08 June, 2025 03:20 PM IST | Himalaya | Alpa Nirmal
માઉન્ટ એવરેસ્ટ
આકાશથી પૃથ્વી પરના સૌથી નજીકના પૉઇન્ટ એવરેસ્ટની અત્યારે જેટલી બોલબાલા વધી છે એટલી ક્યારેય નહોતી. પહેલાં એવરેસ્ટ આરોહણની સીઝન દરમિયાન કયા ને કેટલા પર્વતારોહકો શિખરે પહોંચ્યા એના સમાચારો મુશ્કેલીથી છપાતા. પરંતુ હવે સોશ્યલ મીડિયાના માધ્યમે ધરતીના સૌથી ઊંચા પર્વત પર જવાની એટલી કહાણીઓ વાઇરલ થઈ ગઈ છે અને થઈ રહી છે જેના પ્રતાપે ફિઝિકલ ફિટનેસ અને સ્ટ્રેન્ગ્થ ડેવલપ કરવામાં રુચિ ધરાવતા ૧૦માંથી બે જણ એવરેસ્ટ ચડવાનું સપનું જુએ છે. જોકે આ માટે બીજી શું-શું તૈયારીઓ કરવી પડશે એનું અથથી ઇતિ જાણીએ એવરેસ્ટ સર કરનારા ગુજરાતીઓ પાસેથી
ઈ. સ. ૧૯૯૫માં વિશ્વના કુલ ૧૧૭ માઉન્ટેનિયરોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. ૨૦૦૫માં ફક્ત ૪૭ પર્વતારોહકો એવરેસ્ટની ટોચે પહોંચ્યા અને લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ૨૦૨૫ની સીઝનમાં ૮૨૨ ક્લાઇમ્બર્સે ઓગણત્રીસ હજાર એકત્રીસ પૉઇન્ટ સાત ફીટની ઊંચાઈએ પહોંચી એવરેસ્ટ સમિટ કરવાનું તેમનું સપનું સાકાર કર્યું છે.
હાથ-પગનાં આંગળાંઓ થીજી જઈને ખરી પડે એવી કાતિલ ઠંડી, હાડ ચીરી નાખતો ઠંડો પવન, ગમે ત્યારે શરૂ થઈ જતાં બરફનાં તોફાનો, ઑક્સિજનની કમીની કારણે થતી અલ્ટિટ્યુડ સિકનેસ, મગજ બહેર મારી જાય એવું વાતાવરણ, ઝીરો રિસોર્સ મૅનેજમેન્ટ, દર વર્ષે મોતને ભેટતા પર્વતારોહકો અને મબલક શારીરિક શક્તિનો હ્રાસ થતો હોવા છતાં દરેક વર્ષે એવરેસ્ટ સર કરવા જનારાઓની સંખ્યામાં વધારો જ કેમ થતો જાય છે? આખિર ઐસા ક્યા હૈ ઇસમેં જો ઇસસે મિલને લોગ જાન ગિરવી રખ દેતે હૈં?
વેલ, એનાં એક નહીં, અનેક કારણ છે જેમાં સૌથી પહેલો મુદ્દો એવરેસ્ટની શહેનશાહી. પાંચ મિલ્યન વર્ષો પૂર્વે ભૂસ્તરીય હલનચલનથી બનેલી હિમાલય પર્વતમાળાનું તો ખરું જ પણ વિશ્વના અન્ય ડુંગરાઓનાં પિનૅકલથીયે ઊંચું શિખર એટલે એવરેસ્ટ. એવરેસ્ટનું સર્વોચ્ચ હોવું જ એને માંધાતા બનાવે છે અને એ માંધાતા પર ચડવું, પહોંચવું એ સાહસિક માનવોને માંધાતા બનાવે છે. આ મિશન પર જનારા બહાદુરો માટે એ પર્વત પર ચડી જવું, એની ટોચ પર પહોંચી ઝંડો ફરકાવવો એ માત્ર એક ઉપલબ્ધિ નથી. તેમના માટે તો એવરેસ્ટનું આરોહણ પોતાની શારીરિક તથા માનસિક સીમાઓનું પરીક્ષણ છે, કઠિનમાં કઠિન પરિસ્થિતિ વચ્ચે ટકી રહેવાનું પરાક્રમ છે, ડરને ફગાવીને વિપરીત પ્રતિકૂળતાઓ પર કાબૂ મેળવી જાતને આગળ ધકેલવાની હિંમત છે.
તો લેટ્સ સી કે આ ચોમોલુંગમાને (એવરેસ્ટનું તિબેટી નામ) સર કરવા કિતને પાપડ બેલને પડતે હૈં... મતલબ કે શું-શું તૈયારીઓ કરવી પડતી હોય છે.
