APMCની માર્કેટો ફરી શિફ્ટ થવાની ચર્ચા, પણ વેપારીઓ એ માટે તૈયાર નથી

12 July, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્કેટ શિફ્ટ કરવા બાબતે વેપારીઓ કે સંસ્થા સાથે કોઈ વાતચીત થઈ નથી. અમને ​વિ‍શ્વાસમાં લીધા વિના એ શક્ય નથી. બીજું, ૪૦ વર્ષ પહેલાં અમે મસ્જિદથી અહીં શિફ્ટ થયા હતા

વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)

મસ્જિદમાં આવેલી હોલસેલ માર્કેટોને ૧૯૮૦-’૯૦માં નવી મુંબઈના વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં શિફ્ટ કરવામાં આવી હતી. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સરકાર એ માર્કેટ શિફ્ટ કરવાની છે. જોકે આ બાબતે APMCના દાણાબજારના ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA-ગ્રોમા)ના પદાધિકારીઓએ કહ્યું હતું કે ‘માર્કેટ શિફ્ટ કરવાની કોઈ જ સત્તાવાર જાહેરાત કે પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી નથી. અમને વિશ્વાસમાં લીધા વિના એ થઈ જ ન શકે. તમે નવું બિઝનેસ હબ બનાવો એની ના ન હોઈ શકે, પણ અમે અહીંથી હવે શિફ્ટ થવા નથી માગતા.’

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન માર્કેટ શિફ્ટ કરવાનું વિચારી રહ્યું છે અને એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)નાં ૧૪ ગામડાંના વિસ્તારને આ માટે આવરી લઈને ત્યાં APMC નવેસરથી ડેવલપ કરવાનો પ્લાન હોવાનું કહેવાઈ રહ્યું છે. આ માટે સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન સિડકો (CIDCO-સિડકો) અને APMCને કહેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

APMCના ગ્રોમાના પ્રેસિડન્ટ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્કેટ શિફ્ટ કરવા બાબતે વેપારીઓ કે સંસ્થા સાથે કોઈ વાતચીત થઈ નથી. અમને ​વિ‍શ્વાસમાં લીધા વિના એ શક્ય નથી. બીજું, ૪૦ વર્ષ પહેલાં અમે મસ્જિદથી અહીં શિફ્ટ થયા હતા. હવે અહીં સેટલ થયા છીએ. જો માર્કેટ અહીં જ રીડેવલપ કરવાના હોય તો કોઈ જ વિરોધ નથી, પણ અહીંથી વેપારીઓ શિફ્ટ થવા માગતા નથી.’

APMCના દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ જે ચર્ચા ચાલી રહી છે કે APMC માર્કેટ ​શિફ્ટ થવાની છે એનાથી વેપારીઓમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. APMCની બુધવારે બોર્ડ-મીટિંગ હતી. એમાં આ બાબતે પણ ચર્ચા થઈ હતી. એમાં કહેવામાં આવ્યું કે બજાર શિફ્ટ કરવાનો કોઈ જ પ્રસ્તાવ નથી અને વિચારણા પણ નથી. નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર એક બિઝનેસ હબ ડેવલપ કરવા માગે છે. એના માટે શું-શું જરૂરિયાતો છે અને શું-શું હોવી જોઈએ એની માહિતી તેમણે મગાવી છે. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ જે ત્રીજી મુંબઈ પ્લાન કરી રહી છે ત્યાં ૭૦૦થી ૧૦૦૦ એકરમાં બિઝનેસ હબ બનાવવાનો પ્લાન કરી રહી છે. એ હજી પણ કન્સેપ્ચ્યુઅલ સ્ટેજમાં જ છે. ત્યાં ન્યુ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડિફરન્ટ કૉમોડિટીઝ, ઍગ્રિકલ્ચરલ કૉમો​ડિટીઝ માટે માર્કેટ વિકસાવવામાં આવશે. ત્યાં એક્સપોર્ટ, એ માટેનું પૅકિંગ બધું જ હશે. એથી તેઓ આઇડિયા લેવા માગે છે કે હાલ અમારે ત્યાં શું ચાલે છે અને આ બધું ડેવલપ કરવું હોય તો અમારી શું રિક્વાયરમેન્ટ હશે. હજી પણ એ કન્સેપ્ટ ડેવલપ કરવાના સ્ટેજ પર છે. અમને કેટલી જગ્યા જોઈએ? કઈ રીતે બનાવવું જોઈએ? એની રચના કઈ રીતે હોવી જોઈએ? એ વિશેની માહિતી ભેગી કરવામાં આવી રહી છે, એ પણ અપર લેવલ પર. રાજ્યના વેપારપ્રધાન જયકુમાર રાવલે પણ કહ્યું છે કે બજારને શિફ્ટ કરવાનો કોઈ પ્રસ્તાવ પણ નથી અને એવો કોઈ વિચાર પણ નથી. જોકે કોઈ પણ વેપારી શિફ્ટિંગના મૂડમાં નથી. નવું વેપારી હબ બને એની સામે અમારો વિરોધ નથી. નવી ડિમાન્ડ ઊભી થાય, નવો વેપાર થાય એ બાબતે ના ન હોઈ શકે; પણ અમને અહીંથી શિફ્ટ કરવાનો વિચાર કરતા નહીં, અમે અહીંથી શિફ્ટ થવાના નથી. APMCમાં દાણાબજાર, મસાલાબજાર, કાંદા-બટાટાબજાર, શાકભાજી માર્કેટ અને ફ્રૂટ માર્કેટ એમ પાંચ માર્કેટ છે. બધા મળીને અંદાજે ૫૦૦૦ જેટલા વેપારીઓ છીએ. અમારી સાથે સંકળાયેલા ૫૦૦થી ૬૦૦ એક્સપોર્ટર્સ છે. આ ઉપરાંત ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ માથાડી કામગારો છે. આટલા બધા લોકો અને તેમના પરિવારો સાથે બિઝનેસનું સ્થળાંતર ન થઈ શકે. બધાનું જનજીવન અહીં સ્થાયી થયું છે. લોકો વર્ષોથી અહીં રહે છે, સ્કૂલોમાં તેમનાં બાળકો ભણે છે. એમ બધું જ એસ્ટૅબ્લિશ થયું છે એ બધું​ ચેન્જ ન થઈ શકે. સરકાર પાસેથી આ માટે કોઈ પ્રસ્તાવ અમને આવ્યો નથી અને કોઈ અનૌપચારિક ચર્ચા પણ થઈ નથી.’  

navi mumbai vashi business news world trade centre news mumbai mumbai news maharashtra maharashtra news