01 September, 2026 02:55 PM IST | Bishkek | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટને સંબોધિત કરી હતી (તસવીર સૌજન્યઃ એએનઆઇ)
કિર્ગિસ્તાન (Kyrgyzstan)ની રાજધાની બિશ્કેક (Bishkek) ખાતે મંગળવાર, ૧ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ૨૬મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (26th Shanghai Cooperation Organisation) સમિટમાં ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narednra Modi)એ આતંકવાદ સામે સખત વલણ અપનાવતાં સ્પષ્ટ કર્યું છે કે, ‘આંતંકવાદ પર કોઈ પણ પ્રકારના બેવડા ધોરણો માટે સ્થાન હોઈ શકે નહીં.’ પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif), ચીન (China)ના રાષ્ટ્રપતિ શિનજિંગ પિંગ (Xi Jinping) અને રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ સરહદ પારના આતંકવાદના આખા ઈકોસિસ્ટમને નષ્ટ કરવા અને વૈશ્વિક વિવાદોને મુત્સદ્દીગીરીથી ઉકેલવા પર ભાર મૂક્યો હતો.
સમિટની ગોળમેજી પરિષદને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં (PM Narednra Modi at SCO Summit) જણાવ્યું હતું કે, આતંકવાદ કોઈ પણ દેશ માટે ‘વ્યૂહાત્મક સાધન’ (Strategic Asset) બની શકે નહીં. તેમણે એશિયાઈ પ્રાદેશિક દેશોને વિનંતી કરી હતી કે જે દેશો આતંકવાદી સંગઠનોને આશ્રય, ભંડોળ અને મદદ પૂરી પાડે છે, તેમની સામે એકજુથ થઈને અવાજ ઉઠાવવો જોઈએ.
પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આપણે આતંકવાદની સમગ્ર ઈકોસિસ્ટમ - તેનું ફંડિંગ, ભરતી, કટ્ટરપંથ અને તેમના સુરક્ષિત અડ્ડાઓનો નાશ કરવો પડશે. આતંકવાદ સામે બેવડા ધોરણો ન હોવા જોઈએ તે માટે આપણે એકસૂરે બોલવું પડશે.’
તેમનું આ નિવેદન આતંકવાદનો સીમાપાર હથિયાર તરીકે ઉપયોગ કરતા દેશો સામે સીધો પ્રહાર માનવામાં આવે છે.
પશ્ચિમ એશિયાની વ્યાપક કટોકટી અને અન્ય વૈશ્વિક સંઘર્ષોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને નોંધ્યું હતું કે આધુનિક યુદ્ધોના કારણે વૈશ્વિક ઉર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર માર્ગો અને સપ્લાય ચેઈનને ભારે નુકસાન પહોંચે છે. તેમણે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે લશ્કરી સંઘર્ષો ક્યારેય લાંબા ગાળાનો ઉકેલ આપી શકતા નથી.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શક્ય નથી; તમામ યુદ્ધો અને વિવાદોનો ઉકેલ માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ આવવો જોઈએ.’ તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને યુદ્ધોની સૌથી મોટી આર્થિક અસર ગ્લોબલ સાઉથના વિકાસશીલ દેશો પર પડે છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક વિકાસ અંગે વાત કરતાં પીએમ મોદીએ SCO માટે ભારતના ત્રણ મુખ્ય સ્તંભો રજૂ કર્યા: સુરક્ષા (Security), કનેક્ટિવિટી (Connectivity) અને તક (Opportunity). તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રાદેશિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ તમામ સભ્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરતો હોવો જોઈએ.
પોતાના સંબોધનના અંતમાં વડાપ્રધાને SCO દેશોને ડ્રગ્સની હેરાફેરી, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રે સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી જેથી સમગ્ર યુરેશિયા પ્રદેશમાં સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ લાવી શકાય.