એવરેસ્ટ ચડવાનો છે માત્ર એટલું નહીં, ચડીને હેમખેમ પાછા આવવાનું છે એવું લક્ષ્ય રાખો.
- કુંતલ જોઈશર, એવરેસ્ટ સર કરી આવનાર ફર્સ્ટ વીગન
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ ફિટનેસ
વર્ષોથી જિમમાં જતા હો, સારુંએવું કાર્ડિયો કરતા હો, ડોલે-શોલે બનાવ્યા હોય એટલામાત્રથી એવરેસ્ટ ચડાતો નથી કે બે-ચાર-છ ટ્રેક કરી આવ્યા હો, થોડા કિલ્લા કે નાના પર્વતોની ટોચે જઈ આવ્યા હો એટલી ફિટનેસથીયે આ માઇટી પર્વત ચડી શકાતો નથી. અફકોર્સ, ટ્રેકિંગનો અનુભવ માઉન્ટન્સને ઓળખવા, બેઝિક માઉન્ટેનિયરિંગની ડિસિપ્લિન વિશે જાણવામાં હેલ્પ કરે છે પરંતુ એવરેસ્ટ માટે એટલું પૂરતું નથી. બે વખત એવરેસ્ટ એક્સપિડિશન કરી આવનાર વિશ્વના એકમાત્ર વીગન ક્લાઇમ્બર કુંતલ જોઈશર ‘મિડ-ડે’ને કહે છે, ‘કમ સે કમ પાંચ વર્ષની ટફ ફિઝિકલ ટ્રેઇનિંગ જરૂરી છે. શારીરિક ઍક્ટિવિટી તો ખરી જ પણ સાથે બે હજાર, ત્રણ હજાર, પાંચ, સાત અને ઈવન આઠ હજાર ફીટના માઉન્ટન ચડવાનો અનુભવ હોવો જરૂરી છે એટલું જ નહીં; આઇ રેકમન્ડ કે ટ્રેઇનિંગના ભાગરૂપે ચડાતા માઉન્ટન્ટ ડિફરન્ટ-ડિફરન્ટ સીઝનમાં ચડો. કાળઝાળ ગરમીમાં, અંધારામાં, કાતિલ ઠંડીમાં, અતિશય વિન્ડી વાતાવરણમાં. વળી અલગ-અલગ રીજનમાં એટલે હિમાલયના પણ ખરા તો સહ્યાદ્રિના પણ ખરા. દરેક પર્વતની પોતાની ખાસિયત છે એટલે દરેક ચડાણ વખતે ડિફરન્ટ પ્રકારની ચૅલેન્જિસ આવે છે. એ કસોટીઓને શારીરિક અને માનસિક રીતે ટૅકલ કરવાનો અનુભવ લો. ત્યાર બાદ એવરેસ્ટ વિશે વિચારો.’
કુંતલભાઈની વાત તો સાચી છે. હાલમાં લોકો એકાદ વર્ષની ટ્રેઇનિંગ લે, એક-બે ટ્રેકિંગ કરે ને એવરેસ્ટ એક્સપિડિશન માટે પહોંચી જાય છે. આ પરિસ્થિતિ ક્લાઇમ્બર માટે તો ડેન્જરસ બને છે અને સાથે એવરેસ્ટ માટે પણ ખતરારૂપ બને છે. દરેક ડુંગરની પોતાની ભાષા છે. એ તમને અનેક પ્રકારે ઇન્ડિકેશન આપે છે. ટ્રેકિંગના વિવિધ અનુભવો માઉન્ટન્સનાં ઇન્ડિકેશન સમજતાં તો શીખવે જ છે અને સાથે ધીરજ કેળવવાનું શીખવે છે. કુંતલભાઈ કહે છે, ‘એવરેસ્ટમાં કરેલી એકદમ નાની ભૂલ પણ ભારે પડે છે. એ કોઈને માફ કરતો નથી. કોઈ અનુભવ વિના સમિટ ફીવરમાં એટલે કે ગયા છીએ એટલે એવરેસ્ટ ચડીને જ આવવું છે એવા ઉન્માદમાં તણાઈ જવાનું લાઇફ માટે જોખમી બને છે.’
એવરેસ્ટ બેઝ કૅમ્પની હાઇટ પણ ૧૭,૬૦૦ ફીટ છે. અનેક પર્વતારોહકો ફક્ત અહીં સુધીનું ટ્રેકિંગ પણ કરે છે.
