14 July, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ દરેકર, અતુલ ભાતખળકર, અમિત સાટમ
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત મહારાષ્ટ્રની અન્ય મહત્ત્વની સુધરાઈઓની ચૂંટણીની તારીખ હવે થોડા વખતમાં જાહેર થાય એવી શક્યતા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ હાલમાં જ એના સ્ટેટ પ્રેસિડન્ટ પદે રવીન્દ્ર ચવાણની નિયુક્તિ કરી છે અને હવે મુંબઈના હાલના પ્રેસિડન્ટ આશિષ શેલારને પણ તેમની જવાબદારીમાંથી મુક્ત કરી નવી વ્યક્તિને એ જવાબદારી સોંપાય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ મરાઠીનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે જે રીતે રવીન્દ્ર ચવાણને સ્ટેટ પ્રેસિડન્ટ બનાવાયા એ જ રીતે મરાઠી ચહેરાની જ મુંબઈ BJPના પ્રેસિડન્ટ તરીકે પસંદગી કરાય એવું પાર્ટી ચીફે જણાવ્યું છે. હાલના મુંબઈના પાર્ટી પ્રેસિડન્ટ આશિષ શેલાર ઑલરેડી પ્રધાન છે ત્યારે તેમણે પણ આ પ્રેસિડન્ટના પદ પર કામ કરવાની અસમર્થતા દાખવી છે અને અન્ય કોઈની નિમણૂક કરવા જણાવ્યું છે.
હવે આ મુંબઈ પ્રેસિડન્ટના પદ માટે જે નામ ચર્ચાઈ રહ્યાં છે એમાં પ્રવીણ દરેકર, અતુલ ભાતખળકર અને અમિત સાટમનાં નામની ચર્ચા છે. ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ માટે દિલ્હીના નેતાઓ સાથે ચર્ચા કરશે.
બારની બહાર બંધનાં બોર્ડ
રાજ્ય સરકાર દ્વારા દારૂના વેચાણ પર વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) બમણો કરી દેવાયો છે તથા લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાનો અને એક્સાઇઝ ડ્યુટીમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી એના વિરોધમાં આજે રાજ્યભરના બાર અને પરમિટ રૂમ બંધ પાળવાના છે. એથી બારની બહાર આજે બાર બંધ હોવાનાં બોર્ડ ગઈ કાલથી જ લગાડી દેવામાં આવ્યાં હતાં. તસવીર : આશિષ રાજે