આ પહેરતાં પહેલાં ૧૦૦ વાર વિચારજો

04 May, 2025 07:26 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સામાન્ય રીતે વપરાશમાં લેવાઈ જતી આ આઇટમો પ્રત્યે અજાણતાં જ બેદરકારી થઈ જતી હોય છે, પણ એવું કરવું ન જોઈએ અને આ ચીજવસ્તુઓનો વપરાશ કરવાનું ટાળવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

રોજબરોજની લાઇફ સાથે જોડાયેલી કે પછી ફૅશનને ફૉલો કરવાના ભાવથી ઘણી વખત એવી ચીજવસ્તુઓ અપનાવી લેવામાં આવતી હોય છે જેની જ્યોતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ના પાડવામાં આવી હોય છે. આ જે ભૂલ છે એના વિશે ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે અને એને કારણે એવું બને છે કે એ અજાણતાં જ એકધારાં નકારાત્મક પરિણામો જોતાં થઈ જાય છે. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ એ વિશે આજે ચર્ચા કરવાની છે. વાત શરૂ કરતાં પહેલાં એક સ્પષ્ટતા, જેના વિશે ખબર ન હોય એવી ચીજવસ્તુઓનો ઉપયોગ હંમેશાં ટાળવો જોઈએ. ઉદાહરણ છે જ્વેલરી. કઈ રીતે, એની ચર્ચા આપણે આગળ કરીશું.

સ્ટોન જ્વેલરીનો ઉપયોગ

અલગ-અલગ કલરના સ્ટોનની જ્વેલરીની ફૅશન લાંબા સમયથી માર્કેટમાં છે, પણ જાણકારી વિના સ્ટોન ન પહેરવો જોઈએ એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે. સ્ટોન કોઈ પણ હોય, એને કલર હોય જ અને જો એને કલર હોય તો એ જે-તે કલર ધરાવતા ગ્રહનું રેપ્રિઝેન્ટેશન કરતા હોય. આવા સમયે જે ગ્રહને પ્રાધાન્ય ન મળવું જોઈએ એવા ગ્રહને જો ભૂલથી પણ પ્રાધાન્ય આપી દેવામાં આવે તો એ નુકસાનકર્તા બને છે. સ્ટોન જ્વેલરીની સાથોસાથ આ વાત પ્લાસ્ટિક જ્વેલરીને પણ લાગુ પડે છે. પ્લાસ્ટિક જ્વેલરીમાં પણ અલગ-અલગ કલરના પ્લાસ્ટિકના ટૂકડાઓ જોડવામાં આવ્યા હોય છે, જે પહેરવાથી શરીરની ઑરા અને ચક્રનું સંતુલન બગડી શકે છે એટલે જાણકારી વિના આ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ ટાળવો જોઈએ.

જો એ પહેરવાનું મન હોય કે શોખ હોય તો યોગ્ય જાણકાર પાસેથી જાણી લેવું જોઈએ કે કયા કલરના સ્ટોન કે પ્લાસ્ટિકના ઑર્નામેન્ટ્સ પહેરવા જોઈએ. યાદ રહે, આસપાસ રહેલા કલર માણસની માનસિકતાને સીધી અસર કરે છે.

ઘડિયાળ ક્યારેય નહીં

અન્ય કોઈ વાપરતું હોય, પહેરતું હોય એવી ઘડિયાળ ક્યારેય પહેરવી નહીં. ઘડિયાળ વિનાનો હાથ રાખવો પણ ન જોઈએ અને એ પછી પણ ક્યારેય ઘડિયાળ માગીને પહેરવી નહીં. યંગસ્ટર્સમાં એવું ચાલતું રહેતું હોય કે એ ઘડિયાળ કે એકબીજાનાં કપડાં માગીને પહેરે, પણ આ બન્ને આદતો ખરાબ છે. ખાસ કરીને ઘડિયાળ, કારણ કે એને ધોઈને લઈ કે આપી શકાતી નથી. ઘડિયાળ નકારાત્મકતા આપવામાં અવ્વલ છે. માગીને પહેરેલી ઘડિયાળ હંમેશાં સામેના પક્ષમાં રહેલી નકારાત્મકતા લઈ આવતી હોય છે.

