21 December, 2024 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રકાશ સુર્વે
રાજ્યના પ્રધાનમંડળમાં જગ્યા ન મળી હોવાથી નારાજ એકનાથ શિંદેની શિવસેનાના બે વિધાનસભ્યો ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નાગપુર જઈને મળ્યા હતા. આ મુલાકાતથી માગાઠાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને પુરંદરના વિધાનસભ્ય વિજય શિવતારેએ પોતાની નારાજગી દૂર થઈ ગઈ હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું, પણ તાનાજી સાવંત અને અબ્દુલ સત્તાર હજી નારાજ જ છે.
ગઈ કાલે પ્રકાશ સુર્વેએ એકનાથ શિંદેને મળ્યા બાદ કહ્યું હતું કે ‘હું નારાજ નહોતો, દુખી હતો અને એ સ્વાભાવિક છે. જ્યારે અમારા નેતા એકનાથ શિંદેસાહેબ મુખ્ય પ્રધાનથી નાયબ મુખ્ય પ્રધાન બની શકે છે તો અમે કેમ સૅક્રિફાઇસ ન કરી શકીએ.’
ત્યાર બાદ તેમણે હિન્દી ગીતની ‘દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ; ઔરોં કા ગમ દેખા, મૈં અપના ગમ ભૂલ ગયા’ કડી ગાઈને પોતે માની ગયા હોવાનું પત્રકારોને બતાવ્યું હતું. વિજય શિવતારે કહ્યું હતું કે એકનાથ શિંદેના વિશ્વાસુ સાથી બનીને રહેવાનું પદ મારા માટે પ્રધાનપદ કરતાં વધારે મહત્ત્વનું છે.
આ બન્ને નેતાઓને મળ્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘જે વિધાનસભ્યોને પહેલા તબક્કામાં પ્રધાનપદ નથી મળ્યું તેઓ પક્ષને મોટો કરવાનું કામ કરશે. બીજા તબક્કામાં તેમને પ્રધાનપદ આપવામાં આવશે અને જેમને પહેલા તબક્કામાં પ્રધાનપદ મળ્યું છે તેઓ બીજા તબક્કામાં પાર્ટી માટે કામ કરશે. પ્રધાનપદ માટે શ્રદ્ધા રાખીને રાહ જોવી પડશે. હવે અમારી જવાબદારી વધી ગઈ છે. શિવસેના એક કુટુંબ હોવાથી કોઈ ક્યાંય નહીં જાય. પદ તો આવે ને જાય.’