આ તો થઈ શારીરિક ફિટનેસની વાત. માનસિક ફિટનેસનું શું? હાઈ અલ્ટિટ્યુડ, ઑક્સિજનની કમી આમેય મગજને હવામાં જ રાખે છે. હોશ ઓછા થઈ જાય છે ત્યારે પોતે જ માનસિક રીતે જાગ્રત રહેવું બહુ જરૂરી બની જાય છે. શેરપાઓ મદદ માટે હોય છે છતાં પોતાના શરીરને કઈ રીતે સાચવવું, એનર્જી ક્યાં વાપરવી, ક્યાં બચાવવી એ ડિસિઝન મગજ જ લેતું હોય છે.
ઘાટકોપરમાં રહેતા કુંતલભાઈ કહે છે, ‘મેન્ટલ અવેરનેસ સાથે શારીરિક સજ્જતા પણ જરૂરી છે. આપણું શરીર બહુ સ્માર્ટ છે. એને જ્યારે ખબર પડે છે કે પ્રાણવાયુનો પુરવઠો પૂરતો નથી મળી રહ્યો ત્યારે એ મહત્ત્વનાં અંગો (હૃદય, કિડની, લિવર, ફેફસાં, મગજ) પર વધુ ફોકસ કરે છે. એ ઑર્ગનને ઑક્સિજન મળી રહે એ માટે ઓછાં ઇમ્પોર્ટન્ટ અંગોમાં ઑક્સિજન સપ્લાય ઘટાડી મેઇન ઑર્ગનને પહોંચાડે છે. એવા સમયે તમને ખબર પડે કે તમારા હાથ-પગનાં આંગળાંઓમાં મૂવમેન્ટ નથી રહી. એ તમારા કન્ટ્રોલમાં નથી તો મગજને કમાન્ડ આપી ફોર્સફુલી ફિન્ગર્સ હલાવો અથવા બાહ્ય પરિબળો (ગરમ પાણી વગેરે)નો સહારો લો. આ કરવા શારીરિક તાકાતની જરૂર છે. જો એ તાકાત શરીરમાં નહીં બચી હોય તો માનસિક તાકાતનું શું?’
પરમિટ પ્રોસીજર, રજિસ્ટ્રેશન, ખર્ચ
એવરેસ્ટ નેપાલ અને તિબેટ (ચીન) એમ બે સાઇડથી ચડાય છે. આ બેઉ બાજુની પરમિશન આખી ટૂર ઑર્ગેનાઇઝ કરતી પ્રાઇવેટ કંપનીઓ મેળવી આપે છે. ડાયરેક્ટ સરકારને અપ્લાય કરવા જેવી સિસ્ટમ નથી. આ એક્સપિડિશન માટે જરૂરી શેરપા, સામાન, ટેન્ટ વગેરે પણ એજન્સી થ્રૂ જ મળે છે. હા, બેઉ દેશો એના ક્વોટા પ્રમાણે પરમિટ ઇશ્યુ કરે છે. તિબેટ સાઇડથી ચડવાવાળા પર્વતારોહકની સંખ્યા બહુ ઓછી હોય છે, કારણ કે ચીની સરકારનો ક્વોટા ઓછો છે. વળી ઇકૉનૉમિકલી અહીં નેપાલ સાઇડ કરતાં ૨૦થી ૩૦ ટકા ચાર્જિસ વધુ છે. આથી આ સાઇડ ઓછી ભીડ હોય છે. નામી પર્વતારોહકો આ કારણે આ સાઇડથી ચડવાનું વધુ પ્રિફર કરે છે, કારણ કે અહીં કોઈ રશ નથી હોતો. વળી અહીંથી ૬ હજાર ફીટની હાઇટ સુધીનું ચડાણ નેપાલની સાઇડના ક્લાઇમ્બની કમ્પૅરિઝનમાં સરળ છે. જોકે પછીનો ટ્રેક એવો જ કઠિન છે. વળી અહીં ખડકોનો ભાગ વધુ છે એટલે અહીં કોઈ ઇમર્જન્સી આવી તો જાન બચવાના ચાન્સિસ ખૂબ ઓછા રહે છે, રૉક્સ ટ્રેકરને સખત ઈજાઓ પહોંચાડે છે. અને આ બાજુ હેલિકૉપ્ટર સર્વિસ પણ ઉપલબ્ધ નથી, જ્યારે નેપાલ સાઇડ હેલી સર્વિસ મળી જાય છે અને વિશાળ ભૂખંડ જેવી હિમશિલાઓ પર ઢગલો બરફ હોવાથી મરણતોલ ઈજા થવાના ચાન્સ બહુ ઓછા રહે છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં પર્વતારોહકો બરફની ખીણોમાં પડી ગયા હોય, એક-બે દિવસ અંદર ફસાયેલા હોય તોય જીવતા બહાર નીકળે છે.
