17 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે રાજ ઠાકરેની મુલાકાત કરી હતી.
ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં માહિમ બેઠક પર રાજ ઠાકરેના પુત્ર અમિત સામે શિવસેનાએ ઉમેદવાર ઊભો રાખવાને લીધે એકનાથ શિંદે અને રાજ ઠાકરેના સંબંધ બહુ સારા નહોતા રહ્યા. રાજ ઠાકરેએ જાહેર સભામાં એકથી વધુ વખત એકનાથ શિંદેની ટીકા કરી હતી. આથી બન્ને નેતાઓ વચ્ચેનું અંતર વધી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. એવામાં ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેના શિવાજી પાર્કમાં આવેલા શિવતીર્થ નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાતને બન્ને નેતાઓ વચ્ચેની કટુતા ઓછી કરીને રાજકીય દૂરી ઓછી કરવાના પ્રયાસ તરીકે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણીમાં શિવસેના અને MNSની આગામી ભૂમિકા બાબતે ચર્ચાની નવી શરૂઆત તરીકે જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ ઠાકરેએ તેમના ઘરે સ્નેહભોજનનું આયોજન કર્યું હતું અને એ માટે એકનાથ શિંદેને આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી તેઓ શિવતીર્થ ગયા હતા. એકનાથ શિંદે અને રાજ ઠાકરેની આ મુલાકાત એકાએક નથી થઈ. MNS અને શિવસેનાના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા યુતિ વિશે ચર્ચા થઈ રહી હતી એના ભાગરૂપે એકનાથ શિંદે રાજ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. આથી સ્નેહભોજન તો બહાનું હોવાનું કહેવાય છે.