News In Short : તાલિબાને અફઘાન સૈનિકના બાળકને ફાંસી આપી દીધી

29 September, 2021 09:21 AM IST  |  Kabul | Agency

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ફરી શાસન આવ્યું છે. તાલિબાન સામે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા અવાજ ઉઠાવે છે એની સાથે બર્બરતા અને અત્યાચાર કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનના નવા શાસક તાલિબાનની બર્બરતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. આ બાળકનો પિતા અફઘાન રેઝિસ્ટન્સ ફોર્સનો મેમ્બર એટલે કે સૈનિક દળનો સભ્ય હોવાની શંકા હોવાથી તાલિબાનના મેમ્બરોએ તેના બાળકને રહેંસી નાખ્યો હતો. આ અહેવાલ તાલિબાનના હરીફ પંજશીર ઑબ્ઝર્વર નામના મીડિયા હાઉસે બહાર પાડી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ફરી શાસન આવ્યું છે. તાલિબાન સામે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા અવાજ ઉઠાવે છે એની સાથે બર્બરતા અને અત્યાચાર કરવામાં આવે છે.

દેશમાં ૨૦૧મા દિવસે કોરોના વાઇરસના ૨૦,૦૦૦થી ઓછા કેસ

ગઈ કાલે દેશમાં ૨૦૧ દિવસ બાદ કોરોનાના ૨૦,૦૦૦થી ઓછા (૧૮,૭૯૫) નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસનો આંક ૩,૩૬,૯૭,૫૮૧ થયો છે તેમ જ ૧૯૨ દિવસ બાદ ઍક્ટિવ કેસ ઘટીને ૨,૯૨,૨૦૬ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૭૯ લોકોનાં મોત થતાં મરણાંક વધીને ૪,૪૭,૩૭૩ થયો હતો, જે પણ ૧૯૩ દિવસનો સૌથી ઓછો મરણાંક છે. છેલ્લા ૨૪ કલાકમાં એક કરોડથી વધુ લોકોને વૅક્સિનનો ડોઝ આપવામાં આવતાં કુલ ૮૭ કરોડથી વધુ વૅક્સિનના ડોઝ દેશભરમાં આપવામાં આવ્યા છે.

૩૦મી ઑક્ટોબરે ૩૩ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

ચૂંટણી પંચે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ત્રણ લોકસભાની અને ૩૦ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી આગામી ૩૦ ઑક્ટોબરના રોજ યોજાશે. જેમાં દાદરા નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવા લોકસભા બેઠકનો સમાવેશ છે. આ ત્રણેય બેઠકમાં જીતેલા ઉમેદવારોના નિધન થયા હતા, જ્યારે ૧૪ રાજ્યોની ૩૦ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં આસામની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની ત્રણ-ત્રણ બેઠકો, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની બે-બે બેઠકો, આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલૅન્ડ અને તેલંગાણાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

national news international news taliban afghanistan coronavirus covid19