05 August, 2025 11:17 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
સોમનાથ મંદિર
શ્રાવણ માસના બીજા સોમવારે ગઈ કાલે સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભગવાન સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભક્તો ઊમટ્યા હતા. ભક્તજનોએ બિલ્વપત્ર અને જળાભિષેક કરીને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. સોમનાથ મંદિર પરિસરમાં જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓ જોવા મળતા હતા. ભરૂચથી નર્મદા નદીનું જળ લઈને યુવાનો પગપાળા સોમનાથ આવ્યા હતા અને નર્મદાના જળથી સોમનાથ મહાદેવને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ શાસ્ત્રોક્ત વિધિથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં શોભાયાત્રા યોજી હતી. વાજતેગાજતે નીકળેલી પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.