27 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફ્રાન્સના ફેમસ વાઇનના ટેસ્ટને ક્લાસિક માનવામાં આવે છે ત્યારે હવે એનો ઉપયોગ સ્કિનકૅરની ટ્રીટમેન્ટમાં પણ થવા લાગ્યો છે. ત્વચાને મુલાયમ અને હાઇડ્રેટ રાખતી અને નૅચરલી ગ્લો વધારતી આ ટ્રીટમેન્ટને વિનોથેરપી કહેવાય છે. આ થેરપીની શરૂઆત ફ્રાન્સમાં થઈ હતી. એના ઉપયોગથી ત્વચાને મળતા ફાયદાઓને લીધે એ અન્ય દેશોમાં પણ લોકપ્રિય થતી ગઈ અને હવે ભારતનાં કેટલાંક મેટ્રો સિટીમાં પણ વિનોથેરપીનો કન્સેપ્ટ જોવા મળી રહ્યો છે. વિનોથેરપી ખાસ પ્રકારની બ્યુટી અને સ્કિનકૅર થેરપી છે જેમાં દ્રાક્ષ તથા વાઇન અને એમાંય ખાસ કરીને રેડ વાઇનમાંથી મળતાં તત્ત્વોનો ઉપયોગ ત્વચાની હેલ્થ સુધારવા અને જાળવવા માટે થાય છે. વાઇનમાં ત્વચાને યુવાન, ચમકદાર અને ફ્રેશ રાખવા માટે ઉપયોગી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે જે સ્ટ્રેસ-લેવલને ઓછું કરે છે અને ડીપ ક્લીનિંગ કરીને એને મૉઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરે છે. આ થેરપીમાં રેડ વાઇનનું સેવન કરવાને બદલે એને સ્કિન પર લગાવવો એ વિનોથેરપીનો ભાગ છે.
એવું જરૂરી નથી કે બધાં જ સ્ટેપ ફૉલો કરવાં જ જોઈએ. કોઈ એક સ્ટેપને અપનાવશો તો પણ ત્વચાને ફાયદો મળશે એ પાકું. આ થેરપી અન્ય સ્કિન-ટ્રીટમેન્ટ કરતાં મોંઘી હોય છે, પણ ઍન્ટિ-એજિંગ માટે બહુ પ્રભાવી માનવામાં આવે છે.
ઘરે પણ ટ્રાય કરી શકાય
તમે વિનોથેરપી ઘરે પણ અજમાવી શકો છો. દ્રાક્ષના પલ્પમાં મધ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. એને ૧૫ મિનિટ રહેવા દો. પછી એને ધોઈ નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરવાથી બે મહિનામાં રિઝલ્ટ દેખાશે. ફેસમાસ્ક ઉપરાંત તમે ઘરે સ્ક્રબ પણ બનાવી શકો છો. એના માટે દ્રાક્ષનાં પીસેલાં બી, સાકર અને નાળિયેર તેલને મિક્સ કરીને આખી બૉડીને સ્ક્રબ કરી શકો છો. અઠવાડિયામાં આ પ્રયોગ એક વાર કરવામાં આવે તો ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય છે અને ત્વચામાંથી ગંદકી દૂર થાય છે.
બધા માટે સેફ છે?
વિનોથેરપી બધા માટે સેફ છે એમ કહેવું મુશ્કેલ છે, કારણ કે જેમની ત્વચા બહુ સેન્સિટિવ હોય એ લોકોને સાઇડ-ઇફેક્ટ્સ કે ઍલર્જી અથવા ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધુ હોય છે. તેથી આ થેરપી ટ્રાય કરવા પહેલાં પૅચ-ટેસ્ટ કરવી જરૂરી છે. આ ઉપરાંત જે લોકોને દ્રાક્ષની ઍલર્જી છે તેમણે એનાથી દૂર રહેવું જોઈએ. આમ તો આ થેરપી સ્પા જેવી આરામદાયક ફીલિંગ આપે છે, પણ ગર્ભવતી મહિલાઓએ ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને આ થેરપીનો અનુભવ લેવો હિતાવહ રહેશે.
વિનોથેરપીમાં શું હોય?
વાઇન ફેશ્યલ : એમાં દ્રાક્ષના અર્કમાંથી બનેલા ફેસમાસ્કને ચહેરા પર લગાવવામાં આવે છે. એનાથી ચહેરાની ત્વચાનું ડીપ ક્લીનિંગ થાય છે અને અંદર સુધી જરૂરી પોષણ મળતું હોવાથી ત્વચાનું પ્રોટીન કહેવાતા કૉલેજનના સ્તરને જાળવવામાં મદદ કરે છે. એને કારણે સ્કિન યંગ રહે છે એટલે કે એજિંગ પ્રોસેસને ધીમી કરે છે.
વાઇન મસાજ : વાઇન મસાજમાં સૌથી પહેલાં દ્રાક્ષનાં બી, સાકર અને વાઇનથી બનેલા સ્ક્રબની મદદથી શરીરના ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં આવે છે અને પછી દ્રાક્ષના તેલથી મસાજ કરવામાં આવે છે, જે બ્લડ-સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે.
વાઇન બૉડી રૅપ : બૉડી રૅપમાં દ્રાક્ષનો લેપ લગાવવામાં આવે છે જે સ્કિનને ડિટૉક્સ કરવાનું કામ કરે છે. એનાથી ત્વચાનાં છિદ્રો ઓપન થાય છે અને અંદરથી ગંદકી નીકળી જતી હોવાથી એ એકદમ ક્લીન ઍન્ડ ક્લિયર રહેવાની સાથે નૅચરલી ગ્લો કરે છે.
વાઇન બાથ : વિનોથેરપીમાં સ્કિન અને બૉડી ટ્રીટમેન્ટ થાય છે. એમાં વાઇન બાથના કન્સેપ્ટને બહુ જ કૉમન માનવામાં આવે છે. વાઇન બાથમાં એક બાથટબમાં ગરમ પાણી હોય છે. એમાં રેડ વાઇન, દ્રાક્ષનો રસ અને એનાં બીનું તેલ મિક્સ કરીને વ્યક્તિ એમાં આરામ કરે તો બૉડી બહુ જ રિલૅક્સ ફીલ કરે છે. આ બાથથી ત્વચા મુલાયમ અને હાઇડ્રેટ બને છે.