રહી વાત રજિસ્ટ્રેશન અને પરમિટની તો નેપાલ માટે એવરેસ્ટ ક્લાઇમ્બર દૂઝણી ગાય જેવા છે. આ આવક દેશની ઇકૉનૉમીનો બહુ મોટો આધાર છે એટલે અહીં પરમિટ કે ટેસ્ટ કે રજિસ્ટ્રેશનમાં કોઈ નિયમો પળાતા નથી. પૈસા આપો અને એવરેસ્ટ જાઓ. ખર્ચાની વાત કરીએ તો પર્સનલ ટ્રૅકસૂટ, માઉન્ટન ગિઅર અને અન્ય જરૂરી સામાનના પાંચેક લાખ તો ખરા. એ ઉપરાંત બેઝિક સગવડો, સેટ-અપ તેમ જ સર્વિસ આપતી એજન્સીઓના ચાર્જ ૨૫થી ૩૦ લાખ રૂપિયાથી શરૂ થાય છે. એમાં જેમ-જેમ સવલતો વધતી જાય તેમ-તેમ એ ફીઝ ૬૦થી ૭૫ લાખ સુધી પહોંચે છે. છેલ્લાં થોડાં વર્ષોથી અહીં VVIP એવરેસ્ટ એક્સપિડિશન પણ થવા લાગ્યાં છે જેમાં દરેક ક્લાઇમ્બરને ફાઇવ સ્ટાર સુવિધા ધરાવતો ટેન્ટ, અનલિમિટેડ ઑક્સિજન, બે શેરપા, પર્સનલ કુક તેમ જ ફોટોગ્રાફર પણ આપવામાં આવે છે અને બિલીવ મી, એ એક્સપિડિશન ફુલ્લી બુક થઈ જાય છે.
એજ ક્રાઇટેરિયા શું? કેટલા દિવસ થાય?
ચીની સરકારે એવરેસ્ટ એક્સપિડિશન માટે મિનિમમ ૧૭ વર્ષ અને મૅક્સિમમ ૭૦ વર્ષની આયુ ઠેરવી છે, જ્યારે નેપાલમાં ૧૦ વર્ષના કિશોરથી લઈ કોઈ પણ ઉંમરના લોકો સમિટ કરી શકે છે. જોકે ઉપર ટ્રાફિક જૅમ જેવી સ્થિતિ થઈ જવી, આરોહકોનો મૃત્યુદર વધી જવાનો ઊહાપોહ થવાથી નેપાલી સરકાર દેખાવ પૂરતી સખત થઈ હતી અને શારીરિક રિપોર્ટ કમ્પલ્સરી કર્યા હતા પરંતુ ‘યે નેપાલ હૈ ભૈયા, યહાં ભી સબ કુછ ચલતા હૈ’ એ નાતે કોઈ કાયદાઓ સ્ટ્રિક્ટ્લી પળાતા નથી.
હવે વાત કરીએ એક્સપિડિશનના ટોટલ દિવસની તો એ ગાળો દોઢથી અઢી મહિના સુધીનો હોય છે. ઍક્ચ્યુઅલી, આ યાત્રામાં નીચેથી ઉપર શિખરે ચડી જવું અને પાછું ઊતરી જવું એવું નથી. એની આખી પ્રોસેસ છે. ક્લાઇમ્બર કાઠમાંડુથી ફ્લાઇટમાં લુક્લા ગામે પહોંચે છે. અહીંથી એવરેસ્ટ બેઝ કૅમ્પનો ટ્રેક શરૂ થાય છે. લુક્લાથી નામચે બઝાર, તેંગબોચ મૉનેસ્ટરી થઈ ૬૫ કિલોમીટરનું અંતર ૧૦થી ૧૪ દિવસમાં પૂર્ણ કરી બેઝ કૅમ્પ પહોંચાય છે. એવરેસ્ટ બેઝ કૅમ્પની હાઇટ પણ ૧૭,૬૦૦ ફીટ છે (અનેક પર્વતપ્રેમીઓ ફક્ત અહીં સુધીનું ટ્રેકિંગ પણ કરે છે). આ ટ્રેકિંગ આરોહકની ઍક્લેમેટાઇઝેશનની પ્રોસેસ ટાઇપ કહી શકાય. અહીં આવ્યા પછી બે-ત્રણ દિવસનો રેસ્ટ લઈ પર્વતારોહી કૅમ્પ-1, કૅમ્પ-2, ક્યારેક કૅમ્પ-3 સુધી ચડ-ઊતર કરે છે. મીન્સ, પહેલા પડાવથી પાછા બેઝ કૅમ્પ આવે, બીજી પડાવ સાઇટથી પાછા બેઝ કૅમ્પ આવે, ત્રીજા સુધી ચડીને પણ પાછા આવે. આ પ્રકારની કસરત તેમના શરીરને વાતાવરણને અનુકૂળ બનાવે છે. ખાસ કરીને પાતળી હવામાં રહેવાની પ્રૅક્ટિસ કરાવે છે. આ આખીયે કવાયત ૩૦થી ૪૫ દિવસ (જેમાં ટ્રેકરનો બેઝ કૅમ્પ પર એકાદ-બે દિવસનો રેસ્ટ પણ સામેલ હોય) ચાલે. એ પછી વિન્ડો ખૂલે (મીન્સ એવરેસ્ટની ટોચે