24 May, 2025 09:15 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મૉસ્કોમાં ભારતીય સંસદસભ્યોનું પ્રતિનિધિમંડળ
રશિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે એણે છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં ઓછામાં ઓછા ૪૮૫ ડ્રોન-હુમલાઓનો સામનો કર્યો છે. ફક્ત મૉસ્કો (રશિયાની રાજધાની) અને એની આસપાસના વિસ્તારોમાં જ ૬૩ ડ્રોન-હુમલાના પ્રયાસ થયા હતા. ભારતીય પ્રતિનિધિમંડળ મૉસ્કો પહોંચે એ પહેલાં પણ આ જ સ્થિતિ ચાલુ રહી હતી. કલાકો સુધી અહીં ડ્રોન-હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના લીધે ઍરપોર્ટ બંધ કરવું પડ્યું હતું.
આ કારણે ભારતીય સંસદસભ્યોના પ્રતિનિધિમંડળને રશિયા લઈ જતી ફ્લાઇટે કલાકો સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે ડ્રોન-હુમલાને કારણે ઍરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ઘણા વિલંબ પછી વિમાનનું સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ DMKનાં સંસદસભ્ય કનિમોઝી કરી રહ્યાં છે. રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ઍરપોર્ટ પર સર્વપક્ષીય સંસદસભ્યોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું અને સુરક્ષિત રીતે તેમની હોટેલમાં લઈ ગયા હતા. કનિમોઝી રશિયા, સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા અને લાતવિયા જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ પ્રતિનિધિમંડળ પહલગામ હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ તાજેતરમાં શરૂ કરાયેલા ઑપરેશન સિંદૂર વિશે માહિતી આપશે.