09 May, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અંધેરી-વેસ્ટના ન્યુ લિન્ક રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૫૪ વર્ષનાં ગુજરાતી ટ્યુશન ટીચરે શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એકના ડબલ કરવા જતાં સાઇબર છેતરપિંડીમાં ૪૯,૨૬,૫૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ વેસ્ટ રીજન સાઇબર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. વૉટ્સઍપ પર વિવિધ શૅર વિશેની માહિતી આપ્યા બાદ ટૂંક સમયમાં મોટા પ્રૉફિટની લાલચ આપીને એપ્રિલ મહિનાના અંતથી મે મહિનાની શરૂઆત સુધી વિવિધ અકાઉન્ટમાં સાઇબર ગઠિયાએ પૈસા સ્વીકાર્યા હોવાનો હેલ્પલાઇન દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સાઇબર છેતરપિંડીની મહિલાને ખાતરી થતાં તેણે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો જેમાં તેના ૬.૨૫ લાખ રૂપિયા ફ્રીઝ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે.
વેસ્ટ રીજન સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તારામ ચવાણે ઘટનાક્રમ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા મહિનાના અંતમાં શિક્ષક મહિલાને અજાણ્યા નંબરથી એક મહિલાએ ફોન કરીને પોતાની ઓળખ આશિકા સ્ટૉક બ્રોકિંગ કંપનીના અધિકારી જિશા ગાંગવાળી તરીકે આપી હતી અને ટૂંક સમયમાં શૅરમાર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરીને મોટો પ્રૉફિટ થતો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ મહિલાને આશિકા સ્ટૉક બ્રોકિંગ H515 નામના વૉટ્સઍપ ગ્રુપમાં પણ ઍડ કરવામાં આવી હતી, જેમાં રોજ શૅરમાર્કેટસંબંધી માહિતીઓ પોસ્ટ કરવામાં આવતી હતી. સાથે જ અમુક મેમ્બરોને મોટો પ્રૉફિટ થયો હોવાનો સ્ક્રીનશૉટ પણ શૅર કરવામાં આવતો હતો. એ જોઈને ફરિયાદી મહિલા લલચાઈ અને તે પણ ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર થઈ હતી. ત્યાર બાદ ૨૫ એપ્રિલથી ૫ મે સુધી મહિલાએ વિવિધ અકાઉન્ટમાં ધીરે-ધીરે કરીને ૪૯,૨૬,૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જેની સામે તેને એક કરોડ રૂપિયાથી વધારેનો પ્રૉફિટ થયો હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ મહિલા પોતાની મૂળ રકમ સાથે પ્રૉફિટના પૈસા મેળવવા જતાં તેને સાઇબર છેતરપિંડીની માહિતી મળી હતી. અંતે તેણે સાઇબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવતાં અમે તેના ૬.૨૫ લાખ રૂપિયા બચાવી લીધા હતા.’