જવા માટે અનુકૂળ વાતાવરણ થાય) એટલે કુલ ૬થી ૭ દિવસ દરમિયાનમાં માઉન્ટેનિયર બેઝ કૅમ્પથી ટોચે જઈ પાછા આવે છે જેમાં તેઓ પહેલા દિવસે કૅમ્પ ફર્સ્ટથી કૅમ્પ ટૂ પહોંચે, ત્યાં ૧-૨ દિવસ રોકાય. પછી કૅમ્પ બેથી ત્રીજા કૅમ્પ પર જાય જેમાં તેમણે લ્હોત્સે ફેસ નામક ત્રણસો-સાડાત્રણસો ફીટ ઊંચી ને એકદમ સપાટ બર્ફીલી દીવાલ પાસ કરવાની રહે. કૅમ્પ થ્રી ૨૩,૬૨૫ ફીટ પર છે. અહીંથી બીજા જ દિવસે આરોહણકર્તાઓ ૨૬ હજાર ફીટે આવેલા કૅમ્પ ફોર પર પહોંચે. આ વિસ્તારનું નામ ડેથ ઝોન છે. અહીં ભલભલાનાં હાજાં ગગડી જાય કારણ કે અહીં ઑક્સિજનનું પ્રમાણ ખતરનાક રીતે ઓછું હોય છે.
એક દિવસ ચોથા કૅમ્પમાં રહી સીધા હિલેરી સ્ટેપ મીન્સ ઑન ધ ટૉપ ઑફ ધ વર્લ્ડ પહોંચવાનું અને થોડો સમય રોકાયા બાદ પરત કૅમ્પ ફોર પર આવવાનું રહે છે. જોકે આ વંચાય છે એટલું સરળ નથી. ઘણી વખત ઉપર વધુ લોકો હોય તો કૅમ્પ ફોર પરથી જ આગળ જવાની પરમિશન નથી મળતી અને ડેથ ઝોનમાં વેઇટ કરવા રોકાવું પડે છે. અને ઘણી વખત એવું પણ થાય કે ઉપર પહોંચવામાં ભીડ હોય (જેના ફોટોગ્રાફ ન્યુઝપેપરમાં ‘ટ્રાફિક જૅમ’ના કૅપ્શન સાથે દર વર્ષે છપાતા હોય છે) તો લિટરલી ચીરી નાખતા બર્ફીલા પવનમાં કોઈ મંદિરે જવા કતારમાં ઊભા હોઈએ એમ ઊભા રહેવું પડે છે અને એ સમયગાળો ૧૫-૨૦ મિનિટથી બે કલાક સુધીનો પણ હોઈ શકે છે.
અહીં આવી ભીડ થવાનું કારણ એ છે કે ઉપર શિખરે જવાની કોઈ સીડી કે કેડી તો છે નહીં. શેરપાઓએ બરફના પહાડોમાં દોરડાઓ બાંધી એક હંગામી રૂટ ઊભો કર્યો હોય છે. એ દોરડું પકડી કતારબદ્ધ ઉપર જવાનું અને ક્યુમાં પાછા આવવાનું. એમાં વળી કોઈની તબિયત બગડે, કોઈ એક ડગલું પણ ચાલી ન શકે એવાં કારણોસર વધુ સમય જાય. અને ટોચ પર મેદાન થોડું છે કે પહોંચી ગયા પછી બાર-પંદર જણ ઉપર ઊભા રહી શકે? દરેક પર્વતારોહક અને તેનો શેરપા સાથે ઉપર જાય, શિખરની ચોટીને પહોંચી આરોહક જે-તે દેશનો હોય એનો ઝંડો કાઢી ફોટો પડાવે, સ્નેહી-સંબંધી-પરિવારજનોને યાદ કરે, શેરપા ફોટો પાડે અને તરત નીચે ઊતરી જવાનું. વળી આ વનવે છે એટલે એક ઊતરે પછી બીજો ચડે, એ ઊતરે પછી ત્રીજો, આમ ઘણી વખત એવું થાય કે શિખર ૫૦ મીટર દૂર હોય તોય પોતાનો વારો આવતાં અડધો-એક કલાક થઈ જાય. કુંતલ જોઈશર કહે છે, ‘આ વેઇટિંગ જ ખરી કસોટીની ઘડી છે. તમે જે સપનું જોયું હોય એ પૂર્ણ કરવા શરીરની બધી તાકાત લગાવી દો, હવે એ નજર સમક્ષ હોય અને તમારું શરીર એવું નિચોવાઈ જાય કે પાછા આવવા માટે પગ ઉપાડવાની પણ તાકાત ન બચી હોય એ વખતે તન કી શક્તિને સાચવવાનો બહુ મોટો ટાસ્ક છે. આ વર્ષે બંગાળના એક પર્વતારોહક સુબ્રતા ઘોષનું મૃત્યુ આવા જ કારણે થયું. એક તો તેમણે કૅમ્પ ફોરથી બપોરે સમિટ-ક્લાઇમ્બિંગ શરૂ કર્યું અને બે વાગ્યે હિલેરી સ્ટેપ પહોંચ્યા. સમિટ ક્લાઇમ્બિંગ મિડનાઇટમાં શરૂ કરી અને સવારે દસ વાગ્યા પહેલાં કૅમ્પ પર આવી જવાનું હોય, કારણ કે દિવસ જેમ-જેમ ચડે તેમ-તેમ અહીં પવનની ગતિ તેજ થતી જાય. એ ફ્રીઝિંગ વિન્ડની સામે ટકી રહેવું કોઈનું ગજુ નથી. હાર્શ વેધર, ઑક્સિજનની કમી અને નો બૉડી પાવરને કારણે મિસ્ટર ઘોષ કૅમ્પ પર પરત પહોંચ્યા નહીં ને એ રૂટ પર જ એક્સપાયર થઈ ગયા. હજી તેમની બૉડી ત્યાં જ પડી છે.’’
યસ, માઉન્ટન્સ ડિસિપ્લિન જાળવવી જરૂરી છે. એ સાથે જ મનને કઠણ બનાવવાની પણ સખત જરૂર પડે છે. દર વર્ષે દસથી વીસ પર્વતારોહકો એક્સપિડિશન દરમિયાન મૃત્યુ પામે છે. તેમની ડેડ-બૉડીને નીચે લાવવાનો ખર્ચો તોતિંગ છે એટલે મોટા ભાગે એ મૃત શરીર ત્યાં જ પડ્યાં રહે છે અને એ પણ આ સીઝન કે ગઈ સીઝનનાં નહીં; ૭૦-૮૦ વર્ષ પહેલાંની ડેડ-બૉડીઝ પણ અહીં દેખાય છે. એ ડિસ્પોઝ નથી થતી, કારણ કે એવરેસ્ટ એક તોતિંગ રેફ્રિજરેટર જેવું છે જ્યાં કોઈ ચીજ ડીકમ્પોઝ થતી નથી; ચાહે મૃતદેહ હોય કે કચરો.
ટ્રેકર્સ દ્વારા લેવાયેલા ગાર્બેજ કે બૉડીના ફોટોઝ, વિડિયો પ્રસારમાધ્યમો દ્વારા પ્રદર્શિત થવાથી દુનિયાના પર્યાવરણવાદીઓએ ભારે ઊહાપોહ કરવાથી થોડાં વર્ષોથી યાત્રા શરૂ કરવા પૂર્વે અને એક્સપિડિશનની પૂર્ણાહુતિ થાય એ પછી માઉન્ટનની સફાઈ કરવામાં આવે છે અને એ દરમિયાન ડેડ-બૉડીઝને મુખ્ય રૂટ પરથી હટાવી દેવાય છે. પહેલાં તો માઉન્ટેનિયરોએ એ બૉડી પર પગ મૂકીને ચડવું પડતું એવા બનાવો પણ બન્યા છે.
નો ઈગો, ઓન્લી રિસ્પેક્ટ
ફિઝિકલ ફિટનેસ સારી છે, અનેક માઉન્ટન ચડવાનો એક્સ્પીરિયન્સ છે એટલે માઉન્ટન ડિસિપ્લિન પણ છે, પરમિટ, પૈસા બધું જ છે પણ જો માઉન્ટન્સ માટે રિસ્પેક્ટ નહીં હોય; હું સ્ટ્રૉન્ગ છું, કાબેલ છું, મને બધી ખબર છે એવો ઈગો હશે તો એવરેસ્ટ તમારી હવા કાઢી નાખશે. અમેરિકન રાઇટર અને ૧૯૯૬માં માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશનમાં જોડાયેલા જોન ક્રકાઉર તેમના પુસ્તક ‘ઇન્ટુ ધ થિન ઍર’માં લખે છે, ‘પર્સનલ ઈગો સંતોષવા સારુ કરવામાં આવતાં એક્સપિડિશન મધર નેચરને બહુ નુકસાન પહોંચાડે છે. પ્રકૃતિનો અનાદર, અભિમાની ઍટિટ્યુડ આરોહકને મોટો સબક શીખવી જાય છે.’ આ લેખક હાર્શ વેધર અને ફિઝિકલ ચૅલેન્જિસને કારણે કૅમ્પ ફોરથી ઉપર નહોતા જઈ શક્યા અને એ સાહસયાત્રામાં તેમણે બે સાથી પણ ગુમાવ્યા હતા. પોતાના અનુભવને આધારિત લખાયેલી આ બુકમાં તેઓ દરેક ક્લાઇમ્બરને સલાહ આપતાં લખે છે, ‘એવરેસ્ટ યાત્રા માટે ઘરેથી નીકળો ત્યારથી ઈગોલેસ થઈ જાઓ. એવરેસ્ટ લૉર્ડ છે, એ તમને ચડવા દે છે એ એની ગ્રેટનેસ છે; તમારી કાબેલિયત નહીં. સો, રિસ્પેક્ટ હિમ.’
