04 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટએ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 29 વર્ષીય કામરાન ખાન નામના શખ્સને બે વર્ષની જેલની સજા આપી છે. કામરાન ખાન, જે મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારમાં રહે છે, તેણે 2023માં પોલીસને ફોન કરીને કહ્યું હતું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખશે. એટલું જ નહીં, તેણે એવું પણ કહ્યું હતું કે તે જેજે હૉસ્પિટલને બૉમ્બથી ઉડાડી દેશે. આ ધમકીઓ આપતી વખતે તેણે પોતાને દાઉદ ઇબ્રાહિમના ગૅન્ગનો સભ્ય ગણાવ્યો હતો.
કામરાન પર લાગેલા આરોપો
કોર્ટએ આ મામલાને ગંભીરતાથી લીધો. ન્યાયાધીશ હેમંત યુ. જોશીએ જણાવ્યું કે, કામરાન ખાનની આ હરકતથી સરકાર અને મોટા નેતાઓની સુરક્ષા પર જોખમ ઊભું થયું છે. તેમણે જણાવ્યું કે કામરાન ખાન પર દયા રાખવી યોગ્ય નથી. કોર્ટના મતે, આ ઘટનાને કારણે પોલીસ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવું પડ્યું હતું. વધુમાં, કામરાન ખાન અગાઉ પણ આવા ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે. કામરાનના વકીલે દલીલ કરી કે તે માનસિક રોગી છે, પરંતુ કોર્ટે આ દલીલને નકારી કાઢી. કોર્ટના મતે, તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. ન્યાયાધીશે જણાવ્યું કે કામરાન પહેલાંથી જ પોલીસની અટકાયતમાં હતો અને હવે તેને જેલની સજા આપવામાં આવી છે.
20 નવેમ્બર 2023ના ફોન કૉલથી શરુ થયો મામલો
સરકારી વકીલે કોર્ટમાં રજૂ કર્યું કે 20 નવેમ્બર 2023ના રોજ મુંબઈ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને યોગી આદિત્યનાથની હત્યા કરવા માટે તેને દાઉદ ઇબ્રાહિમના ગૅન્ગના એક સભ્ય દ્વારા 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે જો પોલીસ તેની ફરિયાદને ગંભીરતાથી નહીં લે, તો તે જેજે હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેશે.
ઇબ્રાહિમ કાલિયા
જ્યારે મહિલા પોલીસ કર્મચારી ફોન પર વાત કરી રહી હતી, ત્યારે આરોપીએ તેને પણ ધમકી આપી. તેણે કહ્યું કે જો કોઈ ઘટના બનશે તો તે જ જવાબદાર રહેશે. વધુમાં, આરોપીએ ઇબ્રાહિમ કાલિયાનું નામ પણ લીધું હતું, જે દાઉદ ગૅન્ગનો સભ્ય હોવાનું માનવામાં આવે છે. જ્યારે મહિલા પોલીસ કર્મચારી ફોન તેના ઉચ્ચ અધિકારીને આપે એ પહેલાં જ આરોપીએ ફોન કાપી નાખ્યો.
આરોપી કઈ રીતે ઝડપાયો?
પોલીસે આરોપી કામરાન ખાનની કૉલ ડીટેઇલ રિપોર્ટ (CDR) મેળવી અને તેને પકડી પાડ્યો. તપાસ દરમિયાન, ફરિયાદી મહિલા પોલીસ કર્મચારીને તેનો અવાજ ઓળખવા માટે કહેવામાં આવ્યું. તેણે આરોપીનો અવાજ ઓળખીને જણાવ્યું કે તે પહેલા પણ આવા ગુનાઓમાં સામેલ રહ્યો છે. પોલીસે કામરાન ખાનનો મોબાઇલ ફોન કબજે લીધો અને તેને તપાસ માટે મોકલી આપ્યો. કૉલ રેકોર્ડ્સના આધારે, પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.
કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓ
ટેલિકૉમ કંપનીના અધિકારીએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આરોપીએ જે નંબર પરથી ફોન કર્યો હતો, તે કામરાન ખાનના નામે નોંધાયેલો હતો. તેમજ, પોલીસ હેલ્પલાઇન પર ફોન તે જ નંબરથી કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં સરકારી વકીલે અલગ-અલગ સાક્ષીઓને રજૂ કર્યા:
ફરિયાદી મહિલા પોલીસ અધિકારી,
તપાસમાં સામેલ અન્ય પોલીસ અધિકારી,
મોબાઇલ કબજે કરતી વખતે હાજર સાક્ષી,
ટેલિકૉમ કંપનીનો અધિકારી
કોર્ટ દ્વારા વકીલની દલીલો નકારવામાં આવી
કામરાનના વકીલે દલીલ કરી કે તે માનસિક રીતે અસ્વસ્થ છે. જોકે, કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં. જજે જણાવ્યું કે માત્ર આરોપીના નિવેદનોના આધારે તે માનસિક રોગી છે, એવું ઠરાવી શકાતું નથી. તેમણે કહ્યું, “આરોપીની અનેકવાર ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન, તેની વર્તનશૈલી કોઈપણ રીતે અસામાન્ય લાગી નથી. તેથી, તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ માન્ય રાખી શકાતી નથી.”
કયા કાયદા હેઠળ સજા આપવામાં આવી?
કોર્ટે IPCની ધારા 505(2) (કાયદા વિરુદ્ધ નિવેદન આપી લોકોમાં દુશ્મનાવટ, ઘૃણા અથવા ખોટા ભાવનાનો પ્રસાર) અને 506(2) (જાનથી મારી નાખવાની અથવા મોટી ઇજા પહોંચાડવાની ધમકી) હેઠળ કામરાન ખાનને દોષી ઠેરવ્યો. કોર્ટે કામરાન ખાનને બે વર્ષની સજા સાથે 1,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.