૭.૬૯ કરોડ રૂપિયાના સોનાની દાણચોરી બદલ બે જણની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ

25 October, 2024 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૭.૬૯ કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરનારા બે મુસાફરોની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૭.૬૯ કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરનારા બે મુસાફરોની ધરપકડ કરી હતી. મુસાફરો પાસે રહેલી બૅગની તપાસ કરતાં તેમની પાસેથી ત્રણ પૅકેટમાં ૯૪૮૭ ગ્રામ સોનું મળી આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ સોનું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના માર્ગે ભારતમાં લાવવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

DRIના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવ્યું હતું. જયપુરથી મુંબઈની ફ્લાઇટમાં બન્ને જણ નકલી ઓળખના આધારે મુસાફરી કરી રહ્યા હતા. તેમને મુંબઈ ઍરપોર્ટ પર પકડીને તપાસ કરતાં ૯૪૮૭ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમ્યાન આ મુસાફરોએ મુંબઈમાં સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ સોનું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના માર્ગે લાવવામાં આવ્યું હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી. બન્ને મુસાફરોને દાણચોરીના રૅકેટમાં સામેલ મુંબઈની એક વ્યક્તિને આ સોનું પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી. આ કેસમાં હવે અમે દાણચોરીના સોનાના મૂળની તપાસ કરી રહ્યા છીએ અને દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai airport chhatrapati shivaji international airport mumbai gold crime jaipur mumbai news news