આજથી ભારત સહિત ૬ દેશોના નાગરિકોને યુએઈમાં પ્રવેશ

05 August, 2021 08:44 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

પ્લેનમાં ચઢતાં પહેલાં લૅબ-ટેસ્ટ, પછી ક્વૉરન્ટીન

પ્રતીકાત્મક તસવીર

યુએઈ (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ના અધિકારીઓએ જાહેરાત કરી છે કે ભારત અને નેપાલ સહિત છ દેશોના નાગરિકોને આજે પાંચમી ઑગસ્ટથી યુએઈમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે તેમ જ આરોગ્ય કર્મચારીઓને પણ યુએઈ પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે. યુએઈની નૅશનલ ઇમર્જન્સી ક્રાઇસિસ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (એનસીઈએમએ) અને જનરલ સિવિલ એવિએશન ઑથોરિટીના નિર્દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નાઇજીરિયા અને યુગાન્ડાના નાગરિકોને પણ લાગુ પડશે. મુસાફરીની મંજૂરી મેળવવા માટે પ્રવાસીઓએ ફેડરલ ઑથોરિટીની વેબસાઇટ પર જઈને ઑનલાઇન અરજી કરવી પડશે. રસીકરણ પ્રમાણપત્ર ઉપરાંત મુસાફરોનો ૪૮ કલાકની અંદરનો નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો જોઈશે. પ્લેનમાં ચડતાં પહેલાં લૅબ-ટેસ્ટ કરવામાં આવશે અને યુએઈમાં પ્રવેશતાં પહેલાં પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી તેમને હોમ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવશે. ભારત યુએઈ સહિત જીસીસી (ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ) દેશો પર દબાણ કરી રહ્યું છે કે તેઓ ભારતીય વ્યાવસાયિકો અને અન્ય કામદારોને કોવિડ-19 સંબંધિત મુસાફરી પ્રતિબંધોને હળવા કરવા અને શક્ય તેટલી વહેલી તકે તેમની નોકરી પર પાછા ફરવાની મંજૂરી આપે. સંયુક્ત આરબ અમીરાતમાં ૩.૪૨ મિલ્યન ભારતીયો વસવાટ કરે છે.

coronavirus covid19 covid vaccine international news dubai