વાળને કેવી રીતે બનાવશો ગ્લૉસી?

17 June, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોમાં વધતી જતી વાળની સમસ્યા વચ્ચે નવી-નવી ટ્રીટમેન્ટ્સ પણ આવ્યા કરતી હોય છે એવામાં છેલ્લા થોડા સમયથી લોકપ્રિય બનેલી હેર ગ્લૉસ ટ્રીટમેન્ટ વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

હેર ગ્લૉસ એક ટ્રીટમેન્ટ છે જે વાળને વધુ સુંવાળા બનાવીને એમાં એક ચમક ઉમેરવાનું કામ કરે છે. બ્લો ડ્રાયર, સ્ટ્રેટનર, કર્લર જેવાં હીટ ટૂલ્સનો વધુપડતો ઉપયોગ, પ્રદૂષણ, તડકો, ધૂળ, કેમિકલ ટ્રીટમેન્ટ વગેરેને કારણે જેમના વાળ બહુ રૂક્ષ અને નિસ્તેજ થઈ ગયા હોય, ગૂંચવાતા બહુ હોય, તૂટતા બહુ હોય તેમના માટે આ ટ્રીટમેન્ટ કામની છે. એવી જ રીતે જેમણે વાળમાં કલર કરાવ્યો હોય અને એ ફેડ થવા આવ્યો હોય તો એ એને રિવાઇવ કરવાનું કામ કરે છે. ગ્લૉસ વાળને મૉઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે જેથી ફ્રિઝી વાળ વધુ સિલ્કી બને છે. ગ્લૉસ એક પ્રોટેક્ટિવ લેયર બનાવી વાળને ધૂળ, પ્રદૂષણ અને તડકાથી બચાવે છે.

ગ્લૉસ ટ્રીટમેન્ટ સૅલોંમાં જઈને તમે કરાવી શકો. એ સિવાય તમે ઘરે પણ વાળને ગ્લૉસી બનાવી શકો છો. આ એક સેમી-પર્મનન્ટ ટ્રીટમેન્ટ છે જે વાળના ક્યુટિકલ્સ એટલે કે વાળની બહારની લેયરને ગ્લૉસી બનાવવાનું કામ કરે છે. હેર ગ્લૉસ વાળની અંદર ડીપ સુધી જઈને કામ કરતું નથી એટલે એની અસર થોડા દિવસો પૂરતી જ રહે છે. સૅલોંમાં જઈને હેર ગ્લૉસ ટ્રીટમેન્ટ કરાવી હોય તો વધુ પૉલિશ ફિનિશિંગ મળે છે, જ્યારે એની અસર પણ ચારથી છ અઠવાડિયાં સુધી રહે છે. એવી જ રીતે ઘરે ગ્લૉસ અપ્લાય કર્યું હોય તો એની અસર બે અઠવાડિયાં સુધી રહે છે.

ગ્લૉસ ટ્રીટમેન્ટની અસર વધુ દિવસો સુધી રહેતી ન હોવા છતાં એને પસંદ કરવાનું કારણ એ છે કે એમાં વધુપડતા હાર્શ કેમિકલનો ઉપયોગ થતો નથી એટલે એ વાળને નુકસાન પહોંચાડતું નથી. ઉપરથી હેર ગ્લૉસ ટ્રીટમેન્ટમાં વધુ સમય પણ વેડફાતો નથી. ઓછી ઝંઝટમાં પણ એ સારું રિઝલ્ટ આપે છે. હેર ગ્લૉસ પ્રમાણમાં સેફ હોય છે, પણ તેમ છતાં એમાં રહેલા કોઈ કેમિકલની ઍલર્જી હોય તો તમને સ્કૅલ્પમાં ખંજવાળ આવી શકે છે. જો ગ્લૉસ લગાવ્યા પછી તમને સ્કૅલ્પમાં ઇરિટેશન જેવું લાગે તો તરત વાળને ધોઈ નાખો.

ઘરે કઈ રીતે કરશો?

માર્કેટમાં હેર ગ્લૉસ સરળતાથી ઉપલબ્ધ છે જે ક્રીમ અથવા લોશનના ફૉર્મમાં આવે છે. ઘરે ગ્લૉસ લગાવવા માટે સૌથી પહેલાં તમારા વાળને સરખી રીતે શૅમ્પૂથી ધોઈને વાળમાં જે પણ ગંદકી જામી હોય એ સાફ કરી નાખો. શૅમ્પૂથી વાળ ધોયા બાદ વાળમાં કન્ડિશનર અપ્લાય કરવું જોઈએ, જેથી વાળ સુંવાળા થઈ જાય અને વાળમાં ગ્લૉસ પણ સરખી રીતે લાગે. વાળને કન્ડિશનર લગાવીને ધોયા બાદ હાથમાં ગ્લૉસ લઈને એને વાળમાં મૂળથી લઈને નીચે સુધી લગાવો. ગ્લૉસથી તમારા બધા જ વાળ સરખી રીતે રીતે કવર થઈ જવા જોઈએ. ગ્લૉસ લગાવ્યા પછી એને વાળમાં પંદરથી ૨૦ મિનિટ માટે રહેવા દો. એ પછી વાળને પાણીથી ધોઈ નાખો.

fashion fashion news news beauty tips life and style columnists gujarati mid-day mumbai