પાંચમી જુલાઈએ દેખાશે કે મરાઠીની તાકાત શું છે : આદિત્ય ઠાકરે

01 July, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દીવિરોધી મુદ્દાની હવા નીકળી ગઈ હોવા છતાં વિધાનસભાના મૉન્સૂન સત્રના પહેલા દિવસે વિરોધ પક્ષો આક્રમક

ગઈ કાલે વિધાનભવનની બહાર ‘મી મરાઠી’ લખેલાં ટોપી અને પ્લૅકાર્ડ લઈને આવેલા આદિત્ય ઠાકરે સહિતના વિરોધ પક્ષના નેતાઓએ હાથમાં મંજીરાં લઈને પંઢરપુરના વારકરીઓનો વેશ ધારણ કર્યો હતો. તસવીર : સૈયદ સમીર અબેદી

વિધાનસભાના ગઈ કાલથી શરૂ થયેલા મૉન્સૂન સત્રના પહેલા જ દિવસે વિરોધ પક્ષ આક્રમક થયેલો જોવા મળ્યો હતો. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને અન્ય પાર્ટીના વિધાનસભ્યોએ વિધાનસભાના ગેટ પર જ આંદોલન કર્યું હતું. ઑલરેડી હિન્દીના મુદ્દે બૅકફુટ પર ગયેલી સરકારને આ વખતે ભીડવવા વિરોધ પક્ષ એનું પૂરેપૂરું જોર લગાડે એવી શક્યતા છે.

આદિત્ય ઠાકરે અને તેમના પક્ષના વિધાનસભ્યો ગઈ કાલે ‘મી મરાઠી’ લખેલી ટોપી પહેરીને અને પ્લૅકાર્ડ લઈને આવ્યા હતા. તેમણે ગેટ પર જ હિન્દીની સખતી કરવા બદલ રાજ્ય સરકાર સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આદિત્ય ઠાકરેએ આ વખતે કહ્યું હતું કે ‘આખા મહારાષ્ટ્રએ જોયું કે બે ભાઈઓ (ઠાકરે બંધુઓ) સાથે ન આવે એ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) હોય કે પછી અન્ય જૂથ હોય, કેટલા પ્રયાસો કરી રહ્યું છે. મરાઠીની જે આ એકતા છે એ પાંચ જુલાઈએ દેખાશે કે મરાઠીની તાકાત શું છે, મહારાષ્ટ્રની શક્તિ શું છે. વિજયી મેળાવડામાં બધા જ છે, MNS પણ અમારી સાથે છે. મહારાષ્ટ્રની શક્તિ દિલ્હીને દેખાવી જોઈએ.’

એકતા આપણે કાયમ રાખવી પડશે : ઉદ્ધવ ઠાકરે

મરાઠી માણૂસ હવે એકસાથે આવી જ રહ્યો છે. જો તેમણે GR રદ ન કર્યો હોત તો પાંચમી જુલાઈના મોરચામાં BJPના, અજિત પવાર જૂથના અનેક મરાઠીપ્રેમી જોડાવાના હતા. હવે તેઓ પાંચમી જુલાઈના વિજય મેળાવડામાં જોડાશે. હું તેમને ધન્યવાદ આપીશ કે માતૃભાષાનો પ્રેમ એ પક્ષથી પર હોવો જોઈએ. આ નિમિત્તે મારે બધાને કહેવું છે કે આપણે થોડા વિખરાયેલા છીએ એવું લાગવાથી મરાઠીદ્રોહી ફરી માથું ઊંચકી રહ્યા હતા અને એ માથું ગઈ કાલે આપણે દબાવી દીધું છે. જો ફરી તેઓ ફેણ ન ઊંચકે એવું જોઈતું હોય તો ફરી પાછું સંકટ આવે એની રાહ ન જોતાં આ એકતા આપણે કાયમ રાખવી પડશે. આ એકતાનાં દર્શન અમે આવનારી પાંચમી જુલાઈએ બતાવ્યા સિવાય નહીં રહીએ.

વિજય મેળાવડાને રાજકારણથી ઉપર ઊઠીને જોવો જોઈએ : રાજ ઠાકરે

જનમતનો, અસંતોષનો હિન્દી બાબતનો GR રદ કરવા સરકારને મજબૂર કરી એ માટે મહારાષ્ટ્રની જનતાનો આભાર. બધી તરફથી અવાજ ઊઠ્યો અને એનું પરિણામ આવ્યું. ઘણા બધા સાહિત્યકારો અને કેટલાક કલાકારોએ પણ આ મુદ્દે સાથ આપ્યો એ સૌનો આભાર, સાથે જ પ્રેસ-મીડિયા અને ન્યુઝ-ચૅનલોએ પણ આ મુદ્દાને સતત રજૂ કરતાં એની અસર પણ જોવા મળી એથી ​મીડિયાનો પણ આભાર. ખરેખર તો આ હિન્દી બાબતના મુદ્દાની જરૂર જ નહોતી. આ મુદ્દો ક્રેડિટ લેવાનો નથી. MNS તરફથી સરકારના આ આદેશ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એ માટે ત્રણ પત્ર પણ લખ્યા હતા. હવે સરકારે GR રદ કર્યો છે. સરકાર ફરી આ પળોજણમાં નહીં પડે એવી આશા છે. સરકારની વિરુદ્ધમાં બધા એક થયા છે, એનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મરાઠી માટે બધા એક થયા હતા. પાંચમી જુલાઈએ જે વિજયી મેળાવડો ભરાશે એને પણ રાજકારણથી ઉપર ઊઠીને જોવો જોઈએ.

aaditya thackeray uddhav thackeray raj thackeray shiv sena maharashtra navnirman sena political news nationalist congress party maharashtra news maharashtra news mumbai mumbai news