24 November, 2026 08:18 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
અત્યાર સુધી સૌથી સુરક્ષિત અને શુદ્ધ પાણી ગણાતું પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. બિસલેરીના પાણીમાં બ્રોમેટ અને પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs) જેવાં કેમિકલ્સ મળી આવ્યાં એવા રિપોર્ટ બાદ બિસલેરીએ પોતાનું પાણી સેફ છે એવો ખુલાસો કર્યા પછી પણ એ વાત જાણી લેવા જેવી છે કે હાઇજીનિક અને શુદ્ધ મનાતા પૅકેજ્ડ વૉટરમાં અમુક પ્રકારનાં કેમિકલ્સ ભળે ત્યારે એ કેવી રીતે અને શું નુકસાન કરી શકે છે.
આપણે ત્યાં જે પકડાય એ ચોર એવો ઘાટ ચાલે છે અને એટલે જ માત્ર બિસલેરીના એક સૅમ્પલમાં મળેલી ખામીઓ ચર્ચામાં છે, પરંતુ હકીકતમાં એકથી વધુ બ્રૅન્ડના પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરમાં આવાં કેમિકલ હોઈ શકે છે. ભૂતકાળમાં પણ એવા સર્વે થયા છે જેમાં પૅકેજ્ડ વૉટર કેટલું અનસેફ હોઈ શકે એના સત્તાવાહી આંકડાઓ સંસદમાં રજૂ થયા છે. હોટેલમાં, રેલવે-સ્ટેશનો પરથી લઈને ગલીની નાની-નાની દુકાનમાં કહેવાતું મિનરલ વૉટર અને પૅકેજ્ડ વૉટર મળી જાય છે. સીલબંધ પાણીની બાટલીને એ સૌથી સેફ છે એમ માનીને આપણે નિશ્ચિંત થઈને એ પાણી પી જઈએ છીએ, પરંતુ આ પાણી ખરેખર આપણે ધારીએ છીએ એટલું જ સુરક્ષિત છે? ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરની બ્રૅન્ડ બિસલેરી ઇન્ટરનૅશનલ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની મંજૂરી આપવાના સમાચાર અને બિસલેરીના ખુલાસાથી આ વિવાદ ચર્ચામાં છે ત્યારે આખા વિષયને વિગતવાર સમજીએ.
પ્રૉબ્લેમ ક્યાં આવ્યો?
સૌથી પહેલાં તો એ સમજી લો કે આ વિવાદ હમણાંના કોઈ નવા સૅમ્પલનો નહીં પણ લગભગ ૧૪ મહિના જૂની તપાસ અને બે અલગ-અલગ લૅબોરેટરીનાં વિરોધાભાસી પરિણામોનું પરિણામ છે. ૨૦૨૫ની ૩૦ સપ્ટેમ્બરે FSSAI દ્વારા બિસલેરીના દેશભરમાં ફેલાયેલા ૧૪૩ પ્લાન્ટ્સમાંથી ગોવામાં આવેલા પ્લાન્ટમાંથી પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરનાં કુલ ૬ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. પહેલી તપાસમાં પાંચ સૅમ્પલ તમામ ધોરણો પર ખરાં ઊતર્યાં હતાં, પરંતુ છઠ્ઠા સૅમ્પલમાં બ્રોમેટ નામના કેમિકલનું પ્રમાણ ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ લીટરની નિર્ધારિત મર્યાદા સામે ૧૨ માઇક્રોગ્રામ નોંધાયું હતું. બિસલેરીએ આ રિપોર્ટ સામે સત્તાવાર અપીલ કરી, જેના પગલે સૅમ્પલને રેફરલ ફૂડ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યું. રેફરલ લૅબની તપાસમાં બ્રોમેટનું સ્તર મર્યાદાની અંદર જણાયું એટલે કે પ્રથમ લૅબનો બ્રોમેટ વિશેનો રિપોર્ટ ખોટો ઠર્યો, પરંતુ રેફરલ લૅબમાં અલગથી પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી જણાતાં સૅમ્પલને અસુરક્ષિત જાહેર કરાયું. બન્ને સરકારી લૅબનાં પરિણામોમાં વિરોધાભાસ જણાતાં બિસલેરીએ FSSAI માન્ય અન્ય એક સ્વતંત્ર લૅબોરેટરીમાં તપાસ કરાવી, જેમાં પાણી સુરક્ષિત અને બ્રોમેટ મર્યાદામાં જણાયું. કંપનીના દાવા મુજબ એણે ફેબ્રુઆરી, ૨૦૨૬માં આ રિપોર્ટ FSSAIને આપ્યો છે. બીજી વાત, આ ઘટનાક્રમ ગોવા પ્લાન્ટના એક ચોક્કસ સૅમ્પલ પૂરતો સીમિત છે. બજારમાં ઉપલબ્ધ બિસલેરીની તમામ બૉટલો દૂષિત છે એવું સાબિત થયું નથી. જોકે ટેસ્ટિંગનાં આવાં રિઝલ્ટ પહેલી વાર નથી આવ્યાં. બિસલેરીનો કિસ્સો ભારતના સમગ્ર પૅકેજ્ડ વૉટરઉદ્યોગમાં ગુણવત્તા-નિયંત્રણના મોટા પ્રશ્નને ફરી ચર્ચામાં લાવ્યો, કારણ કે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં સંસદમાં ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪નાં પરીક્ષણના આંકડાઓ રજૂ કરાયા હતા, જે મુજબ અનુક્રમે પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરનાં ૧૭૭૬ સૅમ્પલમાંથી ૬૫૦ સૅમ્પલ (૩૬.