15 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દહિસરના ભૂતપૂર્વ નગરસેવક સંજય ઘાડી અને તેમનાં ભૂતપૂર્વ નગરસેવિકા પત્ની સંજના ઘાડીએ ગઈ કાલે એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ મિશન ટાઇગર અંતર્ગત ગઈ કાલે ઉદ્ધવસેનાનાં દહિસરનાં ભૂતપૂર્વ નગરસેવિકા સંજના ઘાડી અને તેમના ભૂતપૂર્વ નગરસેવક પતિ સંજય ઘાડી સહિત અસંખ્ય કાર્યકરોને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. ૨૦૨૨માં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે પતિ-પત્નીએ ઉદ્ધવ ઠાકરેના પડખે રહીને એકનાથ શિંદેનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે માગાઠાણેના શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઑફિસની બહાર જોરદાર પ્રદર્શન પણ કર્યું હતું. આથી સંજય ઘાડીને ઉદ્ધવ ઠાકરેએ બાદમાં પક્ષના પ્રવક્તા બનાવ્યા હતા.
ઉત્તર મુંબઈમાં ઉદ્ધવસેનાના અનેક ભૂતપૂર્વ નગરસેવકો અને પદાધિકારીઓએ સાથ છોડતાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની તાકાતમાં વધારો થયો છે. થોડા મહિના પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની શિક્ષણ કમિટીનાં ભૂતપૂર્વ અધ્યક્ષા અને ભૂતપૂર્વ નગરસેવિકા સંધ્યા દોશીએ પણ એકનાથ શિંદેનો હાથ પકડ્યો હતો. પક્ષમાંથી એક પછી એક કરીને નેતાઓ સાથ છોડી રહ્યા હોવાથી ઉત્તર મુંબઈમાં હવે ઉદ્ધવ ઠાકરેએ નવેસરથી સંગઠન તૈયાર કરવું પડશે.