કોરોના વાઇરસ ચીનની વુહાન લૅબમાં જ બનાવાયો અને ફેલાવાયો: ડોનલ્ડ ટ્રમ્પ

05 June, 2021 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીને તબાહી મચાવવા બદલ વિશ્વને ૧૦ ટ્રિલ્યન ડૉલર ચૂકવવા જોઈએ

ડોનલ્ડ ટ્રમ્પ

કોરોના મહામારી મુદ્દે શરૂઆતથી જ ચીન ઉપર શાબ્દિક હુમલા કરનારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી ચીન સામે નિશાન તાક્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કોરોના વાઇરસ ચીને જ પેદા કરેલો વાઇરસ છે જે વુહાનની લૅબોરેટરીમાંથી બહાર આવ્યો છે અને વિશ્વભરમાં ફેલાવ્યો છે.

ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે અમેરિકા સહિત વિશ્વભરમાં કોરોના થકી તબાહી મચાવવા માટે ચીને ૧૦ ટ્રિલ્યન અમેરિકન ડૉલર ચૂકવવા જોઈએ.

ફેસબુક અને ટવીટર જેવા સોશ્યલ મીડિયામાં પ્રતિબંધિત ઠરેલા અમેરિકાના ટ્રમ્પે એક નિવેદન બહાર પાડીને પોતાની વાત રજૂ કરી છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું છે કે હવે તો કહેવાતા દુશ્મન પણ કબૂલે છે કે ટ્રમ્પ કોરોના વાઇરસના ઉદ્ભવ સ્થાન વિશે સાચા હતા. આ વાઇરસ ચીનના વુહાનમાંથી જ બહાર આવ્યો છે.

વિશ્વભરના મોટા ભાગના નિષ્ણાતોએ કોરોના વાઇરસના ઉદ્ભવ સ્થાન વિશે ચીન પર અંગુલી નિર્દેશ કર્યો છે એટલું જ નહીં, હવે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના વહીવટ તંત્ર ઉપરાંત બ્રિટન તેમ જ ભારત સહિતના દેશોએ કોરોના વાઇરસ સંબધે નવેસરથી તપાસ કરવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પર દબાણ લાવવાની માગ કરી છે.

international news coronavirus covid19 washington united states of america china donald trump