માગીને ઘડિયાળ પહેરવી નહીં એવી જ રીતે ક્યારેય બંધ ઘડિયાળ પણ પહેરવી નહીં. ધારો કે ઘરેથી નીકળી ગયા પછી ધ્યાન જાય કે ઘડિયાળ બંધ પડી ગઈ છે તો પહેલું કામ ઘડિયાળ રિપેર કરાવવાનું કરો અને જો એવો સમય ન હોય તો એ કાઢીને ખિસ્સામાં મૂકી દો પણ બંધ ઘડિયાળ કાંડા પર રાખો નહીં. વધુ એક ટિપ, ઘડિયાળનો બેલ્ટ પણ તૂટેલો કે ફાટેલો ન હોય એ વાતની પણ કાળજી રાખવી જરૂરી છે. એ સારા સમયમાં સંઘર્ષ લાવવાનું કામ કરી શકે છે.

યલો કલરનાં પગરખાં

તમામ કલર્સમાં સૌથી આદરણીય જો કોઈ કલર હોય તો એ યલો કલર છે, જે ગ્રહ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ હંમેશાં આદરણીય માનવામાં આવ્યા છે એવા સમયે યલો કલરનાં પગરખાં પહેરવાની તમામ શાસ્ત્રોમાં સ્પષ્ટતાપૂર્વક ના પાડવામાં આવી છે. જે ગુરુ શિર-આંખો પર હોય, એને કેવી રીતે પગમાં પહેરી શકાય એવા તર્ક સાથે સમજાવવામાં પણ આવ્યું છે કે આવું કરનારાને ક્યારેય ગુરુજ્ઞાન નથી મળતું. અહીં ગુરુજ્ઞાન શબ્દનો ઉપયોગ બહોળા અર્થમાં કરવામાં આવ્યો છે. સંકટ સમયે અચાનક જ મળી જતો સાચો માર્ગ એ હકીકતમાં ગુરુજ્ઞાનની કૃપા છે.

છેલ્લા થોડા સમયથી પગમાં બે અલગ-અલગ કલરનાં શૂઝ પહેરવાનો પણ શિરસ્તો ચાલ્યો છે, જેમાં ખાસ તો યલો-રેડ એમ બે કલર વાપરવામાં આવે છે. આ ગેરવાજબી છે. ગુરુને પણ નારાજ કરવામાં આવે છે તો સાથોસાથ મંગળકારી એવા ગ્રહ મંગળને પણ પગમાં રાખવાનું ગેરવાજબી કૃત્ય થાય છે. પહેલાંના સમયમાં પગરખાંમાં કાળા કલરનો ઉપયોગ થતો, જે સર્વોચ્ચ ઉપાય છે અને એ જ કલરનાં પગરખાં પહેરવાનું રાખવું જોઈએ.

નાઇટ ડ્રેસ અને મંદિર

મોટા ભાગનાં મંદિરોમાં તો હવે એ પ્રકારનાં વસ્ત્રોમાં પ્રવેશ આપવામાં નથી આવતો પણ ધ્યાન રાખવું જોઈએ કે નાઇટ ડ્રેસમાં ઘર-મંદિરની સામે પણ ન જવું જોઈએ. જો ઘર નાનું હોય તો રાતના સમયે ભગવાનને સુવડાવી, ઘર-મંદિરનો દરવાજો બંધ કરી દેવો જોઈએ અને સવારે સ્નાન પછી એના દરવાજા ખોલવા જોઈએ, પણ નાઇટ ડ્રેસમાં મંદિરમાં દાખલ ન થવું જોઈએ. નાઇટ ડ્રેસમાં મંદિરની સામે ન જવું જોઈએ.

astrology fashion fashion news life and style columnists gujarati mid-day mumbai