ટ્રેડિશનલ પરાંદા હવે બની ગયા છે ફૅશનેબલ હેર-ઍક્સેસરી

07 July, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ ફૅશનમાં ટ્રેડિશનલને મૉડર્ન સાથે મિક્સ કરીને ફ્યુઝન કરવાનો ટ્રેન્ડ ખૂબ પૉપ્યુલર છે. એવામાં ટ્રેડિશનલ પરાંદાને મૉડર્ન ટ્‍વિસ્ટ આપીને વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરવાનું ચલણ યંગ ગર્લ્સમાં વધી રહ્યું છે

જાહ્‍‍નવી કપૂર

પરાંદા એક પારંપરિક શૃંગાર છે. રંગીન દોરા અને લટકણથી બનેલી એક હેર-ઍક્સેસરી છે જેનો ઉપયોગ પંજાબી લોકોમાં થાય છે. પરાંદા ચોટલામાં બાંધવામાં આવે છે, જેનાથી વાળની સુંદરતા વધી જાય છે. પરાંદા વિવિધ રંગો અને ડિઝાઇનમાં આવે છે, જેને કપડાં સાથે મૅચ કરીને પહેરવામાં આવે છે.

પરાંદા જે એક પંજાબી બ્રાઇડની શાન માનવામાં આવતું એ આજકાલ ડેઇલી ફૅશનનો એક હિસ્સો બની ગયું છે. પરાંદા સામાન્ય રીતે લગ્નપ્રસંગ, લોહરી, બૈસાખી જેવા તહેવારો અને ફોક ડાન્સ પર્ફોર્મન્સ જેવા પ્રસંગ પર પહેરવામાં આવે છે, પણ આજકાલ એક ફૅશનેબલ હેર-ઍક્સેસરી તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે.

કેવા પરાંદા ટ્રેન્ડમાં છે?

ફૅશનમાં આજકાલ ટ્રેડિશનલ ઍક્સેસરીઝને મૉડર્ન ટચ આપવાનો ટ્રેન્ડ છે જે યંગસ્ટર્સને ખૂબ આકર્ષિત કરે છે. પરાંદા આનું બેસ્ટ ઉદાહરણ છે જે કલ્ચર અને કૂલનેસ બન્નેને રિપ્રેઝન્ટ કરે છે. માર્કેટમાં મલ્ટિકલરના પરાંદા, મિરર વર્કવાળા પરાંદા, પૉમપૉમવાળા પરાંદા, શેલવાળા પરાંદા, લટકણવાળા પરાંદા ટ્રેન્ડમાં છે. મોર્ડન પરાંદા હોય એમાં વધારે પડતું વર્ક હોતું નથી. એ સિમ્પલ અને મિનિમલ હોય છે, પણ તેમ છતાં દેખાવમાં એકદમ ક્લાસી લાગે છે.

શેના પર પહેરી શકાય?

પરાંદાને દેશી આઉટફિટની સાથે ઇન્ડો-વેસ્ટર્ન અને કૅઝ્યુઅલ આઉટફિટ્સ પર પણ પહેરી શકાય છે. તમે વાઇટ શર્ટ અને જીન્સ, ક્રૉપ ટૉપ-ધોતી/પલાઝો, ટૉપ-ઘેરવાળું સ્કર્ટ, સૉલિડ કલર બૉડીકૉન ડ્રેસ સાથે પરાંદાને પહેરી શકો.

સ્ટાઇલ કઈ રીતે કરશો?

પરાંદા પહેરતી વખતે ધ્યાન એ રાખવાનું કે પરાંદાનો કલર અને વાઇબ આઉટફિટ સાથે મેળ ખાય. જેમ કે તમે વાઇટ ટૉપ અને જીન્સ પહેર્યાં હોય તો એની સાથે કલરફુલ પરાંદા પહેરવાનું પસંદ કરો જે તમારા લુકને વધુ સારો બનાવશે. તમારા આઉટફિટ અને પરાંદાનો કલર જેટલો કૉન્ટ્રાસ્ટ હશે એટલો લુક સારો આવશે. કલરની સાથે તમારા આઉટફિટ અને પરાંદાની વાઇબ મેચ થવી પણ જરૂરી છે; જેમ કે ટ્રેડિશનલ આઉટફિટ પર મિરર, પર્લવાળા પરાંદા સારા લાગે પણ મૉડર્ન આઉટફિટ સાથે પૉમપૉમ, શેલ્સવાળા પરાંદા વધુ સૂટ થાય. એવી જ રીતે કૉટનની કુરતી હોય તો થ્રેડ ફૅબ્રિક પરાંદા સારા લાગે, જ્યારે ફેસ્ટિવલ વાઇબ્સ આપતાં હેવી કપડાં પર ગોલ્ડન, સિલ્વર લેસના પરાંદા સારા લાગે. તમારું આઉટફિટ હેવી પૅટર્નવાળું હોય તો એની સાથે સૉલિડ અને પ્લેન પરાંદા પહેરવાનું રાખો અને જો તમારું આઉટફિટ પ્લેન હોય તો બોલ્ડ અને વાઇબ્રન્ટ પરાંદા પહેરો. એટલે પરાંદાને તમે કયાં કપડાં સાથે મૅચ કરીને પહેરો છો એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે.

fashion fashion news news life and style bollywood columnists gujarati mid day mumbai