25 November, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના મુુંબઈના એક નેતાએ પોતાના બૉસ અજિત પવારનાં ગુણગાન ગાતાં આવાં હોર્ડિંગ્સ નરીમાન પૉઇન્ટમાં ઠેરઠેર લગાડ્યાં હતાં. (તસવીર: શાદાબ ખાન)
અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે ગઈ કાલે કહ્યું હતું કે બારામતીમાં અજિત પવારની સામે યુગેન્દ્ર પવારને ચૂંટણી લડાવવા બદલ સુપ્રિયા સુળેએ માફી માગવી જોઈએ. પત્રકારો સાથે વાત કરતી વખતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા અમોલ મિટકરીએ કહ્યું હતું કે જે રીતે અજિતદાદાએ લોકસભામાં વહિણી (સુનેત્રા પવાર)ને ચૂંટણી લડાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો એ જ રીતે હવે સુપ્રિયા સુળેએ યુગેન્દ્રને લડાવવા બદલ માફી માગવી જોઈએ.
ત્યાર બાદ તેમણે રોહિત પવારની જીત વિશે કહ્યું હતું કે ‘૨૦૧૯માં રોહિત કર્જત-જામખેડ બેઠક પરથી આસાનીથી જીતી ગયો હતો. જોકે આ વખતે તેની તુમાખી લોકોને પસંદ નહોતી પડી, પણ બારામતી ઍગ્રો કંપનીના પૈસાની સામે રામ શિંદેએ હારનો સામનો કરવો પડ્યો.’
રોહિત પવાર ફક્ત ૧૨૪૩ મતથી જ જીત્યા હતા. વિધાનસભાની ચૂંટણીના પરિણામથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ જયંત પાટીલ એ હદે નારાજ થઈ ગયા હતા કે તેઓ પોતાની જીતનું સર્ટિફિકેટ લેવા પણ નહોતા ગયા.