એવરેસ્ટ ઊંચાઈની દૃષ્ટિએ ફર્સ્ટ, પણ કંચનજંગા વધુ ડિફિકલ્ટ
બે વખત એવરેસ્ટ અને બીજી વખત એવરેસ્ટ સમિટ કર્યાના છઠ્ઠે દિવસે વર્લ્ડનો ફોર્થ હાઇએસ્ટ માઉન્ટન માઉન્ટ લ્હોત્સે સર કરનાર કેવલ કક્કા ‘મિડ-ડે’ને કહે છે, ‘એવરેસ્ટ સેવન સમિટ માઉન્ટેન છે એટલે સાતેય ખંડોમાં સૌથી ઊંચો પર્વત એટલે એ વધુ લોકપ્રિય છે. ‘14 એઇટ થાઉઝન્ડર્સ’ મીન્સ વિશ્વભરમાં આવેલા ૮૦૦૦ મીટરથી વધુ ઊંચાઈના પર્વતોના પહેલા ક્રમાંકે આવતા એવરેસ્ટની સરખામણીએ અન્ય ૧૩ ગિરિઓ ચડવાનું વધુ ચૅલેન્જિંગ છે. થર્ડ હાઇએસ્ટ માઉન્ટન કંચનજંગાની વાત કરું તો અહીં કૅમ્પથી સમિટનો સ્ટ્રેચ બહુ અઘરો છે. ૧૨૦૦ મીટરના આ રસ્તામાં ૩૫૦ મીટર તો રૉકી પૅચ છે. એ પછીનું ક્લાઇમ્બ અતિ ટાયરિંગ છે. એવરેસ્ટની સરખામણીએ અહીં લૉજિસ્ટિકનો અભાવ છે, વળી વેધર ઇઝ મેઇન હીરો. છેલ્લાં બે વર્ષ સુધી અહીંનું હવામાન એટલું ખરાબ હતું કે એક પણ ક્લાઇમ્બર એ ચડી નહોતો શક્યો. એ જ પ્રમાણે હાઇટવાઇઝ દસમા ક્રમાંકે આવતો અન્નપૂર્ણા એક વખત અતિ ડેન્જર કહેવાતો. અહીં ખતરનાક હિમસ્ખલન થાય છે એટલે એવરેસ્ટની સામે અહીંનો ડેથ-રેટ વધુ છે. તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આવેલા K2 અને નંગા પર્વતના બેઝ કૅમ્પ સુધી પહોંચવું જ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. વિશાળ શબ્દને પણ નાનો પાડતી મોટી-મોટી ગ્લૅસિયર વળી ટ્રેકર, પોર્ટર, ગાઇડ-સપોર્ટના અભાવને કારણે ક્લાઇમ્બર માટે આ પર્વતો એવરેસ્ટની કમ્પેરિઝનમાં વધુ ભયાનક છે.
