12 April, 2025 07:11 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ગયા અઠવાડિયે લાતુરના પહાડી વિસ્તારમાં ચોરીછૂપીથી ચાલતી ડ્રગ્સની ફૅક્ટરી પર છાપો મારીને ૧૭ કરોડ રૂપિયાની કિંમતનું ૧૧.૩૬ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. એમાં ૮.૪૪ કિલો ડ્રાય અને ૨.૯૨ કિલો લિક્વિડ ફૉર્મમાં હતું. એ કેસમાં પકડાયેલા મુંબઈના બે આરોપીઓને હવે જેલકસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપી દિલાવર અલ્તાફ ખાનને સાંતાક્રુઝથી જ્યારે વસિમ શહારત શેખને મીરા રોડથી ઝડપી લેવાયા હતા. બન્નેને ગઈ કાલે ચાકુરની કોર્ટમાં હાજર કરવામાં આવતાં જજ વિકાસ વાઘમોડેએ તેમને ૧૪ દિવસની જેલકસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
ડ્રગ્સ બનાવવા માટેની ફૅક્ટરી મીરા-ભાઈંદર પોલીસ કમિશનરેટમાં કાર્યરત ઇન્સ્પેક્ટર સંજય કેન્દ્રેની માલિકીના ખેતરમાં ઊભી કરવામાં આવી હતી. સંજય કેન્દ્રે અને તેના સાથીઓએ ખેતરમાં પતરાના શેડમાં નશીલા પદાર્થનું ઉત્પાદન શરૂ કર્યું હતું. સંજય કેન્દ્રે અને મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા આહાદ ખાન સહિતના આરોપીઓ નશીલા પદાર્થનું ઉત્પાદન કરીને એની સપ્લાય મુંબઈ અને પુણેમાં કરતા હોવાનું જણાઈ આવ્યું છે. આથી પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
આ કેસમાં અત્યાર સુધી ૭ જણની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક પોલીસ-કૉન્સ્ટેબલ પણ છે.