24 November, 2024 02:31 PM IST | Nagpur | Raj Goswami
ગઈ કાલે નાગપુરમાં વિજયી મૂડમાં BJPના કાર્યકર્તાઓ.
મહારાષ્ટ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ માત્ર વિરોધ પક્ષો સામે જીત હાંસલ નથી કરી, એણે એના જ સહયોગીઓ શિંદેસેના અને અજિત પવારની પાર્ટી સામે પોતાનો ઝંડો ફરકાવ્યો છે. મહારાષ્ટ્રમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. આ એનું અત્યાર સુધીનું સૌથી બહેતર પ્રદર્શન છે. BJPની બેઠકોનો આંકડો વિપક્ષી મહા વિકાસ આઘાડી (કૉન્ગ્રેસ, ઠાકરેસેના અને પવાર જૂથ)ની સંયુક્ત બેઠકો કરતાં બમણાથી વધુ છે. કૉન્ગ્રેસનો દેખાવ સૌથી કંગાળ રહ્યો છે.
BJP વર્ષોથી મહારાષ્ટ્રમાં જુનિયર પાર્ટનર રહી છે. રાજ્યમાં બાળ ઠાકરેની શિવસેના હતી, BJP નાના ભાઈ તરીકે જોડાણમાં હતી. એ પછી સેના-નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પડ્યા પછી પણ BJPએ પોતાને હાંસિયામાં રાખી હતી. એ કોઈ ગમે એવું સ્થાન નહોતું, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં સ્થાનિક પક્ષોનું વર્ચસ હતું એટલે BJP પોતાનો પનો ટૂંકો રાખીને સંતોષ માની રહી હતી.
જોકે પડદા પાછળ એની મંછા હતી કે રાજ્યમાં નાના પક્ષોને ખતમ કરીને પોતે મોટો ભા બને. ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં એની આ મંછા રંગ લાવી છે. BJP પહેલી વાર ડ્રાઇવિંગ સીટમાં છે. આમ તો આ જીત મહાયુતિની છે, પણ BJP પાસે બધા કરતાં વધુ બેઠકો હોવાથી મુખ્ય પ્રધાનપદથી લઈને ચાવીરૂપ ખાતાં, બજેટ-વહેંચણી અને નીતિઓમાં એનો જ કક્કો સાચો ઠરશે.
BJPનો રસ્તો અહીં પૂરો નથી થતો, અહીંથી શરૂ થાય છે. BJPની મહત્ત્વાકાંક્ષા ભવિષ્યમાં એકલા હાથે સરકાર ચલાવવાની છે. આ જીતમાં ભલે શિંદેસેના અને અજિત પવારને પણ ફાયદો થયો હોય, પરંતુ આગામી દિવસો-વર્ષોમાં તેઓ હાંસિયામાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં. ઠાકરેસેના અને શરદ પવારની NCP વધુ કમજોર પડશે, એવા જ હાલ કૉન્ગ્રેસના થશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રોલર-કોસ્ટર સવારી કરતા રહ્યા છે. ૨૦૧૪માં ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા હતા, પછી ૨૦૧૯માં વિપક્ષના નેતા બન્યા, જ્યારે ૨૦૨૨માં તેઓ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા અને હવે કદાચ ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની તૈયારીમાં છે.
સૂચક રીતે જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે ‘ત્રણ પક્ષો (BJP + શિવસેના-શિંદે + NCP-અજિત) ભેગા મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે. હું મહારાષ્ટ્રના મતદારોનો આભાર માનું છું. આ એક મોટી જીત છે. મેં પહેલેથી જ કહ્યું હતું કે મહાયુતિને મોટી જીત મળશે. હું સમાજના તમામ વર્ગનો આભાર માનું છું. હું મહાયુતિ પક્ષોના તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું.’
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં BJPની હાર બાદ BJPના નેતા ભૂપેન્દ્ર યાદવે મુંબઈમાં એક મહિનાથી વધુ સમય સુધી પડાવ નાખ્યો હતો અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની નાની-નાની જાતિઓ સાથે બેઠકો યોજી હતી. આ ચૂંટણી જીતવા માટે BJPએ ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી અને હિન્દુત્વનો આક્રમક પ્રચાર કરીને પ્રચુર માત્રામાં સંસાધનોનો ઉપયોગ કર્યો હતો.
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં શિંદે સરકારે લાડકી બહિણ યોજના શરૂ કરી હતી, જેમાં મહિલાઓ માટે દર મહિને ૧૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. ચૂંટણીપ્રચાર દરમ્યાન મહાયુતિએ આ રકમ માટે દર મહિને ૨૧૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમણે ખેડૂતોની લોન માફ કરવાનું પણ વચન આપ્યું હતું. મહાયુતિના ત્રણેય ઘટકોએ દરેક રીતે આ યોજનાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર માત્ર એના પ્રચાર પર ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
નોટ ફૉર વોટ : તાવડેની ગેમ કરવામાં આવી?
ભારતની ચૂંટણીઓમાં બીજો સ્ફોટક મુદ્દો પૈસાના ઉપયોગનો છે. મતદારોના વોટ ખરીદવા માટે રાજકીય પક્ષો પૈસાનું પ્રલોભન આપે છે એ વાત પણ એટલી જ જૂની છે જેટલી જૂની એ વાત છે કે ઉદ્યોગપતિઓ તેમના સામ્રાજ્યને વધારવા માટે સરકારના પડખે રહે છે. આમાં પણ BJPને જ કલંક લાગ્યું છે.
BJPના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડી (BVA)ના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુર અને તેમના પુત્ર ક્ષિતિજે મંગળવારે ૧૯ નવેમ્બરે નાલાસોપારાની એક હોટેલમાં તાવડેને કથિત રીતે પાંચ કરોડ રૂપિયા સાથે પકડ્યા હતા. તાવડે અહીં નાલાસોપારાથી BJPના ઉમેદવાર રાજન નાઈક અને પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. હોટેલમાં થયેલા હંગામાના કેટલાક વિડિયો પણ સામે આવ્યા છે. વિડિયોમાં કેટલાક લોકોના હાથમાં નોટો અને એક યુવાન પાસે ડાયરી છે. આરોપ છે કે આ ડાયરીમાં કોને કેટલા પૈસા આપ્યા છે અથવા આપવાના છે એનો હિસાબ છે.
રાજકીય વર્તુળોમાં એવી ગુસપુસ છે કે રાજ્યની ટોચની નેતાગીરી દ્વારા જ તાવડેની બાતમી BVAને આપવામાં આવી હતી. કહેવાય છે કે તાવડે મરાઠા કાર્ડના આધારે રાજ્યના મુખ્ય પ્રધાનપદ માટે અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે પ્રયત્નશીલ હતા અને તેમને ઠંડા કરવા માટે જ આ ખેલ રચાયો હતો.