બોરીવલીમાં બેસ્ટની બસ નીચે કચડાઈ ગઈ ત્રણ વર્ષની બાળકી

09 April, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રૅફિકમાં ઊભેલી બસ આગળ વધી ત્યારે બાળકી અડફેટે આવીને પડી અને પાછળનું ટાયર તેેના પરથી ફરી વળ્યું

ગઈ કાલે બપોરે બોરીવલી-ઈસ્ટના રાજેન્દ્રનગરમાં અહીં બેસ્ટની બસે બાળકીને અડફેટે લીધી હતી.

બોરીવલી-ઈસ્ટમાં ગઈ કાલે બપોરે બેસ્ટની બસનાં પૈડાં ૩ વર્ષની બાળકી પરથી ફરી વળતાં તેનું મોત થયું હતું. કસ્તુરબા માર્ગ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની આ ઘટના બેસ્ટની બસ બોરીવલી-ઈસ્ટમાં રાજેન્દ્રનગરથી પસાર થઈ રહી હતી ત્યારે બની હતી. બપોરે ૧૨.૪૦ વાગ્યે પોતાનો રૂટ પૂરો કરીને બસનો ૪૮ વર્ષનો ડ્રાઇવર પ્રકાશ દિગંબર કાંબળે બોરીવલી-ઈસ્ટમાં સ્ટેશનથી માગાઠાણે ડેપો જતો હતો ત્યારે આ ઘટના બની હતી. રાજેન્દ્રનગર પાસે ૩ વર્ષની બાળકી મહેક શેખ બસની લેફ્ટ સાઇડથી આગળ આવી જતાં લેફ્ટ સાઇડના આગળના ટાયર સાથે ભટકાઈને પડી ગઈ હતી અને બસનું પાછળનું ટાયર તેના શરીર પરથી ફરી વળ્યું હતું. પોલીસ તરત તેને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટર ધર્મેશ સંખેએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.

આ અકસ્માત સંદર્ભે કસ્તુરબા માર્ગ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરીને તેની સામે સદોષ મનુષ્યવધ (જેમાં હત્યાનો ઇરાદો ન હોય) અને મોટર વેહિકલ ઍક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ‘એ સ્પૉટ પર ટ્રાફિક હોવાથી બસ ટ્રાફિકમાં ઊભી હતી ત્યારે બાળકી અને પાંચ વર્ષનો તેનો મોટો ભાઈ બસની આગળથી નીકળી રહ્યાં હતાં એ વખતે ટ્રાફિક સહેજ હળવો થતાં ડ્રાઇવરે બસ આગળ લીધી હતી. પાંચ વર્ષનો બાળકીનો ભાઈ તો કૂદકો મારીને આગળ નીકળી ગયો હતો, પણ બાળકી રસ્તા પર પટકાઈ હતી અને બસનું પૈડું તેના પરથી ફરી વળ્યું હતું.’

બેસ્ટના પ્રવક્તાએ આ બાબતે કહ્યું હતું કે ‘એ બસ કૉન્ટ્રૅક્ટ પરની છે. આ બાબતે તપાસ થશે અને જો ડ્રાઇવર દોષી જણાશે તો તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે.’

ટ્રકે ઍક્ટિવાને ટક્કર મારી એમાં એક વ્યક્તિનું મોત
થાણેના ઘોડબંદર રોડ પર ઓવળા સિગ્નલ પાસે ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરે આગળ જઈ રહેલી ઍક્ટિવાને ટક્કર મારતાં ૫૪ વર્ષના સુધીર ચૌધરીનું મોત થયું હતું. આ અકસ્માત સંદર્ભે કાસારવડવલી પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

borivali brihanmumbai electricity supply and transport road accident mumbai traffic crime news mumbai crime news mumbai police news maharashtra news maharashtra mumbai mumbai news