મુલુંડના ૬૨ પ્રવાસીઓ અટકી પડ્યા હતા ગંગોત્રી નજીક

09 August, 2025 06:33 AM IST  |  Mumbai | Mehul Jethva

૧૦ને હેલિકૉપ્ટર દ્વારા સુર​ક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા, બાકીના લોકોનું સ્થળાંતર આજે

ચારધામ યાત્રા માટે ગયેલું મુલુંડનું ગ્રુપ.

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ વાદળ ફાટવાની કરુણ ઘટનાનો મુલુંડના ૬૨ પ્રવાસીઓ પણ ભોગ બન્યા હતા. મુલુંડ-વેસ્ટમાં આવેલા દેવીદયાલ ગાર્ડન ગ્રુપ સાથે જોડાયેલા ગુજરાતીઓ ચારધામના યાત્રાપ્રવાસે ૩૧ ઑગસ્ટે મુંબઈથી ગયા હતા. દરમ્યાન મંગળવારે સવારે ગંગોત્રી દર્શન કરીને પાછા આવવા નીકળતાં ધરાલી ગામની દુર્ઘટના થતાં તેઓ ગંગોત્રી નજીક હનુમાન આશ્રમમાં રોકાઈ ગયા હતા. પાછા આવવા માટે રસ્તો ન હોવાને કારણે ગઈ કાલે સાંજે ૫૬ કલાક બાદ ૧૦ લોકોને આર્મીએ હેલિકૉપ્ટર દ્વારા રેસ્ક્યુ કર્યા હતા. બાકીના લોકોને બહાર લાવવા માટે આજે રેસ્ક્યુ ઑપરેશન કરવામાં આવશે.

મુલુંડથી ચારધામની યાત્રા માટે ગયેલા બધા જ પ્રવાસીઓ સુર​ક્ષિત છે અને તેમને યોગ્ય ભોજન સાથે જરૂરિયાત મુજબની વ્યવસ્થા મળી રહી છે એમ જણાવતાં મુલુંડથી ટૂર કો-ઑર્ડિનેટ કરતા પંકજ દોશીએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડના દેવીદયાલ ગાર્ડનમાં રોજ મૉર્નિંગ અને ઈવનિંગ વૉક માટે આવતા લોકોનું અમારું એક ગ્રુપ છે જેમાં દર વર્ષે નાની અને મોટી ટૂર આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે અમે ચારધામ યાત્રાની ટૂર કરવાનું નક્કી કરીને ટૂરની તમામ જવાબદારી ઉપરાંત ત્યાંની તમામ ગોઠવણ આશરે ૩૩ વખત ચારધામની યાત્રા કરી આવેલા કચ્છના ટૂર-ઑપરેટર ભૌમિક ગોરને આપી હતી. ટૂરના પહેલા દિવસે હરિદ્વાર અને બીજા દિવસે યમનોત્રી કર્યા બાદ ટૂરમાં ગયેલા ૬૨ લોકો મનોરીમાં ગંગાદર્શન હોટેલમાં રોકાયા હતા. મંગળવારે વહેલી સવારે ગંગોત્રીનાં દર્શન માટે તમામ લોકો પહોંચ્યા હતા જ્યાં બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી તમામ લોકો દર્શન કર્યા બાદ ભોજન માટેની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે ધરાલી ગામમાં થયેલી ઘટનાની જાણકારી મળતાં ટૂરમાં ગયેલા બધા લોકો ગંગોત્રી નજીક હનુમાન આશ્રમમાં રોકાઈ ગયા હતા. એ સમયે ત્યાં નેટવર્કનો ઇશ્યુ હોવાથી કોઈનો સંપર્ક થઈ શક્યો નહોતો એટલે ટૂરમાં ગયેલા તમામ લોકોના પરિવારો ખૂબ જ ગભરાઈ ગયા હતા.’

આશરે ૨૪ કલાક બાદ આર્મીના સૅટેલાઇટ ફોનથી તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળ્યા બાદ જીવમાં જીવ આવ્યો હતો એમ જણાવતાં પંકજ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સવારે ટૂર-ઑપરેટર ભૌમિકે તેની પત્ની વૈશાલીને સૅટેલાઇટ ફોનથી મેસેજ કરીને તમામ લોકો સુર​િક્ષત હોવાની માહિતી આપી હતી. તેમની સાથે રસોઈ બનાવવા માટે મહારાજ સહિતની તમામ સુવિધા હોવાથી બધાની ખાવા-પીવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. દરમ્યાન, ગઈ કાલે ૫૬ કલાક બાદ ૬૨માંથી ૧૦ લોકોને હેલિકૉપ્ટરમાં સુખરૂપ રેસ્ક્યુ કરીને ઉત્તરકાશી મેડિકલ કૅમ્પમાં મેડિકલ ચેક-અપ કર્યા બાદ પાછા હોટેલ પર મોકલવામાં આવ્યા હતા. રાતના સમયે હેલિકૉપ્ટર ત્યાં ચાલતું ન હોવાથી બાકીના લોકોને આજે સવારે રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવશે.’

કંચનબહેન ગોહિલે સુખરૂપ હોવાનો મેસેજ વિડિયો-કૉલમાં આપ્યો

ગઈ કાલે સાંજે રેસ્ક્યુ થયા બાદ કંચનબહેન ગોહિલે સુખરૂપ હોવાનો મેસેજ વિડિયો-કૉલ દ્વારા આપીને કહ્યું હતું કે ‘ઉત્તરાખંડ તેમ જ ગંગોત્રીના લોકલ નાગરિકોએ ખૂબ જ મદદ કરીને સપોર્ટ કર્યા હતો. આ સાથે મિલિટરીના જવાનોએ પણ ખૂબ સારી રીતે રાખ્યા હતા.’

uttarakhand mulund news mumbai mumbai news national news char dham yatra monsoon news Weather Update