19 May, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈનું ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન સન્માન કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ ગવઈની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ ગઈ કાલે તેઓ પહેલી વાર મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમનું સન્માન કરવા માટેનો મુંબઈમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં પ્રોટોકૉલ મુજબ મહારાષ્ટ્રનાં પોલીસવડાં રશ્મિ શુક્લા, ચીફ સેક્રેટરી સુજાતા સૌનિક અને મુંબઈ પોલીસના કમિશનર દેવેન ભારતી આ કાર્યક્રમમાં જોવા નહોતાં મળ્યાં. આથી જસ્ટિસ ભૂષણ ગવઈએ તેમના ભાષણમાં જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ વાતની માહિતી મળ્યા બાદ ત્રણેય અધિકારી તાત્કાલિક ચીફ જસ્ટિસનું સ્વાગત કરવા માટે પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ તેમનો સત્કાર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘ચીફ જસ્ટિસનું સન્માન કરવા માટે મુંબઈમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં પ્રોટોકૉલ મુજબ રાજ્યનાં પોલીસવડાં, રાજ્યનાં ચીફ સેક્રેટરી અને મુંબઈના પોલીસ-કમિશનર ઉપસ્થિત રહે એ અપેક્ષિત હતું; પણ આ અધિકારીઓને અહીં આવવાનું યોગ્ય ન લાગ્યું? આનો તેમણે પોતે જ વિચાર કરવો જોઈએ.’
સન્માનના કાર્યક્રમ બાદ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈ દાદરના શિવાજી પાર્કમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અભિવાદન કરવા માટે ચૈત્યભૂમિ ગયા હતા. એ સમયે પોલીસવડાં રશ્મિ શુક્લા, ચીફ સેક્રેટરી સુજાતા સૌનિક અને મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતી હાજર થઈ ગયાં હતાં.