04 December, 2025 07:46 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાના આરોપસર ૨૦૧૮માં પકડાયેલા બ્રહ્મોસ મિસાઇલ સેન્ટરમાં કાર્યરત અને યંગ સાયન્ટિસ્ટનો અવૉર્ડ જીતનાર નિશાંત અગ્રવાલને બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે નિર્દોષ છોડી મૂકતાં તે મંગળવારે રાતે નાગપુરની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો.
નિશાંત અગ્રવાલની મુશ્કેલીઓ ત્યાંથી શરૂ થઈ હતી જ્યારે તેણે પ્રોફેશનલ અને નેટવર્કિંગ કરીઅર ડેવલપમેન્ટ માટેના ડિજિટલ પ્લૅટફૉર્મ લિન્ક્ડ–ઇન પર સેજલ કપૂરે મોકલેલી રિક્વેસ્ટના આધારે પોતાનો બાયોડેટા નવી જૉબની તક જોઈને મૂક્યો હતો. તેને એ વાતની જાણ નહોતી કે સેજલ કપૂર પાકિસ્તાનથી ઑપરેટ કરતી હતી. એ પછી સેજલે નિશાંતને UKની એક કંપનીમાં મૅનેજરની જૉબ ઑફર કરી હતી અને જો તે ઇન્ટરેસ્ટેડ હોય તો કેટલાક સૉફ્ટવેર ડાઉનલોડ કરવા કહ્યું હતું જે માલવેઅર હતા. એથી તેણે દેશની મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું જણાવીને તેની ત્યાર બાદ ઉત્તર પ્રદેશની ઍન્ટિ-ટેરર સ્ક્વૉડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરતાં કહેવામાં આવ્યું હતું કે ‘તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે કે સેજલ કપૂર દ્વારા જ કમ્યુનિકેશનની શરૂઆત કરવામાં આવી હતી. બીજું, નિશાંત અગ્રવાલે એવી કોઈ જ સેન્સિટિવ માહિતી આપી નહોતી કે સંરક્ષણને લગતી મહત્ત્વની વિગતો કે કોઈ જ ડૉક્યુમેન્ટ અપલોડ કર્યા નહોતા. બીજું, બ્રહ્મોસ મિસાઇલ સેન્ટર દ્વારા પણ
લિન્ક્ડ-ઇન પર જૉબ સર્ચ કરવા પર પ્રતિબંધ મુકાયો નથી.’
કોર્ટે તેમની રજૂઆત બાદ એ પણ નોંધ્યું હતું કે ફરિયાદપક્ષે જે દાવો કર્યો હતો કે નિશાંત પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો એ તે પુરવાર કરી શક્યો નહોતો. એથી કોર્ટે નિશાંતને નિર્દોષ છોડી મૂક્યો હતો. ૭ વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ તે જેલમાંથી નિર્દોષ બહાર આવ્યો હતો.