17 July, 2025 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળવારે તુલિંજ પોલીસ-સ્ટેશનમાં મારઝૂડ ચાલી રહી હતી.
નાલાસોપારા-ઈસ્ટના તુલિંજ પોલીસ-સ્ટેશનમાં મંગળવારે રાતે ફરિયાદ કરવા આવેલી બે ટોળકી પોલીસ-સ્ટેશનની ફરિયાદ-રૂમમાં જ પોલીસ સામે એકમેકની જોરદાર મારઝૂડ કરવા માંડી હતી. આ મામલે તુલિંજ પોલીસે બન્ને જૂથ સામે ક્રૉસ ફરિયાદ નોંધી છે. મંગળવારની રાતે પોલીસ-સ્ટેશનની અંદર થયેલા ઝઘડાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી ફેલાઈ જતાં પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊઠ્યા છે.
આ ઝઘડો ત્યારે શરૂ થયો હતો જ્યારે બન્ને ટોળકી સમસ્યાનું સમાધાન કરવા માટે પોલીસ-સ્ટેશન આવી હતી. એ પછી બન્ને ટોળકી વચ્ચે બોલાચાલી થયા બાદ વિવાદ વધતાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. અંતે અમારે બળનો ઉપયોગ કરી બન્ને ટોળકીને અલગ કરવી પડી હતી એમ જણાવતાં તુલિંજના પોલીસ-ઇન્સ્પેક્ટર મહેશ સાબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાલાસોપારા-ઈસ્ટના પ્રગતિનગરની એક જ સોસાયટીમાં રહેતી બે ટોળકી વચ્ચે મંગળવારે રાતે પાણી બાબતે મહિલાઓ વચ્ચે વિવાદ થયો હતો. એ વખતે સોસાયટીમાં બોલાચાલી વધતાં મહિલા અને પુરુષો વચ્ચે મારઝૂડ થઈ હતી. એ પછી બન્ને પક્ષ ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન આવ્યા હતા. સ્ટેશન હાઉસ (ફરિયાદ રૂમ)માં બન્ને પક્ષ એકમેક સામે ઊભા હતા ત્યારે ફરી પાછી અમુક બાબતે વિવાદ શરૂ થયો જેમાં બે-ત્રણ મહિલાઓ અને ત્રણ-ચાર પુરુષો એકમેકની મારઝૂડ કરવા માંડ્યાં હતાં. અંતે અમારા અધિકારીઓએ વચ્ચે પડીને બન્ને પક્ષને અલગ કર્યા હતા. જોકે એમાં અમારા પોલીસ-અધિકારીના હાથમાં પણ માર વાગ્યો હતો. આ કેસમાં બન્ને પક્ષે ક્રૉસ ફરિયાદ નોંધવામાં આવી છે.’