18 May, 2025 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇંદ્રાયણી નદીના બ્લુ ફ્લડલાઇન (પૂર આવી શકે એવો વિસ્તાર)ના નિયમને ચાતરીને ઊભા કરી દેવાયેલા ૩૬ બંગલાઓ ગઈ કાલે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ આપેલા આદેશને પગલે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન (PCMC)એ તોડી પાડ્યા હતા. આ કાર્યવાહી વખતે ભારે પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને સાથે જ NGTના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઍક્ટિવિસ્ટ તાનાજી ગંભીરે આ સંદર્ભે આ વિલા પ્રોજેક્ટ સામે NGTમાં ફરિયાદ કરી હતી. તેણે તેની અરજીમાં કહ્યું હતું કે ‘બ્લુ ફ્લડલાઇનના વિસ્તારમાં કોઈ પણ બાંધકામ કરવા દેવાતું નથી ત્યારે આ બંગલાઓ એ જ વિસ્તારમાં ઊભા કરી દેવાયા છે એટલે એમની સામે કાર્યવાહી કરવામાં આવે. એથી જુલાઈ ૨૦૨૪માં NGTએ ઑર્ડર પાસ કરીને એ બંગલાઓ તોડી પાડવા PCMCને જણાવ્યું હતું. જોકે એ પછી ૨૯ બંગલાઓના માલિકોએ આ enviસામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. એ પછી બંગલાના માલિકોએ ફરી એક વાર NGTને એના પહેલાના આદેશો રિવ્યુ કરવા કહ્યું હતું. જોકે તેમની એ રિવ્યુ પિટિશન પણ ફગાવી દેવામાં આવી હતી. એથી ફરી એક વખત બંગલાના માલિકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફરી ફગાવી દીધી હતી અને PCMCને કહ્યું હતું કે NGTના બંગલાઓ તોડી પાડવાના આદેશનો અમલ કરવામાં આવે અને એની સાથે જ પર્યવારણને જે નુકસાન થયું છે એના વળતરરૂપે એ બંગલાના માલિકો પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવામાં આવે. એ પછી ગઈ કાલે PCMCએ આ કાર્યવાહી કરી હતી.