અનલૉકની જરાય ઉતાવળ નહીં કરાય

25 June, 2021 10:24 AM IST  |  Mumbai | Dharmendra Jore

અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસથી ઊભા થતા જોખમને અટકાવવા માટે તમામ સંભવિત નિયંત્રણ લાગુ કરવા માટે કૅબિનેટે મુખ્ય પ્રધાનને સત્તા આપ્યા બાદ તેમણે ઉપરોક્ત સૂચના આપી છે

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા કલેક્ટરોને તૈયાર રહેવા જણાવ્યું છે (તસવીરઃ એએફપી)

મહારાષ્ટ્રના જે જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળ્યા છે એ જિલ્લાઓને ગુરુવારે હાઈ અલર્ટ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા કલેક્ટરોને નિયંત્રણો ત્વરિત હળવાં ન કરવાની અને સાથે જ જોખમી પરિબળોને ધ્યાનમાં રાખીને કડક નિયંત્રણો વિશે નિર્ણય લેવાની સૂચના આપી છે. તેમને બીજી લહેરની કટોકટીની યાદ દેવડાવીને તેમણે આરોગ્ય વિભાગને રાજ્યભરમાં ઑક્સિજનની પૂરતી સપ્લાય અને આઇસીયુ બેડ પૂરાં પાડવા માટે સજ્જ રહેવાની તાકીદ કરી છે.

અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસથી ઊભા થતા જોખમને અટકાવવા માટે તમામ સંભવિત નિયંત્રણ લાગુ કરવા માટે કૅબિનેટે મુખ્ય પ્રધાનને સત્તા આપ્યા બાદ તેમણે ઉપરોક્ત સૂચના આપી છે. ખાસ કરીને રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલી જેવા જિલ્લાઓને ત્યાં જોવા મળેલા નવા વેરિઅન્ટના કેસને પગલે સતર્ક રહેવા જણાવ્યું છે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘બીજી લહેર હજી પૂરી નથી થઈ. આપણે નિયંત્રણ હળવાં કરવા માટેના સ્તર નક્કી કર્યા હોઈ શકે છે, પરંતુ તમારે (કલેક્ટરોએ) તમારાં અધિકાર ક્ષેત્રોમાં જોખમી પરિબળો ધ્યાનમાં લેવાં જોઈશે. જો લોકો તેમનાં રોજિંદાં કાર્યો કરવા દરમ્યાન પ્રોટોકોલનું પાલન નહીં કરે અને ગિરદી ભેગી કરશે તો સંક્રમણ વધશે.’

દિવસના અંતે ઑક્સિજન ઉત્પાદકોને મળતાં પહેલાં ઉદ્ધવ ઠાકરેએ કલેક્ટરોને જણાવ્યું હતું કે તેમણે ઑક્સિજન, દવા અને અન્ય જરૂરી મેડિકલ ઉપકરણોનો સંગ્રહ શરૂ કરી દેવો જોઈશે.

ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જ્યાં જોવા મળ્યા છે એ ૭ જિલ્લા ચિંતાનું કારણ બની શકે છે. કોવિડ ટાસ્કફોર્સના સભ્યો ડૉ. સંજય ઓક અને ડૉ. શશાંક જોશીએ જિલ્લાઓને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણ વધારવા અને જરૂર પડ્યે કડક નિયંત્રણ લાદવાની સૂચના આપી છે.

mumbai mumbai news coronavirus covid19 uddhav thackeray dharmendra jore