07 July, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજાના માનકરી એવા ઉગલે દંપતી સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પત્ની અમૃતા સાથે.
દર વર્ષે દેવપોઢી, અષાઢી એકાદશીએ પંઢરપુરમાં શાસકીય પૂજા મુખ્ય પ્રધાન દ્વારા કરાય છે. જોકે પૂજા મુખ્યત્વે સર્વસામાન્ય જનતામાંથી કોઈ એક દંપતીની પસંદગી કરીને તેમના હસ્તે કરવામાં આવતી હોય છે જેને પૂજાનું માન પણ કહેવાય છે. જે આ વર્ષે નાશિકના નાંદગાવના ખેડૂત-દંપતી કૈલાસ ઉગલે અને તેમનાં પત્ની કલ્પના ઉગલેને મળ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમનાં પત્ની અમૃતા ફડણવીસે પણ સાથે પૂજા કરી હતી.
પૂજા વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિઠ્ઠલને પ્રાર્થના કરતી વખતે મહારાષ્ટ્રના કલ્યાણ માટે સંકલ્પ કર્યો હતો. મહારાષ્ટ્રની કાળજી લેવા શક્તિ આપો, સન્માર્ગે ચાલવા સદ્બુદ્ધિ આપો અને ખેડૂતો આનંદમાં રહે એવી માગણી વિઠ્ઠલને કરી હતી.
અંદાજે ૧૮ લાખ લોકો પંઢરપુરમાં વિટ્ઠલનાં દર્શન માટે આવ્યા હતા અને શાસકીય પૂજા બાદ તેમણે બધાએ દર્શન કર્યાં હતાં. આટલી મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઊતરી આવ્યા હોવા છતાં શિસ્તબદ્ધ રીતે, કોઈ પણ હોબાળો કે અંધાધૂંધી સર્જાયા વગર ચંદ્રાભાગા નદીમાં પવિત્ર સ્નાન કરીને તેમણે વિઠ્ઠલનાં દર્શન કર્યાં હતાં.
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે તેમના મહારાષ્ટ્ર ધર્મ પૉડકાસ્ટ લૉન્ચ કરીને એના પહેલા એપિસોડમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રએ ફક્ત શૂરવીર યોદ્ધા જ પેદા કર્યા છે એવું નથી; એણે ધર્મનું રક્ષણ કરે, દેશના વિઝનરી અને આધુનિક ભારતના ઘડવૈયા એવા સંતો પણ આપ્યા છે. આપણે ભલે જ્ઞાનેશ્વર, શિવાજી મહારાજ, સાવિત્રીબાઈ ફુલે કે પછી ડૉ. બાબાસાહેબ આંબેડકરના સીધા વારસદાર ન હોઈએ, પણ આપણે તેમના વિચારો અને પરંપરાને આગળ ધપાવી શકીએ. તેમણે તેમના જ્ઞાન, ત્યાગ અને હિંમતથી રાજ્યનું ઘડતર કર્યું છે. તેમના આદર્શો, વિચારોને સાચવવા, એના પર ચાલવું અને એને આગળ લઈ જવાં એ આપણી ફરજ છે.’
વડાલામાં અષાઢી એકાદશીનો મહાઉત્સવ
ગઈ કાલે વડાલાના પ્રતિ પંઢરપુર મંદિરમાં અષાઢી એકાદશીની પદયાત્રા યોજાઈ હતી જેમાં એક મહિલાએ ભગવાન વિઠોબા અને દેવી રુક્મિણીની મૂર્તિ માથે લીધી હતી. તો પુંડલિક ભગવાનનું સ્ટૅચ્યુ પાલખીમાં લઈને યાત્રા નીકળી ત્યારે કેટલાંક બાળકોએ ઋષિનો વેશ ધારણ કર્યો હતો.