13 May, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૮૭મા વસઈ વિજયોત્સવની ઉજવણી
અઢારમી સદીમાં થઈ ગયેલા મરાઠા સામ્રાજ્યના સેનાપતિ ચીમાજી અપ્પાએ ૧૭૩૯માં યુદ્ધ કરીને પોર્ટુગીઝો પાસેથી વસઈનો કિલ્લો આંચકી લીધો હતો. આ વિજયને આ વર્ષે ૨૮૭ વર્ષ થયાં છે ત્યારે ગઈ કાલે વસઈ-વિરાર મહાનગરપાલિકાના ક્રીડા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૨૮૭મા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની શરૂઆત વિરારમાં આવેલા વજ્રેશ્વરીદેવી મંદિરમાં સવારે ૭ વાગ્યે મશાલનું પૂજન કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ મશાલયાત્રા વસઈ ફાટા, વાલિવ નાકા, ગોખીવરી નાકા, ચીમાજી અપ્પા ઉદ્યાન, નવઘર-ઈસ્ટ, માણિકપુર થઈને પારનાકા અને વસઈ કિલ્લા સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વસઈકરો અને હિન્દુત્વવાદી સંસ્થાના કાર્યકરો સામેલ થયા હતા. મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ સાથે વસઈ અને નાલાસોપારાના ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય સ્નેહા દુબે અને રાજન નાઈક તેમ જ પક્ષના કાર્યકરો હાજર રહ્યાં હતાં.
શિર્ડીના સાંઈમંદિરમાં ચડાવવામાં આવ્યું ગોલ્ડન ૐ સાંઈ
મહારાષ્ટ્રના શિર્ડીમાં આવેલા સાંઈબાબાના વિખ્યાત મંદિરમાં ભક્તો જાતજાતની ભેટ ચડાવતા હોય છે ત્યારે દુબઈના એક ભક્તે ૨૭૦ ગ્રામ એટલે કે ૨૭ તોલા સોનામાંથી બનાવવામાં આવેલી ૐ સાંઈ લખેલી ભેટ બાબાનાં ચરણે ધરી છે. આ ભેટને મંદિરમાં બાબાની મૂર્તિ પાસેની દીવાલમાં મુકાવવામાં આવી છે.
મુંબઈમાં ત્રિશૂલ ફેસ્ટિવલની ઉજવણી
તામિલ ફેસ્ટિવલ એટલે કે ત્રિશૂલ ફેસ્ટિવલની ગઈ કાલે મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં તામિલ કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું. હિન્દુ દેવી મરીઅમ્માને વરસાદની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રિશૂલ ફેસ્ટિવલમાં ભક્તો કૉલેરા, સ્મૉલપૉક્સ અને ચીકનપૉક્સ જેવી બીમારી ઠીક કરવા માટે દેવીના આશીર્વાદ મેળવે છે. દર વર્ષે તામિલો આ ફેસ્ટિવલની ઉજવણી કરે છે.