ચીનમાં ફરી કોરોના જેવી મહામારીનો ડર

04 January, 2025 07:56 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

નવા પ્રકારના વાઇરસથી લોકો બીમાર, હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ, બાળકો અને વૃદ્ધો પર વધારે અસર : ફરી કટોકટી જેવું વાતાવરણ, હૉસ્પિટલોથી સ્મશાનો સુધી અલર્ટ, WHOએ સેવી ચુપકીદી

ચીનની હૉસ્પિટલમાં ફરી ઊભરો

ચીનમાં ફરી કોરોના મહામારી જેવું સંકટ મંડરાઈ રહ્યું છે. કોરોનાનાં પાંચ વર્ષ બાદ ચીનના લોકો HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)થી સંક્રમિત થઈ રહ્યા છે અને હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે એવા સમાચાર છે. જોકે કોરોના વાઇરસની જેમ ચીન આ વાઇરસના સંક્રમણના મુદ્દે ચુપકીદી સેવીને બેસી રહ્યું છે. આ વાઇરસના સંક્રમણમાં ફ્લુ ટાઇપનાં લક્ષણો જોવા મળે છે જે કોવિડ-19 વખતે જોવા મળતાં હતાં. આ વાઇરસ ખાંસવાથી કે છીંકવાથી ફેલાય છે. સંક્રમિત લોકોના સંપર્કમાં આવતાં આ વાઇરસ ઝડપથી ફેલાય છે. એનું સંક્રમણ ત્રણથી પાંચ દિવસ રહે છે અને શિયાળામાં એનું સંક્રમણ વધારે જોવા મળે છે. એના સૉફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે. ચિંતાનું કારણ એ છે કે ચીનની સરકાર વાઇરસના સંક્રમણને લગતા સાચા આંડકા અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામે લાવતી નથી.

સોશ્યલ મીડિયામાં રિપોર્ટ

સોશ્યલ મીડિયામાં વિવિધ પોસ્ટ અને રિપોર્ટ જણાવે છે કે ચીનમાં આ વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હૉસ્પિટલોમાં બાળકો અને વૃદ્ધોને મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહ્યાં છે અને મૃત્યુના આંકડા પણ વધી રહ્યા હોવાથી સ્મશાનગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે અંધાધૂંધી જેવું વાતાવરણ છે. જે વિડિયો શૅર કરવામાં આવી રહ્યા છે એમાં હૉસ્પિટલોમાં ભારે ભીડ દેખાઈ રહી છે અને લોકો જણાવી રહ્યા છે કે ચીનમાં ઇન્ફ્લુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19 જેવા વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે.

મૉનિટરિંગ સિસ્ટમ શરૂ

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના આરોગ્ય વિભાગે આ મુદ્દે મૉનિટરિંગ સિસ્ટમ શરૂ કરી દીધી છે અને શ્વાસનળીને લગતા રોગોમાં જે વધારો થયો છે એ શિયાળાને કારણે છે કે નહીં એની પણ તપાસ હાથ ધરી છે. પાંચ વર્ષ પહેલાં કોવિડ-19ની અસર થઈ હતી અને હવે કયા વાઇરસનો ચેપ ફેલાઈ રહ્યો છે એના પર નજર રાખવામાં આવી રહી છે.

ચીનમાં નૅશનલ ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન ઍડ્મિનિસ્ટ્રેશન આવા વાઇરસના કેસમાં લૅબોરેટરીઓ માટે રિપોર્ટની પ્રક્રિયા અને રોગચાળાના કન્ટ્રોલ અને એને કેવી રીતે રોકી શકાય એની ગાઇડલાઇન તૈયાર કરશે. ચીનમાં ૧૬થી ૨૨ ડિસેમ્બરના સમયગાળામાં શ્વાસને લગતા રોગોમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં લોકોને માસ્ક પહેરવા, ભીડ થતી હોય એવી જગ્યાઓમાં નહીં જવા અને વારંવાર હાથ સૅનિટાઇઝ કરવાની સલાહ આપવામાં આવી છે.

HMPVની સામે પ્રભાવી કોઈ રસી નથી. એનાં લક્ષણો સામાન્ય શરદી-કફ જેવાં હોઈ શકે છે, પણ એનું સંક્રમણ ગંભીર સાબિત થઈ શકે છે. ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં દરદીઓની સંખ્યા વધી રહી છે એટલે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ ચિંતિત છે.

WHOની પણ ચુપકીદી

કોરોના સમયે પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ ખૂબ મોડેથી એને સંક્રમણ જાહેર કર્યું હતું અને આ નવા HMPV વાઇરસ પ્રતિ પણ એણે હજી સુધી ચુપકીદી સેવી છે. કોરોના સમયે ઘણા લોકોનાં મૃત્યુ બાદ એણે મહામારી જાહેર કરી હતી.

china coronavirus covid19 world health organization international news world news