅકસાઇડ નેકલેસ પહેરી ચૂકી છે.’ 

સોનમ કપૂર

પ્રિન્સેસ ડાયનાએ ૧૯૮૦ના દાયકામાં એક ઇવેન્ટમાં પીઠ પર મોતીનો સુંદર હાર પહેર્યો હતો. ખુલ્લી પીઠવાળા ગાઉનમાં પહેરાયેલો આ હાર તેમની યુનિક શૈલી અને ભવ્યતા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. આ પહેલી વખત હતું જ્યારે એક રૉયલ પરિવારની વ્યક્તિ  ફૅશન-ટ્રેન્ડમાં આવું કંઈક નવું લઈને આવી હતી. હૉલીવુડની ઍક્ટ્રેસ નિકોલ કિડમૅને ૨૦૦૮માં યોજાયેલા ઑસ્કર અવૉર્ડ્‍સમાં પીઠ પર આવો દાગીનો પહેર્યો હતો. હીરાના લાંબા હાર સાથે ખુલ્લી પીઠવાળો ગાઉન પહેરીને એક શાનદાર દેખાવ સાથે આ ટ્રેન્ડને રેડ કાર્પેટ પર નિકોલે મજબૂત રીતે સ્થાન અપાવ્યું હતું. ૨૦૧૩માં અમેરિકન ઍક્ટ્રેસ ઍન હૅથવેએ પણ ટિફની ઍન્ડ કંપનીનો હીરાનો હાર પીઠ પર પહેરીને ઑસ્કર્સમાં ભાગ લીધો. વર્સાચેના ખુલ્લી પીઠવાળા ગાઉન સાથેના આ હારે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધેલા. ઍન હૅથવેના આ લુકે બૅકસાઇડ નેકલેસને ગ્લોબલ ફૅશનમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. તાજેતરની વાત કરીએ તો સોનમ કપૂર અને કરિશ્મા તન્ના જેવી ભારતીય સેલિબ્રિટીઓ આ સ્ટાઇલ સાથે જોવા મળી હતી. સોનમ કપૂરે હંમેશાં ફૅશન સાથે નવા પ્રયોગ કર્યા છે. તેણે સાડી સાથે આવી રીતે બૅકસાઇડ નેકલેસ પહેર્યો હતો. સોનમનો આ લુક એ સાબિત કરે છે કે પરંપરાગત કપડાં સાથે પણ આ ટ્રેન્ડ સુસંગત બની શકે છે. કરિશ્મા તન્નાએ પણ એક ફૅશન-ઇવેન્ટમાં વર્કઆઉટ ગાઉન સાથે બૅકસાઇડ નેકલેસ પહેર્યો હતો અને તે ખૂબ એલિગન્ટ લાગી રહી હતી. એનાથી એ સાબિત થયું કે આ ફૅશન ફક્ત પશ્ચિમી નહીં પણ ભારતીય કૉન્ટેક્સ્ટમાં પણ બેસે છે.

પ્રિન્સેસ ડાયના

ઍન હૅથવે

સ્ટાઇલિંગ ટિપ્સ : બૅકસાઇડ નેકલેસ કેવી રીતે પહેરવો?

ઓપન-બૅક ડ્રેસિસ સાથે એટલે કે પીઠ ખુલ્લી હોય એવાં ગાઉન, બ્લાઉઝ અથવા કફ્તાન સાથે બૅકસાઇડ નેકલેસ અદ્ભુત લાગે છે. આ પહેરો ત્યારે ન્યુનતમ મેકઅપ કરવો અને હેરસ્ટાઇલ પણ સિમ્પલ રાખવી. સાડી કે લેહંગા જેવા ભારતીય પરિધાન સાથે પણ આ બૅકસાઇડ નેકલેસ સરસ લાગે છે. માત્ર એક વાતનું ધ્યાન રાખવું કે એની સાથે કશું જ બહુ લાઉડ કૉમ્બિનેશન ન કરવું... પછી એ બીજી ઍક્સેસરીઝ હોય, હેરસ્ટાઇલ હોય કે પછી ફુટવેઅર હોય; બધું જ મિનિમલ. બની શકે ત્યાં સુધી કલર-કૉમ્બિનેશન પણ ન્યુડ રાખવું. દાગીનાને કમરપટ્ટા કે બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે એ એનો પ્લસ પૉઇન્ટ છે. પ્રિન્સેસ ડાયનાથી લઈને ઍન હૅથવે અને સોનમ કપૂર સુધી આ બૅકસાઇડ નેકલેસે પ્રવાસ કર્યો છે. એ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. આપણે ત્યાં પણ એને આવકારવાનું શરૂ થઈ ગયું છે અને નિકટના ભવિષ્યમાં ભારતીય લગ્નો અને ફૅશન-સીનમાં નિયમિત રીતે જોવા મળશે એમાં બેમત નથી. બૅકસાઇડ નેકલેસ હવે ફક્ત એક ટ્રેન્ડ નથી પણ એ એક કલાત્મક અભિવ્યક્તિ છે અને આવતી કાલે ફૅશનનું આગવું પ્રતિનિધિત્વ કરશે એ વાત પણ નક્કી છે.

fashion fashion news life and style columnists gujarati mid-day mumbai sonam kapoor karishma tanna