04 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધનંજય મુંડે ફૅશન શોમાં જોવા મળ્યા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા ધનંજય મુંડેએ સ્વાસ્થ્યનું કારણ આપીને બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના બીડ પ્રવાસમાં હાજર રહ્યા નહોતા. જોકે, એક દિવસ અગાઉ જ તેઓ મુંબઈની એક હોટલમાં યોજાયેલા ફૅશન શોમાં હાજર રહ્યા હતા. NCPના સૂત્રોના જણાવ્યા મુજબ, ધનંજય મુંડે અને તેમની પત્ની રાજશ્રી મુંડે મંગળવારે રાત્રે મુંબઈમાં આયોજિત ફૅશન શોમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેમની પુત્રી વૈષ્ણવી પણ સામેલ હતી.
મુંબઈમાં સારવાર ચાલી રહી હોવાનો દાવો
બુધવારે વહેલી સવારે મુંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે તે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર બીડમાં અજિત પવારના સત્તાવાર પ્રવાસમાં ભાગ લઈ શક્યા નહોતા અને હાલ તે મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. મુંડેએ લખ્યું, "મારે આજે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી અજિત પવારના બીડ પ્રવાસ દરમિયાન હાજરી આપવી હતી. પરંતુ, મારી તબિયત બગડવાથી મને સારવાર માટે મુંબઈ આવવું પડ્યું." મુંડેએ વધુમાં ઉમેર્યું કે તેમણે પાર્ટીને અગાઉથી જાણ કરી દીધી હતી. "મારા તમામ સમર્થકોને આ મુદ્દા પર કોઈ ગેરસમજ ન રહેવી જોઈએ," પોસ્ટમાં જણાવ્યું હતું.
મંત્રીપદેથી આપવું પડ્યું હતું રાજીનામું
બીડના પૂર્વ પ્રભારી મંત્રી ધનંજય મુંડેને ગત વર્ષે ડિસેમ્બરમાં મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા પછી જાહેર અસંતોષને કારણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાને લઈને તે નારાજ છે તેવું જાણવામાં આવ્યું છે. આ કેસના આરોપપત્રની કેટલીક તસવીરો અને વીડિયોઝ વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો હતો, જેને કારણે રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી.
પંકજા મુંડે બેઠકમાં હાજર
ઉલ્લેખનીય છે કે બીડના સંરક્ષક મંત્રી તરીકે અજિત પવારે જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ધનંજય મુંડેનાં પિત્રાઇ બહેન અને ભાજપ નેતા પંકજા મુંડે પણ હાજર રહ્યાં હતાં. ધનંજય મુંડે અને પંકજા મુંડે વચ્ચે વર્ષોથી રાજકીય અને કુટુંબી ઉદાસીનતા રહેલી છે. તેમની વચ્ચેના રાજકીય મતભેદો અનેકવાર ચર્ચાનો વિષય બન્યા છે.
તાજેતરમાં જ, સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે થોડાં વર્ષ પહેલાં પંકજા મુંડેની વિરુદ્ધના પુરાવાની ફાઇલ લઈને ધનંજય મુંડે તેમના સહયોગી રાજેન્દ્ર ધનવટેની સાથે તેમના (દમણિયાના) ઘરે ગયા હતા. પંકજા મુંડેની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ધનંજય મુંડેના સહયોગી રાજેન્દ્ર ધનવટેએ આ પુરાવા એકત્રિત કર્યા હતા. અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘ધનંજય મુંડેએ બહેન પંકજાની ‘સુપારી’ આપી હતી. મેં પુરાવાની ફાઇલ મારા ઘરે લઈને આવનારા ધનંજય મુંડે અને રાજેન્દ્ર ધનવટેને કહ્યું હતું કે હું આવું કામ નથી કરતી. આજેય આ ફાઇલ મારી પાસે છે. હવે ધનંજય અને પંકજા ભલે સાથે છે, પણ ભૂતકાળમાં પંકજાની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.’