૬%) અને પછીના વર્ષે ૧૩૦૦ સૅમ્પલમાંથી ૩૩૩ સૅમ્પલ (૨૫.૬%) નિર્ધારિત ધોરણોમાં નિષ્ફળ ગયાં હતાં. બીજી તરફ ઑક્ટોબર ૨૦૨૪માં કેન્દ્ર સરકારે ‘ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ હેઠળ પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર માટે ફરજિયાત BIS (ISI માર્ક) સર્ટિફિકેશનની જોગવાઈ હટાવી હતી. જોકે ગુણવત્તા જળવાઈ રહે એ માટે FSSAIએ ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી નવી ‘ટેસ્ટિંગ સ્કીમ’ લાગુ કરી છે, જેમાં પૅકેજિંગ ગાઇડલાઇન કમ્પલ્સરી છે.
આ કેમિકલ પાણીમાં ભળે કેવી રીતે?
બિસલેરીમાં મળી આવેલાં બે કેમિકલ્સ ઉપરથી ભેળવવામાં આવ્યાં હતાં? તો જવાબ છે ના. મુંબઈ મહાનગરપાલિકાના પાણીના સૅમ્પલનું રોજ વિશ્ળેષણ કરતા અને પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરનું ટેસ્ટિંગ કરવાની ઑથોરાઇઝ્ડ મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરીના ઍડ્મિનિસ્ટ્રેટિવ હેડ અને રિસર્ચર ડૉ. સંતોષ જઠાર કહે છે, ‘કોઈ પણ પૅકેજ્ડ વૉટર પર કંપનીઓ નદી, તળાવ, કૂવા, બોરવેલ જેવા સોર્સમાંથી પાણી લઈને એ પાણીને જીવાણુમુક્ત કરવા માટે પ્રોસેસ કરે છે. એ પ્રોસેસને ઓઝોનેશન કહેવાય છે. આ પ્રોસેસમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં કેટલાંક કેમિકલ જનરેટ થાય છે, જેમ કે ભૂગર્ભજળમાં કુદરતી રીતે બ્રોમાઇડ ક્ષાર હોય છે, જ્યારે એમાં ઓઝોન ગૅસ પસાર કરવામાં આવે છે ત્યારે ઓઝોન અને બ્રોમાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને બ્રોમેટ બને છે. ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર (IARC)એ બ્રોમેટને ‘Group 2B’ એટલે કે સંભવિત કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કર્યું છે. કિડની અને થાઇરૉઇડમાં ગાંઠ, DNAને નુકસાન વગેરે પરિણામ બ્રોમેટના અતિસેવનને કારણે આવી શકે છે. એવી જ રીતે કોલસો, પેટ્રોલિયમ કે લાકડાંના અપૂર્ણ દહનનો કચરો, ઔદ્યોગિક પ્રદૂષણ, દૂષિત ભૂગર્ભજળ અને પૅકેજિંગ મટીરિયલના સંપર્કમાં આવવાથી PAHs પાણીમાં ભળી શકે છે, જેને Group 1 કૅટેગરીમાં મુકાયું છે એટલે એ નિશ્ચિતરૂપે કૅન્સર પેદા કરનારું તત્ત્વ છે. શરીરમાં ગયા બાદ આ કેમિકલ એવાં સંયોજનોમાં રૂપાંતરિત થાય છે જે સીધા DNA સાથે પ્રક્રિયા કરીને જનીન-પરિવર્તન લાવે છે અને કૅન્સરનું જોખમ વધારે છે. આ ઉપરાંત એ રોગપ્રતિકારક શક્તિ, પ્રજનનક્ષમતા અને ગર્ભના વિકાસ પર પણ માઠી અસર કરી શકે છે. આમાં જ હું ઉમેરીશ કે માઇક્રોપ્લાસ્ટિકનો ભય તો અકબંધ જ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલ વધુ પ્રમાણમાં હલે, એના પર તડકો પડે ત્યારે પ્લાસ્ટિકનું કેમિકલ ફૉર્મ્યુલેશન તૂટીને એના મોલેક્યુલ પાણીમાં ભળે છે. લાંબા ગાળે આ પ્લાસ્ટિકમાં પીવાયેલું પાણી પણ કિડનીની અને લિવરની બીમારીઓ લાવી શકે છે.’
