11 February, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતિબાપ્પાની મૂર્તિ
પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ સમુદ્ર કે કુદરતી તળાવોમાં આવી મૂર્તિઓ વિસર્જન કરવાની મનાઈ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કરી છે. માઘી ગણેશોત્સવનો આજે છેલ્લો દિવસ છે એટલે રવિવારે રાજ્યભરના શ્રી ગણેશ મૂર્તિકાર કામગાર સંગઠને સરકાર અને BMCને ૨૪ કલાકમાં PoPની મૂર્તિનું વિસર્જન કરવા બાબતે નિર્ણય લેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જોકે ગઈ કાલ સુધી આ બાબતે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કે જાહેરાત નહોતી કરવામાં આવી એટલે ગણેશોત્સવ મંડળ મૂંઝવણમાં મુકાઈ ગયાં છે. આજે શું કરવું એનો નિર્ણય ગઈ કાલે મોડી રાત સુધી તેઓ લઈ નહોતા શક્યા, પણ મોટા ભાગનાં મંડળો એવી આશા રાખીને બેઠાં છે કે સરકાર કોઈ વચલો માર્ગ કાઢશે.
સૂત્રો મુજબ શ્રી ગણેશ મૂર્તિકાર કામગાર સંગઠન દ્વારા ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસથી લઈને કેટલાક પ્રધાનોને મળવાનો સમય માગ્યો હતો, પરંતુ કોઈની સાથે સંગઠનના પદાધિકારીઓની મુલાકાત થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.
માઘી ગણેશોત્સવના ગયા શુક્રવારના સાતમા દિવસે મલાડના માર્વે સહિતના બીચ પર BMCએ PoPની મૂર્તિનું વિસર્જન નહોતું થવા દીધું. આથી ચારકોપ ચા રાજા સહિતનાં ૧૫ જેટલાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ સમુદ્રકિનારે મૂર્તિની આરતી કરીને એના પર પાણીનો છંટકાવ કર્યો હતો અને મૂર્તિ પાછી લાવીને મંડપમાં કપડું વીંટાળીને મૂકી દીધી હતી. જોકે લાંબા સમય સુધી આવી રીતે મૂર્તિને સાચવવાનો પ્રશ્ન ઊભો થયો છે.