એવરેસ્ટ ચડવાનું પહેલાં કરતાં સિમ્પલ અને સુવિધાજનક બન્યું હોવાથી સિરિયસ માઉન્ટેનિયરિંગ ધીમે-ધીમે ઘટી ગયું છે
૧૯૫૩માં એડમન્ડ હિલેરી અને તેન્ઝિંગ નૉર્ગેએ પહેલી વખત એવરેસ્ટ અંકે કર્યો એ પછી ૨૦૨૪ સુધી (આ વર્ષના આરોહકોના પાકા આંકડા હજી આવ્યા નથી) ૭૨૦૦ પર્વતારોહક એવરેસ્ટની ચોટીએ પહોંચી શક્યા છે. એમાં ૧૯૯૦ પછી એની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. જોકે પ્રથમ એવરેસ્ટ-ક્લાઇમ્બનાં ૧૨ વર્ષ બાદ ૧૯૬૫માં ભારતનું ફર્સ્ટ ગ્રુપ શિખરે ગયું એ પછીના વર્ષોમાં ૧૯૮૩ સુધી એકેય ઇન્ડિયનોએ એવરેસ્ટ ચડાણ કર્યું નહીં. ૧૯૮૪માં પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ અને અન્ય શેરપાઓ ચડ્યા જેમાં ફુદોરજી નામક ઇન્ડિયન શેરપાએ તો ઑક્સિજન વગર સમિટ કૉન્કર કર્યું. અગેઇન ૮ વર્ષ શાંતિ રહી અને ૧૯૯૨માં ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ ફોર્સના આઠ જવાનોએ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો. એ પછી ભારતની ત્રણે પાંખની સેનાના અધિકારીઓએ આરોહણ કર્યું ને છેક ૧૯૯૮માં પહેલી વખત ભારતના કૉમન મૅને આ શિખર સર કર્યું. અગેઇન, નૌકાદળના જવાનો, પાયદળના અધિકારોઓએ આ એક્સપિડિશન ચાલુ રાખ્યાં. ૨૦૦૯માં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના એવરેસ્ટ અભિયાનમાં ૧૦ ટ્રેઇન્ડ માઉન્ટેનિયર્સ સક્સેસફુલ થયા. એ પછી ભારતના અન્ય પ્રદેશોમાં રહેતા પર્વતપ્રેમીઓને એવરેસ્ટનો નાદ લાગ્યો અને સામાન્ય નાગરિકો પણ એક્સપિડિશનમાં જોડાતા ગયા. સોશ્યલ મીડિયાનું આગમન થતાં પર્વતારોહકોની સ્ટોરીઓ, અનુભવો વાઇરલ થતાં ગયાં અને એવરેસ્ટ આરોહણ પૉપ્યુલર થતું ગયું. સામે પક્ષે નેપાલ એની કુદરતી સંપત્તિને એન્કૅશ કરવા બેઠું જ હતું. અને નેપાલના અન્ય પર્વતો પણ ટ્રેકર્સમાં લોકપ્રિય હતા જ એટલે તેમણે એવરેસ્ટ એક્સપિડિશન પણ કમર્શિયલ ધોરણે શરૂ કર્યું. એ સાથે જ હાઈ-ટેક સાધનોને કારણે વેધર રિપોર્ટની ઍક્યુરસી વધવા લાગી, માઉન્ટેનિયરિંગ ગિઅર્સ (સાધનો) સુલભતાથી મળવા લાગ્યાં અને લોકોની મનીસ્પેન્ડિંગ કૅપેસિટી વધતાં નૉન-ક્લાઇમ્બર માટે પણ એવરેસ્ટ એક્સપિડિશન શરૂ થઈ ગયાં. એજન્સીઓની આંતરિક હોડમાં સવલતો, સુવિધાઓ અપાતી થઈ ગઈ. પૈસાદારો પૈસા આપી સાદી અને સામાન્ય નહીં પણ એવરેસ્ટ જે સાહસિકતાનો એપિક પૉઇન્ટ છે એની યાત્રા કરતા થઈ ગયા. અત્યારે લિટરલી એવું કહેવાય છે કે ‘યુ કૅન વૉક, આઇ કૅન ટેક યુ ટુ ધ ટૉપ.’ આ પરિસ્થિતિમાં પર્વતારોહણની ખરી કળા, ક્લાઇમ્બરની મહેનત, કાબેલિયત બધું ગૌણ થતું ગયું. એવરેસ્ટ એક્સપિડિશન સિમ્પલ થતાં માઉન્ટેનિયરિંગની સિરિયસનેસ ઘટી ગઈ. આજે એક્સપિડિશન કરવાવાળાઓની સૂચિ એટલી લાંબી છે, ઇન્ક્વાયરીઓ ભરચક છે એટલે નેપાલ સરકાર પ્રકૃતિના નિયમો તોડી-મરોડીને દર વર્ષે ચારસોથી પાંચસો પરમિટ ઇશ્યુ કરે છે. દરેક ક્લાઇમ્બર સાથે મિનિમમ એક શેરપા તો હોય છે. એ સંખ્યા ગણો તો હજાર માણસ થઈ ગયા. છોગામાં VVIP એક્સપિડિશન ખરું જ. આટલું આવાગમન વિશ્વના હાઇએસ્ટ પૉઇન્ટને હાનિ પહોંચાડી રહ્યું છે, ગાર્બેજ ગ્રાઉન્ડ બનાવી રહ્યું છે. બટ, હૂ કૅર્સ! દરેક વ્યક્તિને પોતાની સિદ્ધિ સાથે મતલબ છે કે આપણે તો એવરેસ્ટ સમિટ કરી આવ્યા છીએ બૉસ!