03 September, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મરાઠા આરક્ષણ આંદોલનનો સુખદ અંત આવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બંધારણની હદમાં રહીને સમાજના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. આ માટેનું સંપૂર્ણ શ્રેય તેમણે કૅબિનેટની મરાઠા આરક્ષણ માટેની ઉપસમિતિને આપ્યું હતું. કાયદેસરનો અભ્યાસ કર્યા બાદ આરક્ષણ બાબતે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હોવાની ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી. મરાઠા સમાજના હિતમાં હૈદરાબાદ ગૅઝેટ સ્વીકારવા માટેની તૈયારી અગાઉથી જ ચાલી રહી હતી એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય મરાઠા સમાજના હિતમાં છે અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના આરક્ષણમાં ઘૂસણખોરી પણ નહીં થાય એવો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેથી OBCને હવે આંદોલન કરવાની જરૂર નહીં પડે એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મારી ખૂબ ટીકા થઈ, પણ હું એનાથી વિચલિત થયો નથી કારણ કે સમાજના હિતમાં સમસ્યાનું સમાધાન લાવવા તરફ જ મારું ધ્યાન હતું. કોર્ટમાં ટકી શકે એવો બંધારણીય નિર્ણય લેવાયો હોવાથી બધાને આ નિર્ણય માન્ય રહેશે.’
મુખ્ય પ્રધાને આંદોલન દરમ્યાન મુંબઈગરાઓને થયેલી હેરાનગતિ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.