17 May, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દાદરમાં આયોજિત કરાયેલા સમર-કૅમ્પમાં ભાગ લેવા ગયેલી ૧૪ વર્ષની ટીનેજર માટે તેના પપ્પાએ દાદરથી પવઈના ઘરે જવા માટે ઉબર કૅબ બુક કરી હતી, પણ ઉબરના ડ્રાઇવરે ટીનેજરની સતામણી કરતાં દાદર પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે ૨૩ વર્ષના ઉબરના ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ઘટના મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે બની હતી. ટીનેજરને લઈને ઉબરનો ટૅક્સી-ડ્રાઇવર શ્રેયાંશ પાંડે પવઈ જવા નીકળ્યો હતો, પણ તેણે એકલી ટીનેજરને જોઈને રૂટ ચેન્જ કરી નાખ્યો હતો એમ જણાવતાં દાદરના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આરોપી સતત ટીનેજરને જોતો રહેતો હતો. તેણે ટીનેજરનો ફોન જોવા માગ્યો હતો અને એમ કરતી વખતે તેને અણછાજતો સ્પર્શ પણ કર્યો હતો. એ સિવાય તેણે મેઇન રોડ છોડીને નાની-નાની ગલીઓમાંથી ટૅક્સી કાઢી અને ત્યાર બાદ ટૅક્સી ઈસ્ટર્ન એક્સપ્રેસ પર લઈ ગયો હતો. તેણે ટીનેજરને પૂછ્યું હતું કે તારે સિગારેટ પીવી છે? તને લાઉડ મ્યુઝિક સાંભળવાનું ગમશે? એ ડ્રાઇવ કરતાં-કરતાં સતત તેને જોતો હતો એને લીધે ટીનેજર અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હતી. તેણે ઈસ્ટર્ન એક્સપ્રેસ પર એક નિર્જન જગ્યાએ ટૅક્સી રોકી હતી અને કહ્યું કે ટૅક્સીમાં ફૉલ્ટ આવ્યો છે. જોકે એ પછી ટૅક્સી ચાલુ કરી હતી. તેના બદઇરાદાની ગંધ આવતાં ટીનેજરે પપ્પાને ફોન કરીને જાણ કરતાં પપ્પાએ કહ્યું કે જ્યાં છે ત્યાં ટૅક્સી રોકીને ઊતરી જા. જોકે ડ્રાઇવરે એમ છતાં ટૅક્સી ન રોકતાં ટીનેજરના પપ્પાએ ડાયરેક્ટ ટૅક્સી-ડ્રાઇવર સાથે વાત કરીને ટીનેજરને ઉતારી દેવા કહ્યું. ત્યારે તેણે કહ્યું કે હું ટીનેજરને પવઈ છોડી દઉં છું અને એમ કહીને ટીનેજરને ઘરે ન છોડતાં એ પહેલાં જ થોડે દૂર છોડીને નાસી ગયો હતો.’
પોલીસ-ફરિયાદ થતાં પોલીસે ઉબરમાંથી ડિટેઇલ કઢાવીને ઉબરના ડ્રાઇવર શ્રેયાંશ પાંડેને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.