14 July, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પગારદાર કર્મચારીઓને માટે મોટી રાહત આપીને સરકારે એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ (EPF)ના ઉપાડના નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી પહેલી વાર ઘર ખરીદનારાઓ માટે પૈસા મેળવવાનું નોંધપાત્ર રીતે સરળ બન્યું છે. સભ્યો હવે પહેલા ઘરની ખરીદી, બાંધકામ અથવા EMI ચુકવણી માટે તેમના PF ભંડોળની ૯૦ ટકા સુધીની રકમ ઉપાડી શકશે. PF ખાતું ખોલવાની તારીખથી પાત્રતાનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને માત્ર ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે.
અગાઉ હાઉસિંગ માટે PFનો ઉપાડ કરવામાં આવે ત્યારે કર્મચારીની નોકરી પાંચ વર્ષની હોવી જરૂરી હતી. વળી રકમ ઉપાડવા માટે પણ મર્યાદા હતી, ૩૬ મહિનાના કર્મચારી અને નોકરીદાતાના સંયુક્ત યોગદાન વત્તા વ્યાજ જેટલી રકમ અગાઉ ઉપાડી શકાતી હતી. નવા નિયમો હવે સબસ્ક્રાઇબર્સને વધુ સુગમતા આપે છે, પરંતુ આ હાઉસિંગ માટે રકમ જીવનમાં એક વાર ઉપાડી શકાય છે.
EPFના ઉપાડમાં વધારાના મોટા ફેરફારો
એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા PFના ઉપાડને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.
UPI અને ATM દ્વારા તાત્કાલિક ઉપાડ : જૂન ૨૦૨૫થી સભ્યો કટોકટીની જરૂરિયાતો માટે તાત્કાલિક એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે.
ઑટો સેટલમેન્ટ મર્યાદા વધારી : ઑટોમેટિક દાવાની પતાવટ-મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી.
દાવાની સરળ પ્રક્રિયા : ચકાસણી માટેનાં પરિમાણોની સંખ્યા ૨૭થી ઘટાડીને ૧૮ કરવામાં આવી, ૯૫ ટકા દાવાઓનું હવે ત્રણથી ૪ દિવસમાં સમાધાન થાય છે.
જીવનજરૂરિયાતો માટે સરળ ઉપાડ : શિક્ષણ, લગ્ન અને તબીબી સંબંધિત ઉપાડ માટેની પ્રક્રિયાઓ પણ સરળ બનાવવામાં આવી છે, જેનાથી કર્મચારીઓ માટે નાણાકીય પ્રવાહિતામાં વધારો થયો છે.