07 July, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
રાજ્ય સરકારે થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી પાછી ખેંચી હોવા છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને હવે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) પણ મરાઠીના મુદ્દે નૉન-મરાઠીઓ પર હુમલાનું સમર્થન કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અને નેતા આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘પહલગામમાં લોકોને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા અને અહીં હિન્દુઓને માત્ર તેમની ભાષા અલગ હોવાથી માર મારવામાં આવે છે. બન્ને વચ્ચે શું ફરક રહ્યો?’
મરાઠી ભાષાનો વિજય થયો એમ મહારાષ્ટ્રના લોકોને કહીને વિજય મેળાવડામાં પણ રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રને ટચ કરી જુઓ, પછી જુઓ શું થાય છે અને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મરાઠી માણૂસ ન્યાય મેળવવા રસ્તા પર ઊતરે છે અને જો તમે કહેશો કે અમે ગુંડા છીએ તો હા, અમે ગુંડા છીએ.
આશિષ શેલારે કહ્યું હતું કે ‘BJP જૉઇન્ટ ફૅમિલી સિસ્ટમમાં માને છે. મેળાવડામાં રાજ ઠાકરેની સ્પીચ અધૂરી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરેની સ્પીચમાં તેઓ સત્તામાં નથી એનો ખંત દેખાઈ આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે સત્તા વગર રહી શકતા નથી. ખુરસી મેળવવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે. તેમને માટે ચોક્કસ વિચારધારા, મરાઠી કે મહારાષ્ટ્ર એ કંઈ જ મહત્ત્વનું નથી. તેમને જ્યારે ખબર પડી કે તેમને મુખ્ય પ્રધાન નહીં બનાવાય ત્યારે તેમણે BJP સાથે છેડો ફાડીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને કૉન્ગ્રેસ સાથે યુતિ કરી લીધી. હવે તેમની નજર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર છે એટલે તેઓ કોઈની પણ સાથે યુતિ કરશે. અમે મરાઠીઓ અને હિન્દુઓ બન્નેનું રક્ષણ કરીએ છીએ. અમે વિકાસનું પૉલિટિક્સ કરીએ છીએ, નફરતનું નહીં. અમે ચૂંટણી વિકાસના મુદ્દે જ લડીશું.’