13 April, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર પોલીસની સાઇબર વિંગે મ્યાનમારમાં જબરદસ્તીથી સાઇબર ગુલામી માટે લઈ જવાયેલા ૬૦ ભારતીયોને છોડાવી લાવવાની બહુ જ મહત્ત્વની કામગીરી બજાવી છે. તેમની પાસે સાઇબર ફ્રૉડ કરાવવામાં આવતો હતો જેમાં ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાઇબર ગુનાનો સમાવેશ થાય છે. લોકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ આ ભારતીયો પાસે કરાવવામાં આવતું હતું. મહારાષ્ટ્ર સાઇબર પોલીસે આ કેસમાં ત્રણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને પાંચ એજન્ટોને ઝડપી લીધા છે જેમાં એક તો વિદેશી છે.
સાઇબર પોલીસના એક ઑફિસરે આ રૅકેટ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ રૅકેટ ચલાવનારાઓ સોશ્યલ મીડિયા પરથી આ ટેક્નૉસૅવી ભારતીયોનો કૉન્ટૅક્ટ કરતા અને તેમને થાઇલૅન્ડ અને અન્ય ઈસ્ટ એશિયન દેશોમાં ઊંચા પગારની નોકરી ઑફર કરતા હતા. એજન્ટ તેમના પાસપોર્ટ અને ફ્લાઇટની ટિકટ બુક કરાવતા હતા અને એ પછી તેમને ટૂરિસ્ટ વીઝા પર થાઇલૅન્ડ મોકલતા હતા. થાઇલૅન્ડમાં લેન્ડ થયા બાદ તેમને મ્યાનમારની બૉર્ડર પર લઈ જવાતા. ત્યાંથી એક નાની બોટમાં તેમને ગેરકાયદે મ્યાનમારમાં લઈ જવામાં આવતા. એ પછી તેમને રિબેલ ગ્રુપ (બળવાખોર જૂથ) દ્વારા કન્ટ્રોલ કરાતી ફૅક્ટરીમાં લઈ જવાતા. એ આખો વિસ્તાર હથિયારો ધરાવતા ગાર્ડ્સથી ઘેરાયેલો રહેતો. એ પછી આ ભારતીયો પાસે જબરદસ્તી સાઇબર ફ્રૉડ કરાવવામાં આવતો. એમાં ડિજિટલ અરેસ્ટ સ્કૅમ, ફેક ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમ જેવા ગુના આચરવામાં આવતા. આ બધું જ જાણે એક ફૅક્ટરી ચાલતી હોય એમ પદ્ધતિસર કરાવવામાં આવતું હતું.’
મહારાષ્ટ્ર સાઇબર પોલીસે આ ૬૦ ભારતીયોને મ્યાનમારથી બચાવી લાવી છે. જોકે એ કઈ રીતે શક્ય બન્યું એ વિશે ગોપનીયતા રાખવામાં આવી છે.
આ બચાવાયેલા ભારતીયોની પૂછપરછ કરતાં તેમણે તેમને આ સાઇબર ગુલામીમાં ધકેલનારા એજન્ટો અને કૉલ સેન્ટર કંપનીઓની વિગતો આપી હતી.
આ એજન્ટો કઈ રીતે કામ કરતા એ વિશે જણાવતાં ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘આ કેસમાં એજન્ટ મનીષ ગ્રે ઉર્ફે મૅડી, ટાયસન ઉર્ફે આદિત્ય રવિચંદ્રન, રૂપનારાયણ રામધર ગુપ્તા, રાની ડી. અને ચાઇનીઝ નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. મનીષ ઉર્ફે મૅડી પ્રોફેશનલ ઍક્ટર છે અને વેબસિરીઝ અને કેટલાક ટીવી-શોમાં તેણે કામ પણ કર્યું છે. અન્યો સાથે મળીને તેણે આ ભારતીયોને એ રૅકેટ માટે તેમની જાણ બહાર રિક્રૂટ કર્યા હતા અને તેમને મ્યાનમાર લઈ જવાની ગોઠવણ કરી હતી. ચાઇનીઝ આરોપી ભારતમાં સાઇબર ક્રાઇમનું યુનિટ સ્થાપવા માગતો હતો. હાલ આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.’