28 April, 2025 09:07 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને પોતાના મિત્ર દેશોની આગળ હાથ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના નાણાપ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે કહ્યું હતું કે પાકિસ્તાને ચીન સાથે પોતાની હાલની સ્વૉપ લાઇનને ૧૦ અરબ યુઆન સુધી વધારવાનો આગ્રહ કર્યો છે. અમેરિકાના વૉશિંગ્ટનમાં આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં નાણાપ્રધાને એમ પણ કહ્યું હતું કે અમે ૨૦૨૫ના અંત પહેલાં પાંડા બૉન્ડ લૉન્ચ કરીશું. સ્વૉપ લાઇન શું છે?
તમામ દેશોની કેન્દ્રીય બૅન્કો વચ્ચે પોતાની કરન્સીઓની અદલા-બદલી કરવા માટે કરવામાં આવેલા કરારને સ્વૉપ લાઇન કહેવામાં આવે છે. એ નાણાકીય સંકટ અને તનાવની સ્થિતિમાં ઉપયોગી સાબિત થાય છે. ઇમર્જન્સીની સ્થિતિમાં જ્યારે બજાર પ્રેશરમાં હોય છે તો આ ઍગ્રીમેન્ટ તેમને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે, એનાથી બૅન્કોને વિશ્વાસ અપાવવામાં આવે છે કે કોઈ વિશેષ મુદ્રા પર કોઈ પ્રેશર નહીં હોય. સ્વૉપ લાઇન મોટી માત્રામાં રોકડ ઉપલબ્ધ રાખે છે.