મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૩૬ ટકાનો વધારો

11 August, 2022 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે નિષ્ણાતો અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોના મતે દૈનિક કેસનો આંકડો ૬૦૦ કરતાં વધુ નથી નોંધાયો

ફાઇલ તસવીર

શહેરમાં કોરોનાના કેસમાં ફરી એક વાર ઉછાળો જોવા મળતાં ડૉક્ટરોએ શરદી, કફ અને ગળામાં ખારાશની ફરિયાદ હોય તો માસ્ક પહેરવાની અને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ છેલ્લા સાત દિવસમાં શહેરમાં કોરોનાના કેસમાં લગભગ ૩૬ ટકાનો વધારો નોંધાયો છે. જોકે નિષ્ણાતો અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોના મતે દૈનિક કેસનો આંકડો ૬૦૦ કરતાં વધુ નથી નોંધાયો.

નાણાવટી હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન ઍન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના વરિષ્ઠ સલાહકાર ડૉક્ટર હર્ષદ લિમયેએ કહ્યું હતું કે ‘કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં ૩૫થી ૩૬ ટકાનો વધારો નોંધાયો છે. એમ છતાં હૉસ્પિટલમાં દાખલ થનારા પેશન્ટ્સનો આંકડો નીચો રહ્યો હોવાથી આ આંકડા હાલના તબક્કે ચિંતાજનક નથી.’

જોકે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતાં લોકોએ કોરોનાના પ્રોટોકૉલનું પાલન કરવું હિતાવહ રહેશે. ખાસ કરીને જો કોઈને કોરોનાનાં લક્ષણો જણાતાં હોય તો તેણે ભીડમાં જવાનું ટાળીને લોકોમાં રોગનો ફેલાવો થતો રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.  શહેરમાં ૨૬ જુલાઈથી ૧ ઑગસ્ટ દરમ્યાન ૧૮૮૯ જ્યારે  બીજી ઑગસ્ટથી ૮ ઑગસ્ટ દરમ્યાન ૨૯૭૭ કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી રાજ્ય સરકારે કોરોનાનો પ્રસાર રોકવા માટેનાં એનાં ધોરણોમાં સુધારો કર્યો નથી એમ જણાવતાં ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસે કહ્યું હતું કે ‘હમણાં કોરોનાના પ્રોટોકૉલમાં કોઈ ફેરફાર થયો નથી. પરીક્ષણ, ટ્રૅકિંગ અને સારવાર ચાલી રહી છે અને દરેકને રસી મળે એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’

mumbai mumbai news coronavirus covid19