26 April, 2025 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાનું ફરમાન જાહેર કર્યું છે ત્યારે મહારાષ્ટ્રમાંથી પણ પાકિસ્તાનીઓએ જવું પડશે અને ભારત છોડવાના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કાશ્મીરમાં ટૂરિસ્ટો પર આતંકવાદી હુમલો કરવાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જણાઈ આવતાં ભારતે પાડોશી દુશ્મન દેશ સામે કાર્યવાહી કરવા સંબંધી ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાનો કોઈ સભ્ય હાજર નહોતો રહ્યો અને ઉદ્ધવસેના દ્વારા સમર્થન કરવાને બદલે ટીકા કરવામાં આવી રહી છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઠાકરેની સેના ભારતનો ઇતિહાસ ભૂલી ગઈ છે એનું દુઃખ છે. દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ હોય કે આપણા પર હુમલો થયો હોય ત્યારે વિરોધ કરવો, મૂર્ખામીભર્યું નિવેદન કરવું એ યોગ્ય નથી. દેશની જનતા આવા લોકોને માફ નહીં કરે. બંગલાદેશના યુદ્ધ વખતે અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ભારત સરકાર પાકિસ્તાન સામે સખત હાથે કામ લઈ રહી છે. આમ છતાં ઉદ્ધવસેનાના પ્રવક્તા સંજય રાઉત સહિતના નેતાઓ આવી ગંભીર સ્થિતિમાં સરકારની સાથે રહેવાને બદલે તર્ક વિનાના અને વિચિત્ર સવાલ કરીને જનતાને ભરમાવી રહ્યા છે. એની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જનતાની ભાવના વ્યક્ત કરી હતી.