14 July, 2025 11:02 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને પુણેના પાલક પ્રધાન અજિત પવાર ગઈ કાલે સવારે ૬ વાગ્યે હિંજવડી પહોંચી ગયા હતા અને રસ્તા પર ઊતરીને અને લોકોની સમસ્યાઓ જાણીને એનો ઉકેલ લાવવાના પ્રયાસ કર્યા હતા.
પુણેનો હિંજવડી વિસ્તાર આઇટી પાર્ક તરીકે ડેવલપ થઈ ગયો છે. અનેક આઇટી કંપનીઓની ઑફિસો અહીં આવેલી છે અને એ કંપનીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓની અહીં રોજની અવરજવર રહે છે એટલે ટ્રાફિક જૅમ સમસ્યા છે. બીજું, હાલ પરિસ્થિતિ એવી છે કે જો અહીં ફક્ત ૧૦ મિનિટ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. આ સીઝનમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયાં હતાં અને પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ (PMPMl)ની બસ ભરાયેલા પાણીમાં પસાર થતી હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. અજિત પવારે રોડની બન્ને સાઇડ થયેલાં અતિક્રમણો જોયાં હતાં. એ પછી તેમણે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રોડ ડિપાર્ટમેન્ટ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપતાં કહ્યું હતું કે સરકારી રસ્તો રોકનારા લોકો પર સરકારી કામમાં રુકાવટ લાવવા બદલ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે અને જો રોડ-વાઇડનિંગમાં અધિકૃત લોકોની જગ્યા કપાતી હોય તો તેમને વળતર આપવામાં આવે.
નાળું કવર થઈ ગયું, હવે અજિત પવાર શું કરશે?
પાણી ભરાવાની સમસ્યા બદલ માહિતી આપતાં સ્થાનિક લોકોએ અજિત પવારને કહ્યું હતું કે ‘વરસાદનું પાણી જેમાં વહી જતું હતું એ નાળું બે મોટા પ્રોજેક્ટ બન્યા એમાં કંપનીએ પૂરીને જગ્યા કવર કરી નાખી છે એટલે હવે વરસાદનું પાણી વહી જવાની જગ્યા જ નથી રહી એટલે એ રોડ પર પાણી ભરાઈ જાય છે. એને કારણે લોકોને અને વાહનચાલકોને હાડમારીનો સામનો કરવો પડે છે.’
અજિત પવાર એ રસ્તા પર ચાલતા ગયા હતા અને એ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેઓ એ સમસ્યા પર શું ઉકેલ લાવે છે એના પર લોકોની નજર મંડાઈ છે.