06 July, 2025 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બની બેઠેલા ગૉડમૅન રવિશંકર મહારાજની કૉલેજથી તપાસ શરૂ થઈ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આરોગ્ય મંત્રાલય, નૅશનલ મેડિકલ કમિશન (NMC) અને ખાનગી મેડિકલ કૉલેજો સાથે સંબંધિત એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને NMCના ડૉક્ટરો, બની બેઠેલા ગૉડમૅન ભૃગુગિરિ ઉર્ફે રાવતપુરા સરકાર ઉર્ફે રવિશંકર મહારાજ સહિત ૩૪ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ લોકોએ લાંચ લઈને મેડિકલ કૉલેજોને ફાયદો પહોંચાડ્યો હતો. CBIએ આઠ લોકોની ધરપકડ પણ કરી છે.
દેશના ઇતિહાસના સૌથી મોટા મેડિકલ કૉલેજ કૌભાંડનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયેલો છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ, વચેટિયાઓ, ટોચના શિક્ષણવિદો અને ખાનગી મેડિકલ કૉલેજોના પ્રતિનિધિઓનું ઊંડું નેટવર્ક સામેલ છે. CBIએ જણાવ્યું હતું કે ભારતનું આ સૌથી મોટું મેડિકલ કૉલેજ કૌભાંડ છે.
ભારતમાં મેડિકલ શિક્ષણમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતાં આ સનસનાટીભર્યા કેસમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ભૂતપૂર્વ ચૅરમૅન અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (TISS)ના વાઇસ ચાન્સેલર ડી. પી. સિંહ, સ્વ-ઘોષિત ગૉડમૅન રાવતપુરા સરકાર, ઇન્દોરની ઇન્ડેક્સ મેડિકલ કૉલેજના સુરેશ સિંહ ભદોરિયા અને અધિકારીઓનાં નામ બહાર આવ્યાં છે.
ગૉડમૅનની કૉલેજથી તપાસ શરૂ
CBIએ આ કૌભાંડમાં બની બેઠેલા ગૉડમૅન રાવતપુરા સરકાર ઉર્ફે રવિશંકર મહારાજનું નામ આરોપી તરીકે આપ્યું છે. CBIની તપાસ રાયપુર મેડિકલ કૉલેજથી શરૂ થઈ હતી જેમાં આ ગૉડમૅન ચૅરમૅન છે. આ કૉલેજમાં છ લોકોની કથિત રીતે પંચાવન લાખ રૂપિયા સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. CBIએ ડૉક્ટરોને રંગે હાથ પકડ્યા હતા. નિરીક્ષણ ટીમના વડાના સહાયક પાસેથી ૩૮.૩૮ લાખ રૂપિયા અને અન્ય અધિકારીના નિવાસસ્થાન પરથી ૧૬.૬૨ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. CBIના જણાવ્યા અનુસાર સમગ્ર લાંચ આયોજનબદ્ધ રીતે હવાલા માર્ગો દ્વારા એકત્રિત કરવામાં આવી હતી અને ટીમમાં વહેંચવામાં આવી હતી, પરંતુ રાયપુરમાં જે શરૂ થયું એ ઝડપથી રાષ્ટ્રીય કૌભાંડમાં ફેરવાઈ ગયું હતું.
રવિશંકરના ટ્રસ્ટને સરકારી યોજનાઓ, પ્રોજેક્ટ્સ અને સબસિડીમાં અનુચિત તરફેણ મળી હોવાનો
આરોપ છે.
CBIના FIRમાં નિવૃત્ત IFS અધિકારી સંજય શુક્લાનો સમાવેશ થાય છે જેણે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (RERA)ના ચૅરમૅન તરીકે પણ સેવા આપી હતી. છત્તીસગઢ વન વિભાગના ભૂતપૂર્વ વડા સંજય શુક્લા રાવતપુરા જૂથમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. જોકે રાવતપુરા કેસમાં અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિ ડિરેક્ટર અતુલ તિવારીની ધરપકડ કરવામાં આવી છે.
ધ ગૉડમૅન
રાવતપુરા સરકારનું નામ FIRમાં આવવાથી ટોચના રાજકારણીઓ, પ્રધાનો અને અમલદારો સાથેના તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોને કારણે ધ્યાન ખેંચાયું છે. ઘણી વાર તેઓ સત્તાની નજીકના બાબા તરીકે ઓળખાતા હતા. સરકારી અમલદારો, અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના તેમના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. રાવતપુરા સરકાર વિવાદમાં આવ્યા હોય એવી આ પહેલી ઘટના નથી. તેમના ટ્રસ્ટ પર જમીન પર અતિક્રમણ, કરવાનો માન્યતા ન મળેલી કૉલેજો ચલાવવાનો, વિદ્યાર્થીઓને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે દબાણ કરવાનો અને આશ્રમોમાં મહિલા અનુયાયીઓની માનસિક સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાન, ગુડગાંવ અને ઇન્દોરથી લઈને વારંગલ અને વિશાખાપટનમ સુધી ફેલાયેલા આ કરોડો રૂપિયાના કૌભાંડમાં ડમી ફૅકલ્ટી, નકલી નિરીક્ષણો અને લીક થયેલી ફાઇલોનો સમાવેશ થાય છે જેમાં હવાલા અને બૅન્કિંગ માર્ગો દ્વારા કરોડોની લેવડદેવડ કરવામાં આવી હતી. હલકી ગુણવત્તાવાળી મેડિકલ કૉલેજોને ગેરકાયદે મંજૂરી મેળવવા માટે આ બધું કરવામાં આવ્યું હતું.
સમાંતર કામગીરી
CBIની તપાસનો વ્યાપ વધતો ગયો તેમ-તેમ CBIને ઇન્દોરમાં ઇન્ડેક્સ મેડિકલ કૉલેજમાં પણ આવું જ જોવા મળ્યું. અહીં અધિકારીઓએ કથિત રીતે ભૂતિયા ફૅકલ્ટી તહેનાત કરી, ખોટી બાયોમૅટ્રિક હાજરી બનાવી અને NMCના સર્વેયરોને છેતરવા માટે નકલી અનુભવ પ્રમાણપત્રો પણ જારી કર્યા. CBIનું માનવું છે કે ભદોરિયા અને રાવતપુરા સરકાર બેઉ મૂળ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના લહરના રહેવાસી હોવાથી તેમણે શક્તિશાળી સાઠગાંઠ બનાવી હતી, યોગ્યતા કે માળખાગત સુવિધાઓને ધ્યાનમાં લીધા વિના, NMCની માન્યતાની ખાતરી આપવા માટે ભારતભરની ખાનગી સંસ્થાઓ પાસેથી તેમણે ત્રણથી પાંચ કરોડ રૂપિયા વસૂલ્યા હતા.