મિનરલ વૉટર અને પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર જુદાં છે?
આપણે જે વીસ રૂપિયાની પાણીની બૉટલ ખરીદીએ છીએ એ મિનરલ વોટર નથી, પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર છે. આ ભેદ સમજાવતાં ડૉ. સંતોષ કહે છે, ‘મિનરલ વૉટરમાં કોઈ કેમિકલ પ્રોસેસ થતી નથી, માત્ર એને બૅક્ટેરિયાથી મુક્ત કરવામાં આવે છે. જે નૅચરલ સોર્સમાંથી, જેમ કે હિમાલયમાંથી મળતું હોય અને મિનિમમ પ્રોસેસમાંથી પસાર થયું હોય એ મિનરલ વૉટર; જ્યારે પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટર એટલે એવું પાણી જે પણ નૅચરલ સોર્સમાંથી જ મળે, પરંતુ ડાયરેક્ટ પીવા યોગ્ય નહીં હોવાથી એને
વૉટર-પ્લાન્ટમાં સારી એવી કેમિકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરાય છે અને પછી પૅકેજિંગ કરવામાં આવે છે. મિનરલ વૉટરની પૅકેજ્ડ વૉટરની તુલનાએ કિંમત પ્રમાણમાં પાંચથી દસ ગણી હોય છે.’
આ સાવધાની અચૂક રાખશો
બ્રોમેટ અને PAHs જેવાં રસાયણો રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે. કાચ જેવું ચોખ્ખું દેખાતું પાણી પણ રાસાયણિક રીતે દૂષિત હોઈ શકે છે, જેની ઓળખ માત્ર લૅબોરેટરી ટેસ્ટિંગથી જ શક્ય છે. એમ છતાં ગ્રાહકો નીચે મુજબની સાવચેતી રાખી શકે છે.
બૉટલ ખરીદતી વખતે એના પર ૧૪-અંકનો FSSAI લાઇસન્સ નંબર, ઉત્પાદકનું સરનામું, બૅચ નંબર અને બેસ્ટ બિફોર તારીખ અવશ્ય તપાસો.
બૉટલની કૅપનું સીલ અકબંધ હોવું જોઈએ.
દુકાનની બહાર સીધા તડકામાં કે વધુ ગરમીમાં રાખેલી પ્લાસ્ટિકની બૉટલ ન ખરીદો, કારણ કે ગરમીથી પ્લાસ્ટિકનાં રસાયણો પાણીમાં ભળે છે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક બૉટલોને વારંવાર પાણી ભરવા માટે ન વાપરો.
મુસાફરીમાં શક્ય હોય ત્યાં સુધી ઘરેથી સ્ટીલની બૉટલમાં ફિલ્ટર કરેલું પાણી સાથે રાખો.
કેમિકલ અને બૅક્ટેરિયલ રિસ્ક
નિયમિત બહારથી બૉટલનું પાણી પીતા લોકો માટે ડૉ. સંતોષ મહત્ત્વપૂર્ણ માહિતી આપતાં કહે છે, ‘પ્લાસ્ટિકની દસ, વીસ રૂપિયામાં મળતી પાણીની બૉટલમાં તડકા, અથવા મૂવમેન્ટને કારણે પ્લાસ્ટિકમાં થતી રાસાયણિક પ્રક્રિયાના અંશો ભળવાની સંભાવના વધુ હોય છે. એમાં બૅક્ટેરિયાનું ડેવલપમેન્ટ ઓછું હોય છે, જ્યારે પંદર-વીસ લીટરના પાણીના કન્ટેનરમાં બૅક્ટેરિયલ ગ્રોથની સંભાવના વધુ હોય છે અને હાનિકારક કેમિકલ્સનું ભળવાનું પ્રમાણ ઓછું હોય છે.’
તમને ખબર છે?
એક વાર પાણીમાં બ્રોમેટ બની જાય પછી એને સામાન્ય ફિલ્ટરેશનથી દૂર કરવું અત્યંત મુશ્કેલ છે, તેથી ઉત્પાદન સમયે જ ઓઝોનની માત્રા પર નિયંત્રણ રાખવું જરૂરી છે.