સુધરાઈની જિનોમ સીક્વન્સિંગ લૅબોરેટરી ઑગસ્ટમાં શરૂ થશે

30 July, 2021 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ માટેનું ૬.૫૦ કરોડ રૂપિયાનું મશીન ખાસ્સા વિલંબ બાદ મુંબઈ પહોંચ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

સુધરાઈની કસ્તુરબા હૉસ્પિટલમાં જિનોમ સીક્વન્સિંગ માટેની લૅબ શરૂ કરવામાં આવશે. આ માટેનું ૬.૫૦ કરોડ રૂપિયાનું મશીન ખાસ્સા વિલંબ બાદ મુંબઈ પહોંચ્યું હતું. લૅબ પ્રારંભિક ટેસ્ટિંગ બાદ ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. આ લૅબ કોરોનાના વેરિયન્ટ્સને બે-ત્રણ દિવસમાં ટ્રૅક કરવામાં અને વાઇરસનો વ્યાપ અટકાવવામાં મદદરૂપ બનશે.

શહેરમાં ડેલ્ટા વેરિયન્ટના કેસો નોંધાયા હોવા છતાં એની જાણ થયાના ત્રણ-ચાર મહિના બાદ જિનોમ સીક્વન્સિંગ માટેની રાષ્ટ્રીય લૅબોરેટરીમાંથી રિપોર્ટ આવતો હતો. આથી બીએમસીએ મહાલક્ષ્મીની કસ્તુરબા હૉસ્પિટલ ખાતે એની પોતાની જિનોમ સીક્વન્સિંગ લૅબ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીથી મળેલા તાજેતરના રિપોર્ટ્સ અનુસાર મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટ્સના બે કેસ નોંધાયા હતા. બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘જો અમને પરિણામો વહેલાં મળે તો વધુ અસરકારક સારવાર પૂરી પાડી શકાશે. એની સાથે જ વાઇરસનો પ્રસાર પણ અટકાવી શકાશે.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘આ મશીન અમેરિકાથી આયાત કરાયું છે અને કોવિડનાં નિયંત્રણોને કારણે એ સિંગાપોરમાં ફસાઈ ગયું હતું. લૅબ શરૂ થઈ ગયા બાદ રિપોર્ટ આવતાં બે-ત્રણ દિવસ લાગશે. લૅબ શરૂ કરવા પાછળનો આશય લાંબા ગાળે મ્યુટેશન્સનું સંશોધન કરવાનો છે. ડેલ્ટા પ્લસ ઉપરાંત કોરોનાવાઇરસના અન્ય સંભવિત વેરિયન્ટ્સ પણ ચિંતાનો વિષય બની શકે છે.’

જિનોમ સીક્વન્સિંગ એટલે શું?

જિનોમ એ જીવ વિશેની સંપૂર્ણ આનુવંશિક માહિતી છે. એ જીવને કાર્યરત રહેવા માટેની તમામ માહિતી પૂરી પાડે છે. જિનોમિક સીક્વન્સિંગથી વિજ્ઞાનીઓ SARS-CoV-2ની ઓળખ કરી શકે છે અને તે નવા વેરિયન્ટ્સ કેવી રીતે બદલે છે, આ પરિવર્તનથી વાઇરસની લાક્ષણિકતાઓ પર શું અસર પડે છે એની દેખરેખ રાખે છે.

mumbai mumbai news coronavirus covid19