11 September, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, કિઆરા અડવાણી, નેહા ધુપિયા, શાહરુખ ખાન
ફૅશનની સાઇકલમાં જૂનું એટલું સોનુંનો હિસાબ ચાલ્યો છે. દર થોડાંક વર્ષે જૂની ફૅશન નવા અંદાજમાં પાછી આવતી જ હોય છે. નેવુંના દશકમાં ગજબનાક ફેમસ થયેલા બન્ડાના હવે નવા અંદાજ સાથે ફરી ફૅશન-ટ્રેન્ડ બનીને ઊભરી રહ્યા છે. બૉલીવુડથી લઈને હૉલીવુડના ફૅશન-જગતમાં બન્ડાનાની બોલબાલા વધી છે ત્યારે જાણીએ બન્ડાના સાથે સંકળાયેલી કેટલીક ખાસમ ખાસ વાતો.
૧૬૦૦ની સદીમાં રંગબેરંગી બાંધણીના કાપડનો વૈશ્વિક સ્તરે વેપાર થતો હતો. એ જ સમયે બન્ડાનાના ચોરસ કપડાનો માથે બાંધવા માટે ઉપયોગ થતો. સમય જતાં આ વાઇબ્રન્ટ ચોરસ કાપડ સાંસ્કૃતિક અને રાજકીય પ્રતીક બની ગયાં. ૧૮મી સદી સુધીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બન્ડાનાને યુરોપમાં પ્રચલિત કર્યા. ત્યાંથી એ અમેરિકા પહોંચ્યાં જ્યાં એ કામદારો માટે રક્ષાકવચનું કામ કરતા. ખાણમાં કામ કરતા કારીગરો અને રેલવેમાં કામ કરતા કામદારો ધૂળ અને પરસેવાને રોકવા માટે એને પહેરતા હતા. ૨૦મી સદીમાં બન્ડાનાની ઓળખ વધુ વ્યાપક બની કારણ કે નૉર્થ અમેરિકાના ખાણમાં કામ કરતા મજૂરોએ હડતાળ દરમિયાન પહેરેલા લાલ બન્ડાના શ્રમ અને એકતાનું પ્રતીક બની ગયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બન્ડાના સ્ત્રીશક્તિનું પ્રતીક બન્યા. એ જ રીતે કેટલાક ઇન્ટરનૅશનલ મ્યુઝિક બૅન્ડે પણ બન્ડાના પહેરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી.
તમને સૌથી અલગ બનાવી દેતા અને દુનિયાભરમાં દબદબો ધરાવતા બન્ડાનાની બ્યુટી એના ડબલ રોલને કારણે છે. એ પ્રાચીન અને આધુનિક બન્ને છે, ઍક્ટિવિઝમ અને ટ્રેડિશન બન્નેની શાખ પૂરે છે. ફંકી લુક પણ આપે છે અને પૉલિટિકલ વાઇબ પણ આપે છે. તમે એને પ્રોટેસ્ટમાં, પિકનિકમાં, લગ્નમાં કે વર્કઆઉટમાં પણ પહેરી શકો છો. એ દરેક જગ્યાએ ફિટ થઈ જાય છે અને આ જ એને ટાઇમલેસ બનાવે છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનો આ લુક જુઓ. સ્પેનમાં એક ડેસ્ટિનેશન વેડિંગમાં તેણે જાંબલી બાંધણીનો બન્ડાના પહેર્યો. ડિઝાઇનર અર્પિતા મહેતાના આ આઉટફિટમાં પરંપરાગત કારીગરીને મૉડર્ન લુક સાથે જોડી દેવામાં આવી હતી. તેનાં મૅચિંગ મિરર-એમ્બ્રૉઇડરીવાળાં ચોલી, ઘેરવાળા સ્કર્ટ અને પોટલી બૅગ પણ આકર્ષક હતાં પણ તેના માથા પર બાંધેલા બન્ડાનાએ આઉટફિટને એક અલગ જ પર્સનાલિટી આપી. અચાનક ઘણા લોકોના વેડિંગ લિસ્ટમાં આ ઍક્સેસરીનો સમાવેશ થઈ ગયો.
કિઆરા અડવાણી
એક ફિલ્મના પ્રમોશન વખતે કિઆરા અડવાણીએ આ લુક અપનાવ્યો હતો. મેટાલિક ક્રૉપ ટૉપ અને પ્રિન્ટેડ પલાઝોમાં તેણે તેના પલાઝોની પ્રિન્ટ જેવો જ બન્ડાના પહેર્યો જેણે તેના લુકને એકદમ આકર્ષક અને સ્ટાઇલિશ બનાવી દીધો.
નેહા ધુપિયા
નેહા ધુપિયાનો આ લુક જુઓ. તેણે તો બન્ડાનાને તેની સિગ્નેચર સ્ટાઇલ બનાવી દીધો છે. તેણે એક વાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘જ્યારે તમે નક્કી ન કરી શકો કે કયો સ્કાર્ફ પહેરવો... તો એ સરળ છે! એમને ટ્વિસ્ટ કરો અને બન્ને પહેરો!’
શાહરુખ ખાન
બૉલીવુડના કિંગ શાહરુખ ખાને બન્ડાના પહેર્યો છે. તેના પર એ એકદમ કૅઝ્યુઅલ અને ટાઇમલેસ લાગે છે.
તમને ખબર છે?
‘બન્ડાના’ શબ્દ ‘બાંધણા’ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘બાંધવું’. આ શબ્દ સીધો જ પરંપરાગત ભારતીય ટાઇ-ઍન્ડ-ડાઇ ટેક્નિક ‘બાંધણી’ સાથે જોડાયેલો છે જે આજે પણ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત છે. એટલે તમે એમ પણ કહી શકો કે બન્ડાનાનું જન્મદાતા આપણું ગુજરાત છે.